પાંચ દિવસથી માતાના પ્રેમને ઝંખતી બે વર્ષની બાળકીને માતૃહૂંફ અપાવતી કેશોદ અભયમ્ ટિમ

જય વિરાણી, કેશોદ:

માંગરોળ તાલુકાના ગામમાં મહિલા સાત વર્ષથી સાસરે આવી પોતાના પતિ સાથે સુખી જીવન જીવવાની શરૂઆત કરી હતી. પોતાના પરિવાર છોડીને સાસરે આવેલ દરેક મહિલા અન્ય પરિવારની સભ્ય બની પોતાનો એક સુખી પરીવાર બનાવવા માટે સાસરીના સુખે સુખી અને દુઃખે દુઃખી હોય છે ત્યારે આ મહિલા લગ્ન કરી સાત વર્ષથી તેમના પતિ સાથે રહેતી હતી. પણ છેલ્લા એક વર્ષથી પતિના શારીરીક માનસિક ત્રાસ,શંકા, અને સાસુ – સસરાના અપશબ્દોથી સાસરિયામા ઘરેલુ હિંસાથી પીડિત હતી અને પાંચ દિવસ પહેલા તેના પતિએ ઝઘડો કર્યો હતો ત્યારે બે વર્ષની બાળકીને જબરજસ્તી પોતાની પાસે રાખીને માતાના પ્રેમથી વંચિત કરી હતી.

પીડિત મહિલાએ ૧૮૧ અભયમ્મ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી બે વર્ષની બાળકીનો કબ્જો અપાવવા મદદ માંગી હતી તેથી કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર ડાયબેન માવદીયા તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી અને મહિલાના પતિનુ કાઉન્સેલીંગ કરી સમાધાન કરી સાથે રહેવા સમજાવ્યા પરંતુ મહિલાના પતિ હાલ સમાધાન કરવા માંગતા ન હતા તેથી બાળકીના ભવિષ્ય અંગે સમજણ આપીને કાયદાકીય માહિતી આપી સમજાવ્યા ને બે વર્ષની બાળકીને માતાના પ્રેમ અને હુફથી વંચિત ન રહે માટે બંને પક્ષનું કાઉન્સિલિંગ કરી રાજીખુશથી બાળકીનો હંગામી ધોરણે કબ્જો પીડિતાને અપાવ્યો હતો

પાંચ દિવસથી માતાના પ્રેમ અને હૂફથી વંચિત બે વર્ષની બાળકીને માતા સાથે મિલન કરાવ્યું અને મહિલા તથા તેના પતિ વચ્ચેની તકરારને દૂર કરવા તથા તેનું સાંસારિક જીવન ફરીથી સારી રીતે ચાલવા લાગે તેના માટે બંનેને લાંબા ગાળાના કાઉન્સેલીંગ માટે કેશોદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ખાતે લઇ આવી સમજાવ્યા હતા.