Abtak Media Google News

કેશોદ, જય વિરાણી: સમગ્ર રાજ્ય ઉપરાંત દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેરમાં સ્વાસ્થ્ય કટોકટી જેવી સ્થિતિ ઉભી થઈ હતી. હોસ્પિટલોમાં ઠેર ઠેર બેડ ફૂલ, તો ઓક્સિજન માટે ફાંફા તો બીજી બાજુ સારવારમાં વપરાતા રેમડેસીવીર ઈન્જેકશનની રામાયણ ઉભી થઈ હતી. પરંતુ હવે કોરોનાની ઘાતકી સાબિત થયેલી આ લહેરનો અંત નજીક હોય તેમ સ્થિતિ થાળે પડી રહી છે. નવા કેસ ઘટ્યા છે તો સામે રિકવરી રેટ નોંધપાત્ર દરે વધી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલ કોરોના સામેની સારવારમાં ઘણાં બનાવ એવા સામે આવ્યા છે કે જેમાં હોસ્પિટલો તગડી રકમ વસુલતા હોય. તો ઘણી હોસ્પિટલોમાં દયા, પ્રેમ ભાવ પણ છલકાતા હોવાની ઘટનાઓ સામે આવી છે. ઠેર ઠેર ટેસ્ટિંગ માટે કેન્દ્રો શરૂ થયા હતાં. ત્યારે કેશોદ શહેરમાં પણ મહિલા કોલેજ કેમ્પસમાં વિનામૂલ્યે કેશોદ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ જે આશીર્વાદરૂપ સાબિત થયેલ હતું.

કેશોદના દાતાઓ તરફથી અને વેપારીઓ દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવેલ તેમજ શહેરના નામાંકિત તબીબો અને યુવાનો દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા કરતાં દર્દીઓ અને પરિવારજનોને ખુબજ સરળતા ઉપલબ્ધ થઈ હતી. કેશોદ પંથકમાં કોરોના મહામારી કાબુમાં આવી જતાં કોવીડ કેર હોસ્પિટલ બંધ કરવામાં આવ્યુ છે અને તમામ ખર્ચની રકમ ચુકવવામાં આવ્યાં બાદ પણ 37 લાખ જેટલી રકમ વધતા દાતાઓને આ રકમ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેશોદ ખાતે શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં આવેલી માતબર રકમને કોવિડ કેર સેન્ટર બંધ કરતા વધેલી દાનની રકમ દાતાઓને પરત કરવાનો આ મહત્વનો નિર્ણય કેશોદ કોવિડ કેર સેન્ટર સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે કેશોદ ખાતે 21 એપ્રિલ થી 30 મે સુધી કોવિડ કેર સેન્ટર ચાલુ રાખવામાં આવ્યું હતું. કોવિંડ કેર
સેન્ટર ચાલુ કરવા માટે આશરે 71 લાખ જેટલી માતબર રકમ દાનમાં અપાઈ હતી. જેમાંથી 40 દિવસ સુધી ચલાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં તમામ ખર્ચાઓને બાદ કરતા 37 લાખ રૂપિયા જેટલી રકમ વધતા કોવિડ કેર સેન્ટર સમિતિએ ફિક્સ ડિપોઝીટમાં મુકવાનો નિર્ણય કર્યો હતો. જેથી ભવિષ્યમાં કોઈ પણ વિપદાનો સામનો કરી શકાય. પરંતુ ફિક્સ ડિપોઝિટ માટે કાયદાકીય રીતે ગુંચવણને કારણે કોવિડ કેર સમિતિએ દાતાઓને પરત કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરોકત માહિતી સમિતિના સભ્ય ભરતભાઈ વડાલીયા એ આપી ભવિષ્યમાં કોરોના જેવી મહામારીમાં દાતાઓની સરવાણી વહેતી રહે તેવી અપેક્ષા સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.