- આતંકને પીઠબળ આપતો ખાલિસ્તાની કાશ્મીર સિંહ ગલવડી વિદેશમાં બેઠેલા બબ્બર ખાલસાના આતંકવાદી સાથે જોડાયેલો હોવાનું આવ્યું સામે
દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓને ભરી પીવા સરકાર સજ્જ બની છે. દેશની અંદર રહેલા ગદ્દારો હોય કે બહારથી દેશ પર હુમલો કરતા આતંકી હોય. દરેકને ખૂણે ખૂણેથી વીણીને ઠેકાણે પાડી દેવામાં આવશે. ત્યારે આ ઝુંબેશમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ) ને એક મોટી સફળતા મળી છે. તેમણે રવિવારે 2022 ના ખાલિસ્તાની આતંકવાદી કાવતરા ઘડવાના કેસમાં એક મુખ્ય ખાલિસ્તાની કાર્યકર કાશ્મીર સિંહ ગલવડીની ધરપકડ કરી છે. એનઆઈએ અધિકારીઓએ જણાવ્યું કે લુધિયાણાનો આ ખાલિસ્તાની કાર્યકર વિદેશમાં બેઠેલા બબ્બર ખાલસાના આતંકવાદી હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા સાથે જોડાયેલો છે.
સ્થાનિક પોલીસની મદદથી કાશ્મીર સિંહ ગલવડીને બિહારના મોતીહારીમાંથી પકડવામાં આવ્યો હતો. એનઆઈએ અનુસાર, તે એક ખતરનાક ગુનેગાર છે અને 2016 માં પંજાબની નાભા જેલમાંથી ભાગી ગયેલા છ લોકોમાંનો એક હતો. વધુમાં જણાવ્યું કે નાભા જેલમાંથી ભાગ્યા પછી કાશ્મીર સિંહ રિંડા સહિત અન્ય ખાલિસ્તાની આતંકવાદીઓના સંપર્કમાં હતો અને તેમની સાથે કામ કરતો હતો. તેના પર ખાલિસ્તાની આતંકવાદીઓના મદદગારોને આશ્રય આપવા, તેમને સાધનસામગ્રી પૂરી પાડવા અને આતંકવાદી ભંડોળ આપવાનો આરોપ છે. આ આતંકી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કર્યા પછી નેપાળ ભાગી ગયા હતા, જેમાં મે 2022 માં મોહાલીમાં પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર થયેલા રોકેટ હુમલાનો પણ સમાવેશ થાય છે.
દિલ્હીની એનઆઈએ સ્પેશિયલ કોર્ટે કાશ્મીર સિંહને 2022 ના આતંકવાદી કાવતરાના કેસમાં ભાગેડુ ગુનેગાર જાહેર કર્યો હતો અને છેલ્લા બે વર્ષમાં તેની સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ બહાર પાડ્યા હતા. તેમજ ધરપકડ કરાવવામાં મદદરૂપ થનારને 10 લાખ રૂપિયાનું ઇનામ પણ આપવાની જાહેરાત કરી હતી.
ઓગસ્ટ 2022 માં, એનઆઈએએ બબ્બર ખાલસા, ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ માટે પોતાની રીતે આ કેસ દાખલ કર્યો હતો. તપાસમાં આતંકવાદીઓ અને ગુનેગારો વચ્ચેનું જોડાણ સામે આવ્યું હતું. આ જૂથો સંગઠિત ગુનાહિત ગેંગ સાથે મળીને દેશના અલગ-અલગ ભાગોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે સરહદ પારથી હથિયારો, દારૂગોળો, વિસ્ફોટકો અને આઇઈડી જેવા સાધનોની દાણચોરીમાં સામેલ હતા.જુલાઈ 2023 માં, એનઆઈએ એ આ કેસમાં સંધુ અને લખબીર સિંહ ઉર્ફે લંડા સહિત નવ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ અન્ય છ લોકો સામે બે વધુ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ઓગસ્ટ 2024 માં, એનઆઈએએ યુએઈથી લંડાના ભાઈ તરસેમ સિંહનું પ્રત્યાર્પણ કરાવવામાં સફળતા મેળવી હતી અને ડિસેમ્બરમાં ત્રીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.