- ચીઠ્ઠીના કોઈ સંદેશ… જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગયે
- વિજયભાઇ રૂપાણીનું ઋણ રાજકોટ કે સૌરાષ્ટ્ર ચૂકવી શકે તેમ નથી: સંગઠનના માણસ આજીવન સીએમ (કોમન મેન) રહ્યા
- વિજયભાઈ રૂપાણી અને અબતક પરિવાર વચ્ચે હતો ગાઢ સંબંધ: હવે તસ્વીરો બની રહી માત્ર યાદગાર સ્મૃતિ
- લાખો કાર્યકરોનું ઘડતર કર્યું, હમેંશા પક્ષ માટે એક કોરા પોસ્ટ કાર્ડની માફક કામ કર્યું, જે કામ સોંપ્યુ તેનો હસતા મોંઢે સ્વીકાર કર્યો
- સપ્ટેમ્બર-2021માં મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની ગુડબુકમાં હતા વિજયભાઇ
- જન્મભૂમિ બર્મા પરંતુ કર્મભૂમી રાજકોટને બનાવી: કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર હમેંશા પક્ષના વફાદાર સૈનિક રહ્યાં
- વિજયભાઇ રૂપાણીનો મુખ્યમંત્રી તરીકેનો પાંચ વર્ષ અને એક માસનો કાર્યકાળ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે રહ્યો સુવર્ણકાળ
- જવાબદારી વધતી ગઇ તેમ વિજયભાઇ સતત જનતાનો વિશ્ર્વાસ જીતતા ગયા
- ગુજરાતના મુખ્યમંત્રીનો ‘તાજ’ તેમના શીરે તા.07/08/2016થી પહેરાવાયો હતો. વિજયભાઇ રૂપાણી એક નોખું-અનોખું વ્યક્તિત્વ ધરાવનારી સૌમ્ય પ્રતિભા છે.
સંઘના સંસ્કાર, શિસ્ત અને સતત પરિશ્રમનો પ્રભાવ એમની કારકિર્દીના પ્રારંભિક પાસાં રહ્યાં હતા, ક્રાંતિનો મહિનો 2 ઓગસ્ટ 1956ના રોજ જન્મ. આજે 61મા વરસે એમના શિરે એક અપૂર્વ દાયિત્વ માટે આધારભૂત રહ્યો હતો.
બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવકના સંગઠનના રંગે રંગાયેલ વિજયભાઈની જીવનશૈલી એક અણીશુદ્ધ, કર્મશીલ કાર્યકરને શોભે તે રીતે આગળ ધપતી રહી. વિદ્યાર્થી વયથી જ રાષ્ટ્રસેવા, દેશપ્રેમના સંસ્કારનું એમનામાં સિંચન થતું રહ્યું. જૈન પરિવાર અને જન્મજાત શ્રેષ્ઠીના સંસ્કાર એમની પ્રતિભાનું પ્રબળ પાસું બની રહ્યાં. જન્મ્યા બર્માના રંગુનમાં પણ જીવન ઘડતર અને સંગઠનના ગુણોનું ચણતર રાજકોટમાં થયું. જવાબદારી વહન કરવાની એમની ક્ષમતા અને તત્પરતાને કારણે એ જ્યાં જ્યાં જોડાયા ત્યાં વિજયનું હીર ઝળકી રહ્યું, એ જવાબદારી પછી સંઘ-કાર્ય માટેની હોય કે નવનિર્માણ આંદોલન સમયે છાત્ર સંઘર્ષ સમિતિ માટે હોય, રૂપાણીએ ક્યાંય પાછી પાની કરી નથી. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી બી.એ. અને એમ. એમ. પી. લો કોલેજમાંથી એલએલ. બી.નો અભ્યાસ કર્યો. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારમાં ઉછરેલા વિજયભાઈએ પોતાના અભ્યાસકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને સમર્પિત રહીને વિદ્યાર્થી હિત માટે સતત ખેવના કરી હતી. તેઓ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી પદે જંગી બહુમતીથી ચૂંટાયા હતા.
– કર્તૃત્વનું નેતૃત્વ-સફળ આંદોલનકાર:
એમનામાં આગેવાની લેવાની ઇન્તેજારી પ્રબળ હોવા છતાં સ્વભાવિક લો-પ્રોફાઇલમાં રહી પોતે કાર્યની સમજ અને કાર્યકરો સાથેનો સમન્વય જાળવી જાત સાથેની વાતમાં વધુ મજબૂત બનતા રહ્યા. રાષ્ટ્ર નાયક સ્વ.જયપ્રકાશ નારાયણ જેવી વિભૂતીની વિચારસરણીના વાહક બની એમણે ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાં પોતાની પ્રબળ ઇચ્છાશક્તિને કામે લગાડી અને કોલેજ કાળમાં યુવાનીની ઊર્જાનો ઉત્તમ ઉપયોગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું કાર્ય સંભાળવામાં કર્યો. વિદ્યાર્થી કાળ દરમિયાન તેઓએ ઈ.બી.સી. (ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ)ની ફી માફી મર્યાદા વધારવાના આંદોલનનું નેતૃત્વ સંભાળીને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓના હિતમાં જબરજસ્ત સંઘર્ષ કર્યો.
