Abtak Media Google News

કન્નડ ફિલ્મ ઉદ્યોગના જાણીતા અને મેટિની આઇડોલ ડૉ. રાજકુમારના પાંચ બાળકોમાંના સૌથી નાના એવા પ્રખ્યાત અભિનેતા પુનીત રાજકુમારે આજરોજ અંતિમ શ્વાસ લીધા છે. 46 વર્ષીય કન્નડ એક્ટર પુનીતનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. આજે સવારે વર્કઆઉટ કરતી વખતે તેમને હૃદયમાં દુખાવો થયો અને તે ફેમિલી ડૉક્ટર પાસે ગયો. બાદમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થતાં તેને વિક્રમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વિક્રમ હૉસ્પિટલના ડૉ. પી. રંગનાથ નાયકે હૉસ્પિટલની બહાર મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, “તેમને છાતીમાં દુખાવો થતો હતો ત્યારે તેઓ બે કલાક સુધી જિમમાં હતા. તેઓ ફૅમિલી ડૉક્ટર પાસે ગયા. ઇસીજીમાં હાર્ટ એટેક આવ્યો, અને તેમને તાત્કાલિક વિક્રમ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા. પરંતુ રસ્તામાં તેને કાર્ડિયાક અરેસ્ટ થયો. ત્રણ કલાક સુધી અમે કાર્ડિયાક મસાજ અને વેન્ટિલેશનનો પ્રયાસ કર્યો.પણ બચાવી શક્યા નથી.

ચાહકો અને શુભેચ્છકો તેમના અંતિમ દર્શન કરી શકે તે માટે તેમના પાર્થિવ દેહને કાંતિરવા સ્ટેડિયમમાં રાખવામાં આવશે. સદાશિવનગરમાં પુનીત રાજકુમારના ઘરે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેઓએ બેરીકેટ્સ મૂક્યા છે, અને ફક્ત મિત્રો અને પરિવારના સભ્યોને અંદર જવાની મંજૂરી આપી રહ્યા છે. જો કે સેંકડો ચાહકો અભિનેતાના ઘરે ઉમટી રહ્યા છે. પોલીસ ટોળાને કાબુમાં લેવા પ્રયાસ કરી રહી છે.

સાથી કલાકારો દર્શન, રવિચંદ્રન અને યશ, ફિલ્મ નિર્માતા યોગરાજ ભટ અને રાજકારણીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જેડી(એસ)ના નેતા એચ.ડી. કુમારસ્વામી પણ હોસ્પિટલે દોડી ગયા હતા. આજ સાંજે 4 વાગ્યાથી તમામ ફિલ્મના શો રદ કરવામાં આવ્યા હતા અને 30 ઓક્ટોબરે કર્ણાટકમાં કોઈ શો થશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.