માળીયા મિયાણાના વિર વિદરકાના યુવાનની કરપીણ હત્યા

 

અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો: ખેત મજુરી માટે આવેલા પરપ્રાંતિય શખ્સોની સંડોવણીની શંકા

 

અબતક,રાજકોટ

માળીયા મિયાણા તાલુકાના વિર વિદરકા ગામના યુવાનની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ મળી આવતા અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ખેત મજુરી માટે આવેલા પરપ્રાંતિય પરિવાર ભેદી રીતે લાપતા બનતા તેઓની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિર વિદરકા ગામના રોહિત જીવાભાઇ સુરેલા નામના 27 વર્ષના કોળી યુવાનની તેના વાડામાંથી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. મહેશ જીવાભાઇ સુરેલાએ પોતાના ભાઇનો મૃતદેહ મળી આવ્યા અંગેની પોલીસને જાણ કરતા પી.એસ.એસ.આઇ. એન.એચ.ચુડાસમા અને રાઇટર રમેશભાઇ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસે મહેશભાઇ સુરેલાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હત્યા કોણે અને શા માટે કરી તે અંગે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે. મૃતક રોહિત અપરિણીત હોવાનું અને ઘરે કયારેક જ આવતો હોવાનું મહેશભાઇ સુરેલાએ જણાવ્યું હતું.

રોહિત સુરેલાની કુટુંબીક કાકા બેચરભાઇના વાડામાંથી લાશ મળી આવી હતી. આ વાડામાં એકાદ માસ પહેલાં રહેવા આવેલા પરપ્રાંતિય ખેત મજુર દંપત્તી પોતાના બાળક સાથે ભેદી રીતે લાપતા હોવાથી તેઓએ રોહિતની હત્યા કરી ભાગી ગયા અંગેની શંકા સાથે પોલીસે પરપ્રાંતિય પરિવારની શોધખોળ હાથધરી છે.