– કટોકટી વખતે જેલવાસ… સૌથી નાની વયે:
લોકશાહીના આત્માને પવિત્ર પ્રેરકતા સાથે શ્રેષ્ઠતા તરફ પહોંચાડવા એ સદા કૃતનિશ્ર્ચયી બન્યા હતા. શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા 1975માં લાદવામાં આવેલી કટોકટી વખતે જેલયાત્રા પણ ખેડી હતી. ભૂજ અને ભાવનગરની જેલમાં એક વર્ષ સુધી જેલમાં લોકશાહીના ટેકેદાર તરીકે તત્પર બની રહ્યા અને એ પણ સૌથી નાની વયે. તત્કાલિન શાસકોએ લોકશાહીને ગળે ટૂંપો દઈને કટોકટી લાદી ત્યારે 1976માં જુલ્લી ‘મીસા’ના કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર વિજયભાઈ રૂપાણી હતા. તેમણે ‘મીસા’ હેઠળ એક વર્ષ સુધી કારાવાસ ભોગવ્યો હતો.
– ભાજપમાં સક્રિય:
સેવા અને સમર્પણની આંતરિક તાલાવેલી એમને શહેરના સ્થાનિક રાજકારણમાં ખેંચી લાવી અન્યાયને પડકારવો એ એમની હિંમત બની ત્યારે માત્ર 24 વર્ષની વયે એમણે ભાજપમાં સક્રિય પદાર્પણ કર્યું હતું.
પછી તો રાજકારણ થકી જનસેવાની કેડી પર એમનું કર્મઠ પ્રયાણ શરૂ થયું. રાજકોટ શહેરમાં મહામંત્રી તરીકે અને 1987માં કોર્પોરેટરના રૂપમાં ગતિશીલ બન્યું. રાજકોટને એક ઉત્તમ નગરી બનાવવા વિજયભાઈ એમની સૌજન્યમય શૈલીને કામે લગાડતા રહ્યા. વિદ્યાર્થી કાળ પછી સક્રિય રાજનીતિમાં પદાર્પણ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના એકમની વિવિધ જવાબદારી સંભાળી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1987ની ચૂંટણી દરમિયાન ચૂંટાયા બાદ સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ તરીકે પાર્ટીએ તેમને જવાબદારી સોંપી ત્યારે આ પદ સંભાળનાર તેઓ સૌથી નાની વયની વ્યક્તિ હતા.
નગર નિયોજનમાં એમની નજર સ્વચ્છતા તરફ વધુ શાર્પ હતી. શહેરમાં આરોગ્ય અને સ્વચ્છતા અંગે વધુ ધ્યાન અપાય એ સંદર્ભે એમની વરણી ‘ડ્રેનેજ કમિટી’ના ચેરમેન તરીકે કરાઇ. આરોગ્ય બાદ શિક્ષણનો વ્યાપ વધે તેવા સ્થાનિક પ્રયાસોમાં એ સતત સામેલ રહ્યા હતા. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે સતત આઠ વર્ષ 1988 થી 1996 સુધી કાર્યરત રહ્યા ત્યારબાદ રાજકોટના મેયર તરીકે 1996 થી 1997 સુધી પદ પર રહી અનેક વિકાસના કામો કર્યા. તેમના જૈન સંસ્કારને અનુરૂપ “વિવાદ નહીં સંવાદ” ધ્યેય સાથે રાજકોટના સર્વાંગી વિકાસ માટે ઢગલાબંધ પ્રકલ્પો, કાર્યક્રમો હાથ ધર્યા અને દીર્ઘદ્રષ્ટિવાળા વહીવટદાર તરીકે તેમની અમીટ છાપ જાહેર જીવન પર પડી.
