જ્ઞાન પોતાનામાં જ ગુણવત્તા અને પ્રમાણની દ્રષ્ટિએ એક સંપત્તિ છે: રાજ્યપાલ

નવી શિક્ષણનીતિ વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ સંસ્થાઓ અને સમાજને અત્યંત ઉપકારક નીવડશે: શિક્ષણમંત્રી ચુડાસમા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પપમો ગરિમાપૂર્ણ પદવીદાન સમારંભ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાયો: ૧૪ વિદ્યાશાખાના ૨૯૭૭૭ દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરાઇ: ૧૩ વિદ્યા શાખાના ૯૮ વિદ્યાર્થીઓને ૧૪૪ ગોલ્ડ મેડલ અર્પણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૫૫મો વર્ચ્યુઅલ પદ્વીદાન સમારોહ રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને, શિક્ષણ ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં વચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૨૯૭૭૭ દિક્ષાર્થીઓને પદ્વીઓ એનાયત કરવામાં આવી હતી. આ પદ્વી સમારોહમાં કુલ ૧૩ વિદ્યાશાખાના ૯૮ વિદ્યાર્થીઓને ૧૧૪ ગોલ્ડ મેડલ અને ૯૨ દાતાઓ તરફથી આવેલી દાનના વ્યાજની રકમમાંથી કુલ ૧૦૮ રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમારોહમાં પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો છે જેનો હું ખુબ આનંદ અનુભવું છું, દિક્ષા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ શિક્ષણના માધ્યમથી દેશના સારા નાગરિક બને, વિદ્યાર્થીઓ શિક્ષીત હોય ત્યારે પ્રમાણીકતા, નિષ્ઠા અને જવાબદારી સહિતના ગુણો મૃત્યુપર્યન્ત જાળવે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીનું આ વિશ્ર્વ અને તેમાં આપણું ભારત એક મહત્વપૂર્ણ સ્થાન પર ઉભુ છે જ્યાં જ્ઞાન એ પોતાનામાં જ ગુણવત્તા અને પ્રમાણની દ્રષ્ટિએ એક સંપતિ છે. માહિતીઓના ચક્રવ્યુહને જ્ઞાનમાં બદલી રાષ્ટ્ર અને સમાજને યોગ્ય દિશાએ લઈ જાય વિદ્યાર્થી રાષ્ટ્ર નિર્માણમાં સહાયક બને અને રોજગારનો સારો સ્ત્રોત બને તે જરૂરી છે.

દેવવ્રતજીએ કોવિડ-૧૯ની મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અપાયેલું ઓનલાઈન શિક્ષણની કામગીરીને પણ બિરદાવી હતી તેમજ યુનિવર્સિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, તમામ કર્મચારીના કોરોના ટેસ્ટ માટેની વ્યવસ્થા, અનાજ કિટોની વિતરણ, મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃતિની પ્રશંસા કરી હતી. ગાંધીજીને યાદ કરતા તેઓએ કહ્યું હતું કે, ગાંધીજીની કર્મભૂમિ છે, ગાંધીજી કહેતા હતા કે, આ ધરતી બધાની આવશ્યકતા પૂરી કરે છે પરંતુ બધાનો લોભ નહીં. આજે જ્યારે વિદ્યાર્થીઓ દિક્ષા પ્રાપ્ત કરી રહ્યાં છે ત્યારે માત્ર આ ડિગ્રી પૈસા કમાવવા માટે જ નહીં પરંતુ મેળવેલા સારા મુલ્યો દ્વારા સમાજને ઉપયોગી બનો અને સમાજને શું આપી શકતો તેનો વિચાર કરો તેમ જણાવ્યું હતું.

