- ખટોદરા પોલીસે ઝડપી પાડ્યું રૂ.9 લાખનું એમડી ડ્રગ્સ
- આરોપી જલાલુદ્દીન ઈસ્માઈલ શેખની ધરપકડ કરાઈ
- ડ્રગ્સ, રોકડા રૂપિયા મોપેડ સહિત રૂ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
સુરતમાં ખટોદરા પોલીસે નવ લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા આરોપી જલાલુદ્દીન ઈસ્માઈલ શેખની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી પાસે ડ્રગ્સ, રોકડા રૂપિયા,એક મોપેડ સહિત રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ખટોદરા પોલીસની ટીમે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 9 લાખની કિમતનું 97.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં ખટોદરા પોલીસની ટીમે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલથી સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ પર એક ઇસમ મોપેડ પર એમડી ડ્રગ્સ સાથે રાખી વેચાણ કરવા આવનાર છે. બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને આરોપી જલાલુદીન ઈસ્માઈલ શેખને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પાસેથી 9 લાખ રૂપિયાની કિમંતનું 97.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 1750, પ્લાસ્ટિકની ઝીપવાળી થેલીઓ 20 નંગ, એક મોપેડ મળી કુલ 10,01,300 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર ભાઠેના ખાતે રહેતા સોહેબ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ દરમિયાન મોબાઈલની ચકાસણી કરતા મોબાઈલમાં વોટ્સએપ અને મોબાઈલનો ડેટા ડીલીટ કરી નાંખ્યો છે. જેથી મોબાઈલને FSLમાં મોકલવામાં આવશે અને જે પણ માહિતી મળશે તે મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત આરોપી વિરુદ્ધમાં જુગારનો પણ એક ગુનો દાખલ છે. આરોપી ક્યાંથી લઇને આવ્યો અને ક્યાં ક્યાં વેચાણ કરતો હતો અને બીજા કોઈ માણસ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.