રાજકોટના મેયર તરીકે ચૂંટાયા અને વહીવટી અનુભવ અને વ્યવહાર કુશળતાને કારણે રાજકોટની વિકાસની ગતિ વધુ તેજ બની. તેમના સમયગાળા દરમિયાન કેન્દ્રના વિદેશ મંત્રાલયની મંજૂરી સાથે રાજકોટ અને યુ.કે.ના લેસ્ટર વચ્ચે “ટ્વીન સિટી” ઐતિહાસિક કરાર થયા, જે ત્યારે કોઈપણ ભારતીય શહેરના કોઈપણ વિદેશ શહેર સાથેના પ્રથમ કરાર હતા. આ કરારથી રાજકોટના વિકાસનું વધુ એક દ્વાર ખૂલ્યું. પ્રત્યેક કાર્યમાં એમની પ્રતિબદ્ધતા અને સહકાર્યકરોમાં સેવાપરાયણતાનું જોમ રેડવાની એમની ક્ષમતાએ એમની રાજકીય પ્રગતિની ગતિમાં તેજી લાવી દીધી હતી.
જનહિતમાં એક કુશળ વહીવટદાર તરીકે પ્રસ્થાપિત થયેલા વિજયભાઈ રૂપાણી એક અચ્છા અને બાહોશ આર્થિક – નાણાકીય નિષ્ણાત પણ છે અને સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્સચેંજ જેવી માતબર અને પ્રભાવી સંસ્થાના અધ્યક્ષપદે રહીને અર્થવ્યવસ્થાપન ક્ષેત્રે પોતાની કાબેલિયત પૂરવાર ફરી ચૂક્યા હતા.
– પ્રદેશ ભાજપમાં મહામંત્રી અને પ્રદેશ પ્રવક્તા:
એમની સૌમ્ય સમજદાર અને છટાદાર વાણીના પ્રતાપે પ્રદેશ ભાજપના પ્રવક્તા અને મહામંત્રી તરીકે પસંદગી પામ્યા. પક્ષના શીર્ષ આગેવાનો સાથેની એમની વૈચારિક લયબદ્ધતા અને અદના કાર્યકર્તા સાથેની એમની આત્મીયતા, પક્ષના વિકાસ માટેની મજબૂત કડી તરીકે ઉભરી આવ્યા. પક્ષના પ્રદેશ પ્રવક્તા તરીકે એમની વિચક્ષણતા, પક્ષની નીતિ અને સિદ્ધાન્તો તથા રોજબરોજની રાજકીય સ્થિતિની સચોટ જાણકારી સાથેના સ્પષ્ટીકરણો થકી એમણે સત્યપરાયણતા માટેના અનેક સમીકરણો બદલી નાખ્યાં હતા.
રાજકોટમાં તેમના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ કરેલી એકધારી આગેકૂચને ધ્યાનમાં રાખીને ભાજપાની નેતાગીરીએ વિજયભાઈ રૂપાણીને ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી તરીકે પણ જવાબદારી સોંપી અને જામનગર, કચ્છ, જૂનાગઢ, પોરબંદર વગેરે જિલ્લામાં પ્રભારી તરીકે તેમણે કાર્યભાર સંભાળીને અનેક પ્રસંગે ભાજપાને ફતેહ અપાવી હતી.
સંગઠન આગેવાનો સાથેનો એમનો તાલમેલ અદભુત રહ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખો સાથેની એમની સહાયક સક્રિયતા પક્ષના પ્રદેશ મહામંત્રીના હોદ્ાની ગરિમા વધારનારી બની. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણા, પુરૂષોત્તમભાઈ રૂપાલા અને તત્કાલિન પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ વગેરે માટે એક આદર્શ સહભાગી બની રહ્યા હતા.
2006ના વર્ષને ‘પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવાના ગુજરાત સરકારે કરેલા નિર્ણય પછી પ્રવાસન વર્ષ દીપી ઊઠે તે આશયથી વિજયભાઈ રૂપાણીને તા.1લી જાન્યુઆરી, 2006ના રોજ ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષપદે નિયુક્ત કર્યા. જે કામગીરી તેમણે તા.13-03-2006 સુધી ખૂબ જ જવાબદારી સાથે વહન કરી હતી.
જવાબદારીઓ વધતી ચાલી, જનતાનો વિશ્ર્વાસ જીતતા ગયા કાર્યકરોમાં પોતાની કર્મઠતાનો પ્રતાપ વધારતા ગયા તેમ તેમ વરિષ્ઠોનો વિશ્ર્વાસ પણ એમની આગળની યાત્રાને ઉજળી બનાવતો રહ્યો હતો.
