Abtak Media Google News

નીતા મહેતા

શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શિવ મંદિરોમાં ભક્તજનોની ભીડ જામી રહી છે અને શિવલિંગની પૂજા કરે છે. માન્યતા છે કે શિવલિંગની પૂજા આખા બ્રહ્માંડની પૂજા સમાન છે. કારણકે શીવ જ આખા જગતનું મૂળ છે. શિવલિંગ શબ્દનો અર્થ જ બતાવે છે કે શિવ એટલે પરમ કલ્યાણકારી અને લિંગ એટલે સર્જન. લિંગ નો અર્થ સંસ્કૃતમાં ચિન્હ યા પ્રતિક થાય છે. આમ શિવલિંગનો અર્થ થાય છે શિવનું પ્રતીક. પરંતુ આ શિવલિંગ ની ઉત્પત્તિ કેવી રીતે થઈ?

લિંગ મહાપુરાણ અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુ ની વચ્ચે વિવાદ થયો કે બંનેમાં શ્રેષ્ઠ કોણ? જ્યારે તે બંને વચ્ચેનો વિવાદ ખૂબ વધી ગયો ત્યારે એક અગ્નિ સ્તંભ પ્રગટ થયો અને આકાશવાણી થઈ કે જે આ અગ્નિ સ્તંભની શરૂઆત અને અંત જાણી શકશે તે શ્રેષ્ઠ કહેવાશે.

Untitled 1 720

બ્રહ્માજી હંસ નું રૂપ લઈને અગ્નિ સ્તંભનાં ઉપર નાં ભાગને શોધવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ તેઓ સફળ રહ્યા નહીં. તેઓ ઉપર સુધી પહોંચી જ ન શક્યા.બીજી બાજુ ભગવાન વિષ્ણુ વરાહનું રૂપ લઈને નીચે અગ્નિસ્તંભ નો આધાર શોધી રહ્યા હતા પરંતુ તેમને પણ આધાર મળ્યો નહીં. બ્રહ્માજી અને વિષ્ણુજી બંનેએ હજારો વર્ષ સુધી કોશિશ કર્યા પછી પણ આ રહસ્યને જાણી શક્યા નહીં. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાની હાર સ્વીકારી લીધી અને અગ્નિ સ્તંભ ને પોતાનું રહસ્ય બતાવવા વિનંતી કરી. ત્યારે ભગવાન શિવજી અગ્નિ સ્તંભ માંથી પ્રગટ થયા, અને તેમણે કહ્યું કે તમે બંને શ્રેષ્ઠ છો. પરંતુ બધાથી શ્રેષ્ઠ હું પરબ્રહ્મ છું, જે શરૂઆત અને અંત વગરના  અગ્નિસ્તંભ ના રૂપમાં પ્રગટ થયો છું. ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ અગ્નિસ્તંભ ની પ્રદક્ષિણા ફરી અને પૂજા કરી, ત્યારબાદ આ અગ્નિ સ્તંભ એક દિવ્ય જ્યોતિર્લિંગમાં ફેરવાઈ ગયુ.

સ્કંદપુરાણમાં કહ્યું છે કે આકાશ સ્વયંલિંગ છે અને ધરતી એની પીઠ કે આધાર છે. શિવલિંગ વાતાવરણ સહિત ફરતી પૃથ્વી તથા સમસ્ત અનંત બ્રહ્માંડ ની ધરી (કારણકે બ્રહ્માંડ ગતિમાન છે) શિવલિંગ નો અર્થ અનંત એટલે છે કે જેની કોઈ શરૂઆત કે અંત જ નથી. શૂન્ય, આકાશ, અનંત, બ્રહ્માંડ અને નિરાકાર પરમ પુરુષનું પ્રતીક હોવાથી એને શિવલિંગ કહેવાય છે. શિવપુરાણમાં શિવને સંસારની ઉત્પત્તિનું કારણ અને પરબ્રહ્મ કહ્યુ છે, તેમજ ભગવાન શિવ જ પૂર્ણ પુરુષ અને નિરાકાર બ્રહ્મ છે.

શિવલિંગ ત્રણ હિસ્સામાં હોય છે, પહેલો હિસ્સો નીચે જમીનને અડેલો હોય છે, બીજો હિસ્સો વચ્ચોવચ એક સરખો આધાર હોય છે અને ત્રીજો હિસ્સો ઉપરનો ટોચનો ભાગ જે ઈંડા આકારનો હોય છે, તેની પૂજા કરવાની હોય છે. આ ત્રણ ભાગ બ્રહ્મા (નીચે), વિષ્ણુ (મધ્ય) અને શિવ (ટોચ) નું પ્રતીક છે. આમ બ્રહ્માંડમાં સંતુલન જાળવી રાખવા શિવલિંગ ઉત્પન્ન થયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.