Abtak Media Google News

ચાલો નજર કરીએ વિશાલ સિક્કાની પ્રારંભિક કારકિર્દી પર અને ઈન્ફોસીસમાં તેમણે લીધેલા કેટલાક ઐતિહાસિક નિર્ણયો પર.

વિશાલ સિક્કા મૂળે પંજાબી પરિવારમાંથી આવે છે અને તેમનો જન્મ મધ્યપ્રદેશના શાજાપુરમાં 1 જૂન 1967મા થયો હતો. માતા રેલવે સ્કૂલમાં શિક્ષિકા હતા અને પિતાની રેલવેમાં ફરજ બજાવતા હતા. જ્યારે સિક્કા 6 વર્ષના હતા, ત્યારે તેમના પિતાની બદલી ગુજરાતમાં થઈ હતી. વિશાલે શરૂઆતનું સ્કૂલ શિક્ષણ રાજકોટ પાસેના હડમતિયામાં કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે હડમતિયામાં વિશાલે ગુજરાતી માધ્યમમાં જ શરૂઆતનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળ્યો હતો. હાયર સેકન્ડરી સુધીનો અભ્યાસ વિશાલ સિક્કાએ વડોદરાની રોસરી હાઈસ્કૂલમાંથી કર્યો હતો. વડોદરા સાથેનો સિક્કાનો નાતો માત્ર સ્કૂલના અભ્યાસ સુધી મર્યાદિત નહોતો રહ્યો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી જ તેમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બેચલર્સ કર્યું હતું. ત્યારબાદ જ્યારે તેઓ ન્યૂયોર્કની સિરાકસ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં બી.એસ. કરવા ગયા અને બાદમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યુ હતું.

વર્ષ 2002માં સિક્કાએ સૈપ જોઈન કર્યુ અને વર્ષ 2007માં સૈપમાં સીટીઓ બન્યા હતા. 4 મે 2014માં તેમણે સૈપ છોડ્યું હતું, અને 12 જૂન 2014ના રોજ તેમને ઈન્ફોસીસના સીઈઓ અને એમડી બનાવાયા હતા. 1 ઓગસ્ટ 2014ના રોજ સિક્કાએ ઈન્ફોસીસના ફાઉન્ડર એસ. ડી. શિબુલાલની જગ્યા લીધી હતી.

ઈન્ફોસીસમાં વર્ષ 2016-17 દરમ્યાન કુલ 45.11 કરોડનુ વાર્ષિક પેકેજ મળ્યું હતું. એટલે કે પ્રતિદિન 12.35 લાખ રૂપિયાનો પગાર મળ્યો હતો. જો કે, આ વર્ષે કર્મચારીઓનો પગાર વધારો ટાળી દીધો અને કેટલાક ટોપ મેનેજમેન્ટે અન્ય માધ્યમથી વધારે પગાર અપાયો હતો. સિક્કાનું ટોટલ કમ્પેસેશન 70 લાખ ડોલરથી વધીને 1.1 કરોડ ડોલર થઈ ગયો હતો. એટલે કે એક સમયે તેમના પગારનું પેકેજ 71.18 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

ઈન્ફોસીસના એમડી અને સીઈઓ પદના કાર્યકાળ દરમ્યાન તેમણે કેટલાક બદલાવો પણ કર્યો હતો. સિક્કાએ કર્મચારીઓને ઓફિસમાં ફોર્મલ ડ્રેસ કોડથી આઝાદી આપી હતી. સાથે જ ડિસીઝન મેકિંગ પ્રોસેસમાં કર્મચારીઓને સામેલ કર્યા હતા તેમજ કર્મચારીઓને આઈડ્યા શેર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સિક્કાએ ઓટોમેશનથી કામ સરળ અને નફાકારતા વધતી હોવાનુ તર્ક રજૂ કરીને તેના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત અન્ય એડવાન્સ ટેકનોલોજી જેવા ડિઝાઈન થિકિંગ, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલીજેન્સ અપનાવવા પર જોર આપ્યું હતું.

સિક્કાએ કંપનીના વર્તમાન બિઝનેસ મોડલમાં બદલાવ કરીને તેને ભવિષ્યના પડકાર માટે તૈયાર કર્યુ હતું અને કંપનીની સેલ્સ સ્ટ્રેટેજી અને ડિલિવરી સ્ટ્રક્ચરમાં બદલાવ કર્યો હતો.

સિક્કાની રણનીતિ પ્રમાણે કંપનીએ પોતાના ટ્રેડિશન ટ્રેનિંગ પ્રોગ્રામને વધુ અપગ્રેડ કર્યો અને એન્ટ્રી લેવલના કર્મચારીઓ માટે નવુ લર્નિગ ફ્રેમવર્ક તૈયાર કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.