એક કુશળ વહીવટકાર અને વાણીની પ્રખરતા સાથેની વિનમ્રતા અને સૌજન્ય એમના વ્યક્તિત્વના ઉજળા પાસાં છે. એક કુશળ સંગઠક, વ્યવહારકુશળ વહીવટકર્તા, પ્રતિબદ્ધ કાર્યકર, અર્થવ્યવસ્થાપનના નિષ્ણાત તરીકે સતત સમાજ પ્રત્યે સમર્પિત રહી કાર્ય કરતા રહ્યા. નાનામાં નાના કાર્યકરને પીછાણી લેવામાં એમનામાં રહેલી માનવીય લાગણી, પીઢતા અને સલુકાઇ શ્રેષ્ઠતાએ પહોંચેલાં છે. વણીક હોવાને નાતે સત્ય અહિંસાને ધર્મ ગણી આગળ વધતા રહેવાની કુનેહ ધરાવતા હતા.
માધ્યમો અને પત્રકારો સાથે એક પીઢ પ્રવક્તાના રૂપમાંથી વિજયભાઈની ઠાવકાઇ, સૂઝબૂઝ અને સમગ્ર સ્થિતિઓ અંગેની જાણકારી એમનું પ્રવક્તા તરીકેનું વિચક્ષણ પાસું હતું.
વિજયભાઈ સારી રીતે અવગત છે કે, પક્ષના પાયાની મજબૂતીમાં અદના કાર્યકરોનો આદર એ મૂળમંત્ર ગણાય સહકાર્યકરો હોય કે સાવ છેવાડાના વિસ્તારનો નાનો કાર્યકર હોય, સૌ કોઇને માટે વિજયભાઈ સુધી પહોંચવું સરળ અને સુગમ બનાવવાનો એમનો સ્વભાવે એમને સૌના આદરણીય બનાવ્યા છે. ગુજરાતની ગતિશીલતાનો મંત્ર જરાય ઝાંખો ન પડે. સર્વત્ર જનતા જનાર્દનની અપેક્ષાનો જ વિજય થતો રહે. પક્ષ સંસ્થા અને શાસનની સમન્વયતા થકી કપરા સંજોગોમાં પણ વિજયભાઈનું હીર, રાજ્યની ગતિશીલતા માટે ઝળકતું રહ્યું હતું.
યુવા પેઢી માટે શિક્ષણ રોજગારી અને કારકિર્દીનું ઘડતર એ મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્નો રહ્યા છે. જેની જાણકારી સાથે પક્ષના આ મહત્ત્વપૂર્ણ હોદ્ા પર જ્યારે એ આરૂઢ થાય છે ત્યારે સૌ કોઇની અપેક્ષાઓને નવો આધાર મળશે એ નિશ્ર્ચિત બાબત હતી.
વિજયભાઈ રહ્યા સંગઠનના માણસ. વ્યક્તિ વિકાસની કેડી પરથી સમાજ વિકાસને કંડાનારા. સમાજ વિકાસની વાત લઇને રાષ્ટ્ર વિકાસ સુધીની મજલ કાપવા જનાંદોલનનું જોમ એમની વાણીમાં રહ્યું. ભારતીય જનતા પક્ષ તરફની નિષ્ઠા વિજયભાઈની રગેરગમાં સમાયેલી હતી.
– ચેરમેન – સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિ:
1998 થી 2002 રાજ્ય સરકારમાં સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી. ત્યાર બાદ 2006માં ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન તરીકેની એમની કામગીરી થકી ખુશ્બુ ગુજરાતની સમગ્ર દેશ અને પરદેશના પ્રવાસીઓ માટે માટીની મહેક અને હસ્ત કારીગરોની રોજગારની તકોને દ્વિગુણી કરવામાં આગળ વધ્યા હતા.
-રાજ્યસભાના સાંસદ:
ત્યારબાદ 2006-12 સુધી રાજ્યસભાના સભ્ય રહી સાંસદ તરીકે જવાબદારી વહન કરી. આ દરમ્યાન કેન્દ્ર સરકારની વોટર રિસોર્સ કમિટી, સબઓર્ડીનેટલોજી સ્ટેશન કમિટી, હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્ટ કમિટી, પેપર લેડ ઓન ટેબલ કમિટી, ફૂડ, કસ્ટમ અફેર્સ એન્ડ પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન કમિટી, પબ્લિક અન્ડર ટેકિંગ કમિટી જેવી જુદી-જુદી કમિટીઓમાં સભ્ય તરીકે કામગીરી કરી હતી.
24 વર્ષની વયે ભાજપમાં સક્રિય પદાર્પણ કર્યું, 1987માં પ્રથમવાર કોર્પોરેટર બન્યા: ડ્રેનેજ સમિતિના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, રાજ્યસભાના સાંસદ, પ્રદેશ ભાજપ મહામંત્રી, પ્રદેશ પ્રવક્તા, ફાઈનાન્સ બોર્ડના ચેરમેન, ધારાસભ્ય, કેબિનેટ મંત્રી, પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી: છેલ્લે પંજાબ-ચંદીગઢના પ્રભારી હતા