કેશોદ: એરપોર્ટ રોડ લીસો બની જતાં અનેક રાહદારીઓ લપસી પડે છે, રોડને રફ કરવા સ્થાનિકોની માંગ

જય વિરાણી, કેશોદ :એક તરફ સરકાર વિકાસના કામોની વાત કરી રહી છે તો બીજી બાજુ રોડ રસ્તાઓની બિસ્માર હાલતના કારણે લોકને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે કેશોદમાં પણ એવી જ ઘટના બની છે. કેશોદ શહેરના રેલ્વે ટ્રેકથી પુર્વ તરફના ફુવારા ચોક થી એરપોર્ટ જતાં  રોડને R&B વિભાગ દ્વારા સિમેન્ટથી મઢવામાં આવ્યો  છે.

આ રોડને R&B વિભાગના કોન્ટ્રાક્ટરે લપસી પડાય તેવો લીસો બનાવી નાખી કામ પુરૂ કરી દેવાયું હતું.  જેને લાંબો સમય વીતી ચુક્યેા છે. જયારે રોડ બનતો હતો ત્યારે સિમેન્ટના ઉપરના પડને રફ કરવાની જરૂર હતી. જે ન કરાતાં દરરોજ બે થી ચાર રાહદારીઓ આ રોડ પરથી પસાર થતાં લપસી પડ્યાની ઘટના બને છે.

ત્યારે અકસ્માતે પડી જનારને નજરે જોનારા સ્થાનીક રહેવાસીઓ તેમજ રોડ કાંઠાના વેપારીઓએ આ રોડ પરથી પસાર થતાં દ્વિચક્રી વાહન કે સ્કુલે સાયકલ લઈ જતાં વિદ્યાર્થીઓ લપસે નહીં તે રીતે રફ બનાવવા સ્થાનીક R&B વિભાગ તેમજ જુનાગઢ કાર્યપાલક ઈજનેરને પત્ર લખી જાણ કરી છે. આ અંગે કેશોદ R&B વિભાગે CC રોડ પર લપસાય નહીં તે રીતે રોડને રફ બનાવવા ઉકેલ કાઢીશું તેમ જણાવ્યું હતું.