Abtak Media Google News

અબતક, નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન પંચ દ્વારા યોજાયેલી ચર્ચાઓમાં કાશ્મીરી પંડિત સંગઠનોએ એક નવીન પ્રસ્તાવ મૂક્યો છે. તેઓએ અલગ અલગ વિસ્તારોમાં વસતા કાશ્મીરી પંડિતોનો અવાજ બુલંદ બને તે માટે અલાયદું મતક્ષેત્ર બનાવવાની માંગ ઉઠાવી છે. આ મત ક્ષેત્ર  ફક્ત અને ફક્ત જમ્મુ-કાશ્મીરના કાશ્મીરી પંડિત સ્થળાંતરીઓને મત આપવા માટે જ અનામત રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.

ભલે છુટી છવાઈ સંખ્યા હોય, પણ અવાજ તો બુલંદ બની શકશે

માત્ર પંડિતો જ ઉમેદવારી કરી શકે અને મત આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ

સિક્કિમમાં પણ આ પ્રકારનું એક અલાયદું મતક્ષેત્ર છે. જ્યાં રાજ્યના 51 મઠોમાં નોંધાયેલા ફક્ત બૌદ્ધ સાધુઓ જ લડી શકે છે અને મતદાન કરી શકે છે. આ મતક્ષેત્રને ધ્યાને લઈને કાશ્મીરી પંડિતોએ પણ અલગ મતક્ષેત્રની માંગને બુલંદ બનાવી છે. સીમાંકન પેનલની તાજેતરની જમ્મુ કાશ્મીરની મુલાકાત અને માર્ચમાં મોકલવામાં આવેલી દરખાસ્‍તોમાં આ માંગ ઉઠવાઈ છે.ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાશ્મીર પંડિત નેતા અશ્વની કુમાર ક્રોંગૂએ પુષ્ટિ આપી હતી કે કમિશન સમક્ષ આવી દરખાસ્ત કરવામાં આવી છે.

સિક્કિમમાં પણ બૌદ્ધ સાધુઓ માટે છે અલાયદું મતક્ષેત્ર  

ભારતમાં ધાર્મિક આધારો પર કોઈ અનામતની મંજૂરી નથી, તેથી કાશ્મીરી પંડિતોએ સિક્કિમના મામલાને ટાંક્યો છે, જ્યાં તેમની વિશિષ્ટ ઓળખ જાળવવા માટે લામા સંઘો માટે એક મત વિસ્તાર નક્કી કરાયો હતો.  જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું અને અદાલતે પણ તેને સમર્થન આપ્યું હતું.  કાશ્મીરી પંડિત સ્થળાંતર કરનારાઓ માટે સમાન મોડેલની વિનંતી કરી રહ્યા છે. ‘જોકે, સિક્કિમના સંગા મોડેલને ભારતના બંધારણમાં સમર્થન આપવામાં આવ્યું છે. જેથી કાશ્મીરી પંડિતો પણ તેવું જ મોડેલ બનાવવાની માંગ કરી રહ્યા છે.

કાશ્મીરી પંડિતોની માંગ સ્વીકારવામાં સીમાંકન આયોગને બાધારૂપ બનતો જમ્મુ-કાશ્મીર પુનઃસંગઠન અધિનિયમ

જો કે સીમાંકન આયોગને કાશ્મીરી પંડિતોની માંગ સ્વીકારવા માટે જમ્મુ-કાશ્મીર પુનઃસંગઠન અધિનિયમ, 2019 નડતરરૂપ બન્યું છે. જેમાં  ફક્ત એક વર્ગ માટે અનુસૂચિત જનજાતિ માટે નવી અનામત બેઠકો બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. કાશ્મીરી પંડિતો તેઓને અનામતની મંજૂરી આપવા અને  શરતોમાં તે માટેનો માર્ગ મોકળો કરવા માટે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ને સુધારવા ગૃહ મંત્રાલય તેમજ વડા પ્રધાનની કચેરીમાં આ મુદ્દો લઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.