કિટ્ટીપરામાં શાકભાજીના થડાનું કોઈ લેવાલ નહીં: હરરાજીનો ફિયાસ્કો

rmc | rajkot
rmc | rajkot

મંદી નડી કે ઉંચી અપસેટ કિંમત ? : ૨૭ થડાઓ માટે હાથ ધરાયેલી હરરાજીમાં બોલી માટે એક પણ વેપારી હાજર ન રહેતા હરરાજી મોકુફ

રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે ગાયકવાડીની બાજુમાં કિટીપરા આવાસ યોજના પાસે બનાવવામાં આવેલી નવનિર્મિત શાકમાર્કેટના ૨૭ થડાઓ ફાળવવા માટે હરરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં બોલી માટે એક પણ બકાલી ઉપસ્થિત ન રહેતા હરરાજીનો ફિયાસ્કો થઈ ગયો હતો. આગામી દિવસોમાં ફરી હરરાજી હાથ ધરવામાં આવશે.

આ અંગે એસ્ટેટ વિભાગના આસીસ્ટન્ટ મેનેજર ભરત કાથરોટીયાએ જણાવ્યું હતું કે, મહાપાલિકા હસ્તકની ગાયકવાડી પાસે કિટીપરા વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલી શાકમાર્કેટના ૨૭ થડાઓની આજે સવારે જાહેર હરરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં શાકભાજી, ફળફળાદી અને અન્ય ચીજ-વસ્તુઓના વેચાણ માટે લીઝથી ૨૭ થડાઓ આપવાના હતા. જેમાં અલગ-અલગ સાઈઝ મુજબ થડાની અપસેટ કિંમત ૧,૪૩,૫૪૦ થી .૧,૪૪,૪૫૦  રાખવામાં આવી હતી. હરરાજીમાં ભાગ લેવા ઈચ્છતા વ્યકિતએ ૨૫,૦૦૦ રોકડા અથવા મહાપાલિકાના નામનો ડિપોઝીટથી ભરપાઈ કરવાનો હતો. એક પણ આસામી હરરાજીમાં ઉપસ્થિત ન રહેતા આજે તમામ ૨૭ થડાઓની જાહેર હરરાજી મોકુફ રાખવામાં આવી હતી. આગામી દિવસોમાં ફરી હરરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

શાકભાજીના થડાની હરરાજીનો ફિયાસ્કો થઈ જતા મોંઘવારી નડી કે મહાપાલિકા દ્વારા રાખવામાં આવેલી ઉંચી અપસેટ કિંમત ? તે ચર્ચાનો વિષય બન્યો છે. નવનિર્મિત શાકમાર્કેટમાં થડાના ભાવ ઉંચા રાખવામાં આવ્યા હોવાના કારણે એક પણ ધંધાર્થીઓ હરરાજીમાં રસ દાખવ્યો ન હોવાની ચર્ચા થઈ રહી છે.