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સંબોધતા જણાવ્યું હતું કે, આજે પદ્વી અર્પણ કરવાના કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થવા બદલ હું આનંદની લાગણી વ્યકત કરૂ છું. સર્વે પદ્વી પ્રાપ્ત કરનાર દિક્ષાર્થીને હું ખુબ અભિનંદન પાઠવું છું, આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે અગત્યનો છે. તમારૂ ધ્યેય સંઘર્ષ કરવાની શક્તિ તેમજ જીવનના મુલ્ય સાથે આ પદવીને તમે ગૌરવ અપાવશો. આપણી શિક્ષણ વ્યવસ્થાને ઉદ્વગામી બનાવવા માટે પ્રધાનમંત્રી મોદી સતત ચિંતન કરતા રહે છે. દેશમાં ૧૯૮૬ પછી ૨૦૨૦માં નવી શિક્ષણ નીતિ મંજૂર કરવામાં આવી છે અને આ નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સંસ્થાઓ તેમજ સમાજને અત્યંત ઉપકારક નિવડશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેકમાં એ-પ્લસ ગ્રેડ પ્રાપ્ત કરે તેવી મારી શુભકામના છે.

રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાજ્યમાં અગ્રીમ હરોળની યુનિવર્સિટી છે. શિક્ષણ થકી કેવળ સાક્ષરતા સિધ્ધ થાય તેટલું પ્રાપ્ત થાય તેટલું પર્યાપ્ત નથી પરંતુ જીવનની સાર્થકતા પણ સિધ્ધ થાય તે જરૂરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને યાદ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અનેક ટોચના નેતાઓ શિક્ષણ પ્રાપ્ત કરી ચૂકયા છે. ત્યારે વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી ખુબ આગળ વધી દેશ અને સમાજને ઉપયોગી થાય તેવી મારી શુભકામનાઓ છે.

સતત પ્રેક્ટિસ રંગ લાવી: શાહ રીયા

સી.યુ. શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરની વિદ્યાર્થિની રીયા શાહે જણાવ્યું હતું કે, આજે એમબીબીએસમાં મેં સૌથી વધુ ચાર ગોલ્ડ મેડલ અને ચાર પ્રાઈઝ મેળવ્યા છે. ૧૨માં ધોરણ બાદ મારૂ કોઈ જ નક્કી નહોતું કે હું એ-ગ્રુપમાં અભ્યાસ કરું કે બીમાં પરંતુ અંતે મેં એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો હતો અને સતત પ્રેક્ટિસથી હું આજે અહીં પહોંચી છું, આજે ગોલ્ડ મેડલ હાંસલ કરી મને મારી જાત પર ખુબજ ગર્વ થાય છે અને વિદ્યાર્થીઓને મારો એ જ સંદેશ છે કે, આપ કોઈપણ ફિલ્ડમાં જાવ તેમાં પૂરી નિષ્ઠાથી ૧૦૦ ટકા મહેનત કરશો તો જરૂરથી સફળ થશો.

પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીના નામથી પાંચ ગોલ્ડ મેડલ

આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓને પ્રાઈઝ અને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા હતા. દર વર્ષે વિદ્યાર્થીઓને દાતાઓના વ્યાજની રકમમાંથી ગોલ્ડ મેડલ અપાતા હોય છે ત્યારે આ વર્ષે સ્વાધ્યાય પરિવારના સ્થાપન પૂ.પાંડુરંગ શાસ્ત્રીજીના નામથી પાંચ ગોલ્ડ મેડલ પૂ.દાદાની ચેર દ્વારા વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા.

તમામ શ્રેય મારા માતા-પિતા અને અધ્યાપકોને: કવિતા ગઢવી

સી.યુ.શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરની વિદ્યાર્થિની ગઢવી કવિતાએ જણાવ્યું હતું કે, એમબીબીએસમાં મેં ત્રણ ગોલ્ડ હાસલ કર્યા છે. અને આજે હું ગર્વથી કહી શકું કે આ મહેનત ફકત મારી જ નહીં પરંતુ મારા માતા-પિતા અને અધ્યાપકોની છે. તેમને મને અહીં સુધી પહોંચાડવામાં ખુબજ જ સપોર્ટ કર્યો છે. મારા પિતા પણ ડોકટર છે અને મારા સ્વપ્ન પણ ડોકટર બનવાનું જ છે.