- “ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન”
- વિરાટ કોહલીની બેટિંગ અને બોલરોની ચુસ્ત લાઇન-લેન્થના કારણે પાકિસ્તાન મેચમાં ક્યાંય ટક્કર આપી શક્યું નહીં: ભારતે આ જીત સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનને વધુ મજબૂત બનાવ્યું છે, જ્યારે પાકિસ્તાન માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો
- ભારતીય ટીમે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો લઈ લીધો: ગિલ-શ્રેયસની પણ શાનદાર ઇનિંગ અને બોલરોનું શાનદાર પ્રદશન સાથે ભારતે મેચ આસાનીથી જીતી લીધો
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે.વિરાટ કોહલી ભારતની જીતના હિરો રહ્યા, જેમણે અણનમ સદી ફટકારી અને ખરા સમયે પાક.સામે કોહલીનું ફોર્મ ભારતને ચેમ્પિયનશીપમાં “વિરાટ” બનાવી દેશે? કેમ કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત અને કોહલીનું ફોર્મ આવવું ખુબ જ જરૂરી હતું અને અંતે પાકિસ્તાન સામેની મેચમાં કોહલીનું ફોર્મ પરત આવ્યું છે. પાક. બેટર્સની ધીમી રમત બાદ ટીમે 49.4 ઓવર્સના અંતે 10 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 42.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 244 રન બનાવીને જીત મેળવી છે. ભારતીય ટીમે આ જીત સાથે વર્ષ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો લઈ લીધો છે. તે મેચમાં પાકિસ્તાને ભારતને હરાવીને ચેમ્પિયન ટ્રોફી જીતી હતી, જેનો હિસાબ ભારતે આ મેચમાં ચૂકતે કર્યો હતો. વિરાટ કોહલીની સદી અને ભારતીય બોલરોની શિસ્તબદ્ધ બોલિંગના કારણે પાકિસ્તાનને મેચમાં ક્યાંય ટકી શકવાની તક મળી ન હતી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા માત્ર 20 રન બનાવીને આઉટ થયો ત્યારે વિરાટ બેટિંગમાં આવ્યો હતો. વિરાટે એક છેડો સાચવી રાખીને પાકિસ્તાની બોલરોનો મક્કમતાથી સામનો કર્યો. તેણે 111 બોલમાં અણનમ 100 રનની યાદગાર ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં વિરાટે સિંગલ અને ડબલ રન પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને માત્ર 7 ચોગ્ગા ફટકાર્યા. વિરાટની આ સદી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની 82મી આંતરરાષ્ટ્રીય સદી હતી, જેણે ટીમને જીતના પાયા સુધી પહોંચાડી.બોલિંગમાં કુલદીપ યાદવે પાકિસ્તાની બેટ્સમેનોને ઘૂંટણિયે પાડ્યા હતા. કુલદીપે પોતાની સ્પિન બોલિંગથી પાકિસ્તાની બેટ્સમેનોને બાંધી રાખ્યા અને 9 ઓવરમાં માત્ર 40 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે 104 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી, પરંતુ કુલદીપે આ ભાગીદારીને તોડીને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું. કુલદીપે સલમાન આગા, શાહીન આફ્રિદી અને નસીમ શાહની મહત્વપૂર્ણ વિકેટો લઈને પાકિસ્તાની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી નાખ્યું. મેચમાં ભારતીય ટીમના પ્રદર્શનની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. વિરાટ કોહલીની બેટિંગ અને બોલરોની ચુસ્ત લાઇન-લેન્થના કારણે પાકિસ્તાન મેચમાં ક્યાંય ટક્કર આપી શક્યું નહીં. ભારતે આ જીત સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનને વધુ મજબૂત બનાવ્યું છે, જ્યારે પાકિસ્તાન માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.પાકિસ્તાની ટીમે ટોસ જીતીને દુબઈની આ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત સતત 12મો ટોસ હાર્યું હતું. જો કે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે પણ ભારત ટોસ હાર્યા બાદ મેચ આસાનીથી જીતી ગયું હતું. એવી જ રીતે પાકિસ્તાન સામેની મેચમાં પણ ટોસ હારીને ભારતે સરળતાથી જીત મેળવી છે.
147 જેટલા ખાલી બોલે પાકિસ્તાનને સીમિત બનાવી દીધું
અત્યાર સુધીની પ્રથમ વીસ ઓવરમાં સૌથી વધુ ડોટ બોલ રમનાર ટીમોમાં અફઘાનિસ્તાન (65.8 ટકા) ટોચ પર છે. અફઘાનિસ્તાનની આ સ્થિતિનું કારણ સમજી શકાય છે, પરંતુ પાકિસ્તાનની સ્થિતિ આશ્ચર્યજનક છે કારણ કે તેના ટોપ ઓર્ડરમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા વિશ્વના ટોચના બેટ્સમેન છે.આ મામલે પાકિસ્તાન બીજા ક્રમે છે. પહેલી વીસ ઓવરમાં, પાકિસ્તાને 65.4 ટકા ડોટ બોલ રમ્યા છે.50 ઓવરની મેચમાં પાકિસ્તાને અળધો અળધ તો ડોટ બોલ રમ્યા જેનાથી પ્રેસર વધ્યું અને પાકિસ્તાન ફક્ત 241માં જ સીમિત રહ્યું.
ન્યુઝીલેન્ડની સેમિફાઇનલની આશા પ્રબળ, યજમાન ટીમ જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે?
દુબઈમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમની આ જીતનો સ્ટાર વિરાટ કોહલી હતો, જેણે શાનદાર સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં 2 મેચમાંથી 2 મેચ જીતી લીધી છે અને સેમિફાઇનલની નજીક પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાન બહાર થવાના આરે છે. હવે આજના મેચમાં ન્યુઝીલેન્ડ જીતી જશે તો ન્યુઝીલેન્ડ અને ભારતની આશા સેમીમાં પહોંચવાની પ્રબળ થઇ જશે અને યજમાન ટિમ જ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ જશે.
કોહલીની રનની ભૂખ જ તેને “વિરાટ” બનાવી રહી છે
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14000 રન પુરા કરનાર ત્રીજો બેટર બન્યો. અગાઉ માત્ર સચિન અને કુમાર સંગાકારા આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે. જો કે કોહલીએ સૌથી ઝડપી આ સીમાચિહ્ન મેળવ્યું છે. કોહલીએ કાલના મેચમાં પોતાની સદીમાં ફક્ત સાત જ ચોગ્ગા ફટકાર્યા અને સિંગલ્સ ડબલ્સ પર જોર વધારે રાખ્યું. પાકિસ્તાન સામેની સદી સાથે કોહલીની કુલ 82 સદી અને વનડેમાં સૌથી વધુ 51 સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે એટલે ચોક્કસથી કહી શકાય કે કોહલીની રનની ભૂખ જ તેને “વિરાટ” બનાવી રહી છે.