ખંભાળિયા: રામનગરમાં સરપંચના પતિ સહિત ચાર શખ્સો લાંચ લેતા ઝડપાયા

ખંભાળિયા તાલુકાની મહત્વ એવી રામનગર ગ્રામ પંચાયતના સરપંચના પતિ સહિત ચાર શખ્સો લાંચ લેતા એસીબીના ઝપ્ટે ચડી ગયા છે. સરકારી જગ્યામાંથી કાપ ભરેલા વાહનોની અવરજવર માટે રૂ.૨ લાખની લાંચ સ્વીકારતી વેળાએ એસીબીએ ચારેય શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા.

કાપ ભરેલા વાહનોની અવરજવર માટે રૂ.૨ લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ દબોચી લીધા

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખંભાળિયાની રામનગર ગ્રામ પંચાયતના સરપંચના પતિ સુનીલ નકુમ સહિત જીતેન્દ્ર ઉર્ફે જીતુ રમેશ નકુમ, લલિત ડાભી અને ગ્રામ પંચાયત સભ્ય પાંચા નકુમને એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા ઝડપી પાડયા હતા. પોલીસે ચારેય શખ્સોને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ રામનગર સરપંચના પતિ સુનીલ નકુમ દ્વારા સરકારી જમીનમાંથી કાપ ભરેલા વાહનોને અવરજવર કરવા માટે રૂ.૩ લાખની લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ એસીબીની મદદ લઈ સરપંચના પતિને લાંચ આપવા પોતાની ઓફિસે બોલાવ્યા હતા. જ્યાં સરપંચના પતિ સુનીલ નકુમ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ રમેશ નકુમ, લલિત ડાભી અને ગ્રામ પંચાયતના સભ્ય પાંચા નકુમ લાંચની નક્કી કરેલી રકમ રૂ.૨ લાખ લેવા ગયા હતા.
જ્યાં અગાઉથી છરકુ ગોઠવીને બેઠેલી એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ ચારેયને લાંચ લેતા રંગે હાથ દબોચી લઈ આગળની કાર્યવાહી હાથધરી છે. ગ્રામ પંચાયતના સરપંચના પતિ લાંચ લેતા ઝડપાતા મોડી રાત સુધી રાજકારણીઓના ફોન રણક્યા હતા પરંતુ આખરે પોલીસે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથધરી છે.