રાજકોટમાં કારગિલ વિજય દિવસની સ્મૃતિમાં બનાવાશે કારગિલ ચોક: કલેકટર અરૂણ મહેશબાબુ

કલેક્ટર કચેરીમાં કારગીલ યુદ્ધના શહીદોના પરિવારજનોનું બહુમાન કરાયું

આજથી 23 વર્ષ પહેલાં ભારતીય સૈનિકોએ કારગીલની પહાડીઓ પર પાકિસ્તાની સૈનિકોને હરાવીને યુદ્ધને જીતી લીધું હતું. આ દિવસને કારગીલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. કલેક્ટર કચેરીમાં  જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને નિવૃત સૈનિકો તથા સૈનિકોની વિધવાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટર એ જણાવ્યું હતું કે, કારગીલ વિજય દિવસની સ્મૃતિમાં રાજકોટ શહેરમાં કારગીલ ચોક બનાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા ગુજરાતના 12 શહીદ જવાનોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. બાદમાં કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, આપણા દેશના સૈનિકોએ સરહદો પર લડીને દેશના અમૂલ્ય વારસાનું જતન કર્યું છે. કારગીલ યુદ્ધમાં ઇન્ડિયન આર્મી અને એરફોર્સના અનેક જવાનોએ દાખવેલા સાહસ બદલ તેમને જેટલા પ્રણામ કરીએ તેટલા ઓછા છે. આજના કારગીલ વિજય દિવસને ધ્યાને રાખીને રાજકોટ શહેરમાં કારગીલ ચોક બનાવવામાં આવશે તેમજ સૈનિકો માટે ગેસ્ટ હાઉસમાં અન્ય સુવિધામાં વધારો કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, કારગીલ એ દેશના ઉત્તરી સરહદી વિસ્તારનું વ્યૂહાત્મક મથક છે. આ વિસ્તારમાં નાપાક ઈરાદાવાળા દુશ્મન દેશે ઘૂસણખોરી કરીને સરહદી વિસ્તારમાં ભારતીય સેના અને ગામો પર હુમલા કર્યા હતા. આ યુદ્ધમાં ગુજરાતના 12 ફૌજી ભાઈઓએ દુશ્મનો સામે શહીદી વ્હોરી હતી.

જેમાં જામનગરના અશોકભાઈ ગોવુભા જાડેજા,  જામનગરના લાન્સનાયક મહિપતસિંહ નટુભા જાડેજા, સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દિલીપસિંહ ડાયાભાઈ ચૌહાણ, જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના રમેશભાઈ જોગલ, જુનાગઢના મુકેશકુમાર રાઠોડ, જૂનાગઢના કેશોદ તાલુકાના હરેન્દ્રગીરી ગોસ્વામી, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના દિનેશભાઈ વાઘેલા, સાબરકાંઠાના વિજયનગર તાલુકાના શૈલેષ નિનામા, મહિસાગર જિલ્લાના ઘેટીઆંબાના રૂમાલભાઈ રજાત, સાબરકાંઠા જિલ્લાના કિસનગઢના કાંતિભાઈ કોટવાલ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામના છગનભાઈ બારીયા, પંચમહાલના ખટકપુરના ભલાભાઈ બારિયાનો સમાવેશ થાય છે.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવૃત કર્નલ સંજય દઢાણીયા, સૈનિક વેલ્ફેર બોર્ડના   કૌશિકભાઈ સહિતના અનેક નિવૃત સૈનિકો અને તેના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.