કશ્મીર જન્નત બની રહ્યું છે.

જમ્મુ અને કાશ્મીર કુદરતી દ્રષ્ટિએ તો જન્નત છે જ. પણ છેલ્લા લાંબા સમયથી ત્યાં જે અશાંતિ હતી તેને પરિણામે દહોજખ સમાન બની ગયું હતું. પણ હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલી રહી છે. કશ્મીર જન્નત બની રહ્યું છે.

સરકારે આતંકવાદીઓને ખતમ કરવા કરતાં આતંકવાદને જ ખતમ કરવા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેને સફળતા મળી રહી છે. ભારત બહારની શક્તિઓ દ્વારા કાશ્મીરના નાગરિકોને ફોસલાવીને કે ધર્મના નામે ઝનૂની બનાવીને આંતકવાદ ફેલાવવામાં આવી રહ્યો  હતો.  સરકારે કલમ 370 અને 35 એ હટાવ્યા બાદ એક લક્ષ્મણ રેખા પણ બનાવી નાખી છે. જે લક્ષ્મણ રેખાની એક બાજુ શાંતિની સાથે વિકાસ અને બીજી બાજુ મોત. કશ્મીરી નાગરિકો પણ સમજી ગયા કે સરકાર હવે શાંતિને પ્રાધાન્ય આપી રહી છે. ઉપરાંત જીવન ધોરણ સુધારવાના પ્રયાસો પણ કરી રહી છે. ત્યાંના લોકોએ સરકાર સાથે રહેવાનો રસ્તો પસંદ કર્યો અને હવે તેઓ ખુશ પણ છે કે આ રસ્તો સાચો જ છે. કારણકે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા સમયમાં અનેક પરિવર્તન આવ્યા છે. ત્યાં રોજગારી વધી છે.અને ખાસ તો ત્યાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થતાં લાખો લોકોને રોજીરોટી મળી રહી છે.

આ ઉપરાંત સરકાર ત્યાં વધુમાં વધુ રોકાણ થાય તે માટે પગલાં લઈ રહી છે. કશ્મીરમાં મોટા પ્રમાણમાં રોકાણ થઈ પણ રહ્યું છે. બીજી તરફ એક અહેવાલના આંકડા જોઈએ તો કશ્મીરમાં 5 જિલ્લા એવા છે કે ત્યાં છેલ્લા એક વર્ષમાં એક પણ વ્યક્તિ આતંકવાદ સાથે સંકળાયો નથી.  આમ ખરા અર્થમાં જન્નત બનવા તરફ કશ્મીરે પ્રયાણ શરૂ કરી દીધું છે. અને હવે આગામી સમયમાં જો કશ્મીરની આ આગેકૂચ જારી રહી તો કશ્મીરની રોનક આખા વિશ્વમાં ફેલાશે અને વિશ્વભરમાંથી પ્રવાસીઓનો ધસારો સતત કશ્મીરમાં રહેશે.   કશ્મીરનો ભૂતકાળ ખૂબ ખરાબ છે. શેરીએ ગલીએ પથ્થરબાજો, દેશ વિરોધી નારા…. આવા ઘણા દ્રશ્ય જે આજના શાંત કશ્મીરના હોવાનું કોઈને માનવામાં પણ આવે નહિ. પણ હવે ચિત્ર બદલાયું છે. કશ્મીર સુંદરતાની સાથે શાંતિ ધરાવતું પણ થઈ ગયું છે. અને આ યથાવત રહેશે તો ફાયદો તો ત્યાંના સ્થાનિકોને જ થવાનો છે.