જિલ્લામાં ખરીફ વાવેતર ગત વર્ષની લગોલગ: કપાસ અને એરંડાનું વાવેતર વધ્યું

કઠોળ સહિતના પાકોના વાવેતરમાં ઘટાડો નોંધાયો

છેલ્લા થોડા દિવસથી રાજકોટ જિલ્લામાં ઝરમર ઝરમર પડી રહેલા વરસાદથી ખરીફ પાકોની વાવણીમાં ઉતરોતર વધારો થયાનું નોંધાયું છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ માસે આ વાવેતર લગોલગ પહોંચ્યું છે.ખાસ કરીને કપાસ અને એરંડાનું વાવેતર વધ્યું છે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસમાં વાવણી લાયક વરસાદને પગલે ખરીફ વાવેતર ગત વર્ષની લગોલગ પહોંચ્યું છે. દરમિયાન કઠોળ સહિતના પાકોના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે તો રાજ્યમાં કપાસ અને એરંડાનું વાવેતર વધ્યું છે. સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લામાં સરેરાશ 35,60,600 હેક્ટરમાં ચોમાસું વાવેતર નોંધાયું છે ત્યારે સૌથી વધુ વાવણી અમરેલી જિલ્લામાં 5,44,400 હેક્ટરમાં નોંધાયું છે.

કૃષિ વિભાગ મુજબ ગુજરાતમાં ખરીફ પાકનું કુલ વાવેતર 64.43 લાખ હેક્ટરમાં થયું છે. જે ગત વર્ષે આ સમયે 64.84 લાખ હેક્ટરમાં થયું હતું. જે દૃષ્ટિએ કુલ વાવેતર વિસ્તારમાં એક ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગુજરાતમાં મગફળીનું વાવેતર 12.93 ટકા ઘટીને 16.26 લાખ હેક્ટર થયું છે જે ગત વર્ષે 18.68 લાખ હેક્ટરમાં થયું હતું. જ્યારે કપાસનું વાવેતર 12.50 ટકા વધીને 24.49 લાખ હેક્ટરમાં નોંધાયું છે. આ સાલ કઠોળ પાકોનું વાવેતર એકંદરે 25 ટકા ઘટીને 2.85 લાખ હેક્ટરમાં નોંધાયું છે. જ્યારે જુવારના વાવેતરમાં 20 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન આ વર્ષે રાજ્યમાં એરંડાનું વાવેતર ખૂબ જ વહેલું થઇ ગયું હતું, જેને પગલે ગત વર્ષની તુલનાએ કુલ વાવેતર વિસ્તારમાં 94 ટકા વધારા સાથે 76.97 લાખ હેક્ટરમાં નોંધાયું છે.

અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 35,60,600 હેક્ટરમાં, ઉત્તર ગુજરાતમાં 10,58,300 હેક્ટરમાં, મધ્ય ગુજરાતમાં 10,93,700 હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછું 4,78,200 હેક્ટરમાં ખરીફ વાવેતર નોંધાયું છે, જે અંતર્ગત ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને અન્ય ધાન્ય સહિતના પાકોનું કુલ 9.24 લાખ હેક્ટરમાં, તુવેર, મગ, મઠ, અડદ અને અન્ય કઠોળ સહિત કઠોળ પાકોનું કુલ 2.85 લાખ હેક્ટરમાં, મગફળી, તલ, દિવેલા, સોયાબીન અને અન્ય તેલીબિયાં સહિત તેલીબિયાં પાકોનું કુલ 19.47 લાખ હેક્ટરમાં, કપાસ, તમાકુ, ગુવાર સીડ, શાકભાજી, ઘાસચારો સહિતના અન્ય પાકોનું 32.85 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.