Abtak Media Google News

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓક્ટોબર મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી છે. પુરૂષોમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને અને મહિલાઓમાં પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર નિદા દારને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ અને ટી20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે તેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કોહલીનો મુકાબલો ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર સામે હતો, પરંતુ કોહલીને સૌથી વધુ મત મળ્યા હતા.

કોહલી આ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી બે વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. તેની ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયા સેમીફાઈલમાં પહોંચવામાં સફળ રહી છે. કોહલી હાલમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે.

કોહલીએ ગયા મહિને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપની ભારતની પ્રથમ મેચમાં અણનમ 82 રનની ઇનિંગ રમી હતી. તેણે એકલા હાથે આ મેચમાં ભારતને જીત અપાવી હતી. ટીમ ઈન્ડિયાએ એક સમયે પાકિસ્તાન સામે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને તે સમીકરણમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી કોહલીની ઇનિંગની મદદથી ભારતીય ટીમે 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કોહલીએ પોતાની 82 રનની ઇનિંગ માટે માત્ર 52 બોલ રમ્યા હતા. કોહલીએ આ ઈનિંગને પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ T20 ઈનિંગ્સ ગણાવી હતી.

પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યા બાદ કોહલીએ કહ્યું- મારા માટે આ બહુ સન્માનની વાત છે. વિશ્વભરના પ્રશંસકો અને પેનલો દ્વારા સ્ટેન્ડઆઉટ પ્લેયર તરીકે પસંદ થવાથી આ સન્માન મારા માટે વધુ વિશેષ બને છે. હું અન્ય નિયુક્ત ખેલાડીઓને પણ અભિનંદન આપવા માંગુ છું જેમણે મહિના દરમિયાન આટલું સારું પ્રદર્શન કર્યું છે. તેમજ હું મારા સાથીદારોનો પણ આભાર માનું છું જેઓ હંમેશા મારું સર્વશ્રેષ્ઠ કાર્ય કરવા માટે મને સમર્થન આપે છે.

T20 વર્લ્ડ કપમાં જ કોહલીએ નેધરલેન્ડ સામે પણ અડધી સદી ફટકારી હતી. નેધરલેન્ડ સામેની બીજી મેચમાં કોહલીએ 44 બોલમાં અણનમ 62 રન બનાવ્યા હતા. આ સિવાય કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની હોમ ટી20 સીરીઝ દરમિયાન ગુવાહાટીમાં રમાયેલી બીજી મેચમાં 28 બોલમાં અણનમ 49 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને T20 શ્રેણીમાં હરાવ્યું હતું.

કોહલી આ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી બે વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. તેની ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયા સેમીફાઈલમાં પહોંચવામાં સફળ રહી છે. કોહલી હાલમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. તેણે અત્યાર સુધી પાંચ મેચમાં 123ની એવરેજ અને 138.98ના સ્ટ્રાઈક રેટથી 246 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. ભારતે હવે 10 નવેમ્બરે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.