Abtak Media Google News

અંગ્રેજી માઘ્યમવાળા તો ન ગુજરાતી, ન અંગ્રેજી એમ કયાંયના રહેતા નથી: માતૃભાષા આવડયા બાદ બીજી ભાષા સરળથી શીખી શકો છો: આજની યુવા પેઢી ગુજરાતી ભાષાથી વિમુખ થતાં ભવિષ્ય સારો ફકરો પણ લખી નહીં શકે

આપણી પ્રાચિન ભાષા સંસ્કૃત જેવી સ્થિતિ ગુજરાતીની ન થાય એ પહેલા યુવા વર્ગ અને ભાવિ પેઢી જાગે : સારા શબ્દોને સરળ શૈલીમાં લખાવેલ માતૃભાષા જ સરળતાથી સમજાય છે

આજે મોટાભાગના યુવાનો ગુજરાતીમાં એક સારો ફકરો લખી શકતા નથી, જો આમને આમ ચાલ્યુ તો ભવિષ્યમાં શોક સંદેશ લખાવવા પેમેન્ટ કરવું પડશે. આપણી માતૃભાષાના શ્રવણ અને કથન કૌશલ્યો તો બાળપણથી અને ઘરના વાતાવરણમાંથી સિઘ્ધ થઇ જતાં હોવા છતાં બોર્ડની પરિક્ષામાં હજારો છાત્રો ગુજરાતીમાં નાપાસ થાય છે. ગુજરાતી ભાષા લખવાનો મહાવરો જો ભૂલાય જશે તો આજના યુવાન અને ભાવિ પેઢી માટે ઘુંઘળું વાતાવરણ છે.

આજે તો શબ્દોની માથે જયાં મીંડું આવે તે કોઇ મુકતું નથી. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળની ક્રિયા પ્રમાણે યોજાશે, યોજાયો જેવા શબ્દો મુકવાની પણ ખબર નથી પડતી ત્યાં ગુજરાતી ભાષાના વ્યાકરણની કયાં વાત કરવી. અંગ્રેજી માઘ્યમમાં ભણનારો તો ન ગુજરાતી કે ન અંગ્રેજી એમ બન્ને વચ્ચે લટકી પડે છે. બસ સ્ટેન્ડ ઉપર ગુજરાતીમાં લખેલા બોર્ડ પણ વાંચી ન શકનાર ભાવિ પેઢીનું શું થશે એ સૌથી મોટો પ્રશ્ર્ન છે.

એક વાત નકકી છે કે માતૃભાષા આવડી જાય અને તેના પાયાના શ્રવણ-કથન અને લેખન કૌશલ્યો વિકસી ગયા બાદ બીજી ગમે તે ભાષા તમને સરળતાથી આવડી જાય છે. આજની યુવા પેઢી માતૃભાષા ગુજરાતી વિમુખ થતાં ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં તેને રસ પડતો જ નથી. આજના મોટા ભાગનાં યુવાનો ગુજરાતીમાં એક સારો ફકરો લખી નથી શકતા એ એટલી જ નગ્ન વાસ્તવિકતા છે.

નવી શિક્ષણ નીતિમાં સહકારે પ્રાથમિક શિક્ષણને ફરજીયાત માતૃભાષા કરેલ હોવા છતાં અને 2027 સુધીમાં ગુજરાતીની વાંચન- ગણન અને લેખન ક્ષમતા 100 ટકા વિકસાવવાના લક્ષ્યાંકને કેમ હાંસિલ કરી શકીશું. આપણી અને વિશ્ર્વની સૌથી પ્રાચિન ભાષા સંસ્કૃત જેવી સ્થિતિ ગુજરાતીની ન થાય તે પહેલા ભાવી પેઢી અને યુવાનો એ જાગવાની જરુર છે.

સારો શબ્દો અને સરળ શૈલીમાં લખાયેલ આપણી માતૃભાષા જ આપણને સરળતાથી સમજાય છે. આપણે હિન્દી કથન અને શ્રવણ તો ચલાવી લઇએ છીએ. પણ હિન્દી લેખનની આપણી નબળાઇ સૌ જાણે છે. હિન્દી તો આપણી રાષ્ટ્ર ભાષા છે. જન્મ બાદ માઁ ના મુખેથી પ્રથમ માતૃભાષા શબ્દો જ સંભળાતા હોવાથી તેને માતૃભાષા કહે છે.

ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતમાં વસતા અને મૂળ ગુજરાતીની ભાષા છે, અને તેનો ઇતિહાસ ઇ.સ. 1000 સાલ સુધી આંકી શકાય છે આપણી ભાષા સમગ્ર ભારતમાં બોલાતી વિવિધ બોલીમાં બોલાતી અપભ્રંશ ભાષામાંથી વિકાસ પામી છે. આપણી ગુજરાતીની વિશેષતા એ છે કે તેના સાહિત્ય અને વિકાસમાં તેના રચિયતા સિવાય કોઇપણ શાસકનો આશ્રય ન હોવા છતાં તેનો વિકાસ સારો થયો હતો. આપણું ગુજરાતી સાહિત્ય ખુબ જ સુંદર છે છતાં આજનો યુવા વર્ગ તેને વાંચતો નથી જે દુ:ખની વાત છે.

આશરે હજાર વર્ષ પહેલા વિવિધ ભાષાઓ બોલાતી હતી જો કે તે ખુબ પ્રાકૃત ભાષાનું સામાન્ય લોકો દ્વારા બોલવામાં આવતું રુપ હતું  ઇ.સ.700 ની આસપાસ લોક બોલી અપભ્રંશથી પ્રાથમિક  ગુજરાતી તરફ વળી હતી, આમાંથી સાહિત્ય  સર્જન સુધી પહોચતા ર00 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આજનો યુવાનની દિશા અને દશા બગડી તેનું મુખ્ય કારણ તે માતૃભાષાથી વિમુખ થયો છે. આપણાં ઉખાણા અને કહેવતો પણ ઘણો બોધપાઠ આપી જાય છે.

આપણા ગુજરાતમાં પણ બાર ગાવે બોલી બદલાય છે તેનો મતલબ સંસ્કૃતિને વિસ્તાર બદલાતા ત્યાં તેની સ્થાનીક લોક બોલીની અસર ગુજરાતમાં વિશેષ જોવા મળે છે.  આજના કોમ્પ્યુટર યુગમાં અંગ્રેજીનું વિશેષ મહત્વ હોવાથી અંગ્રેજીને પ્રથમ પસંદગી સૌ કોઇ આપે એ  સ્વાભાવિક છે પણ હવે તો ગુગલે પણ આપણી માતૃભાષાને સામેલ કરી લીધી હોવાથી તમામ ઇલેકટ્રોનિક મીડિયામાં તેનો ઉપયોગ સવિશેષ જોવા મળે છે પણ આપણાંમાંથી કેટલા ગુજરાતી કિ બોર્ડ વાપરે છે. માતૃભાષાને કારણે સારા વિચારો આવતા હોવાથી છાત્રોનો સંર્વાગી વિકાસ ઝડપથી થતો જોવા મળે છે, પણ આજે ભાવિ પેઢીને આપણી માતૃભાષામાં ઓછો રસ પડે છે.

“અંગ્રેજી સારૂ છે પણ ગુજરાતી મારૂ છે ” ભાષાએ માનવ સમાજનું અવિભાજય અંગ

ગુજરાતી ભાષાએ ઇન્ડો આર્યન ભાષા કુળમાંથી છૂટી પડેલી કે સમયાંતરે વિકાસ પામેલી ભાષા છે. ભાષા વૈજ્ઞાનિકો તેના ત્રણ તબકકા વર્ણવે છે જેમાં વૈદિક સંસ્કૃત યુગ, પ્રાકૃત અને અપભ્રંશ યુગ અને ગુજરાતી, બંગાળી, પંજાબી જેવી આધુનિક ભાષાના વિકાસનો યુગ, આજ પ્રમાણે આપણી ગુજરાતી ભાષાના પણ ત્રણ તબકકા વિકાસના છે. 17મી સદીમાં પ્રેમાનંદે પહેલીવાર દશમ સ્કંધમાં ગુજરાતી ભાષાનો ઉલ્લેખ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.