કસરા-દાંતીવાડા 78 કિ.મી. લંબાઇના પાઇપ લાઇનના કામો માટે રૂ 1566 કરોડ મંજૂર

મુખ્યમંત્રીનો ઉત્તર ગુજરાતના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનોને પીવાના અને સિંચાઇના પાણી પહોચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવાનો માનવીય સંવેદનાસ્પર્શી મહત્વપૂર્ણ અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ આ હેતુસર સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે 1પ66.રપ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ 191.71 કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાની ખાસ કરીને પાલનપૂર અને વડગામ તાલુકાની ગ્રામીણ વસ્તી, પશુપાલકો, ખેડૂતોની આ પાણી માટેની લોકલાગણી અને માંગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.આ બેય ઉદવહન પાઇપ લાઇન યોજના સાકાર થવાથી અત્યાર સુધી નર્મદા મુખ્ય નહેરની સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રદેશના વિસ્તારોમાં સિંચાઇ સહિતના પાણીનો વિશ્વસનીય સ્ત્રોત ઉભો થશે.

રાજ્યના બહુધા વિસ્તારોમાં નર્મદાના પાણીનો લાભ આપવાના હેતુથી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ તરીકેના કાર્યકાળ દરમ્યાન ર004 માં સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકી હતી.આ યોજનાના એક ભાગરૂપે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને નર્મદા જળ આપવા નર્મદા મુખ્ય નહેર આધારિત 14 પાઇપ લાઇન યોજનાના આયોજનમાંથી 1ર પાઇપ લાઇન યોજનાઓ પૂર્ણ થઇને કાર્યરત પણ થઇ ગયેલી છે. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાકી રહેલી 300 ક્યુસેકની વહન ક્ષમતા ધરાવતી 78 કિ.મી લંબાઇની કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન યોજના માટે 1566.2પ કરોડ રૂપિયાની વહિવટી મંજૂરી આપી છે.એટલું જ નહિ, તેમણે મુક્તેશ્ર્વર ડેમમાં નર્મદા જળ પહોચાડવા 100 ક્યુસેકની વહન ક્ષમતા વાળી 33 કિ.મી લાંબી ડીંડરોલ-મુક્તેશ્ર્વર ઉદવહન પાઇપ લાઇન યોજના માટે પણ 191.97 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

ભૂપેન્દ્ર પટેલે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇનના કામો માટે જે વહિવટી મંજૂરી આપી છે તેના પરિણામે બનાસકાંઠા જિલ્લાના ડીસા, કાંકરેજ, દાંતીવાડા અને પાલનપૂર તાલુકાના 73 ગામોના 156 તળાવોને પાઇપ લાઇનથી જોડીને નર્મદા જળ અપાશે.આ ઉપરાંત પાટણ જિલ્લાના હારીજ અને સરસ્વતી તાલુકાના 33 ગામોના 96 તળાવો ભરવામાં આવશે.કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇનથી સમગ્રતયા રપર તળાવો નર્મદા જળથી ભરાવાને કારણે અંદાજે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઇ લાભ તેમજ 30 હજારથી વધુ ગ્રામીણ ખેડૂતો પરિવારોને સિંચાઇ માટે, પીવા માટે અને પશુધન માટેના પીવાના પાણીની સુવિધા વધુ સરળતાએ મળતી થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના નિવારણ રૂપે તેમજ બનાસકાંઠાના ગ્રામીણ નાગરિકોની લોકલાગણીનો સકારાત્મક પ્રતિસાદ આપી કસરા-દાંતીવાડા અને ડીંડરોલ-મુક્તેશ્ર્વર એમ બે ઉદવહન પાઇપ લાઇન યોજનાને વહિવટી મંજૂરી આપી છે.