શહેરની વધુમાં વધુ હોટેલોમાં કોવિડ કેર સેન્ટર ખોલવા કલેકટર તંત્રની કવાયત

જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તબીબો અને હોટેલ સંચાલકો સાથે બેઠકોનો દૌર : મહામારી સામે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરવા તંત્ર સંપૂર્ણ સજ્જ 

રાજકોટ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેને પગલે શહેરમાં વધુમાં વધુ બેડ ઉપલબ્ધ બને તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જે માટે વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ હોટેલોમાં કોવિડ કેર સેન્ટર શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે તંત્ર દ્વારા તબીબો અને હોટેલ સંચાલકો સાથે બેઠકોનો દૌર પણ ચલાવવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. દરરોજ કોરોનાના આંકડા નવો વિક્રમ સર્જી રહ્યા છે. તેવામાં બેડની વ્યવસ્થા વધારવી આવશ્યક હોય તંત્ર દ્વારા તેના માટે તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અગાઉની જેમ હોટેલોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરવા કવાયત હાથ ધરી દીધી છે. જે ખાનગી હોસ્પિટલના તબીબો કોવિડ કેર સેન્ટર ચાલુ કરવા ઇચ્છતા હોય તેઓને હોટેલ સંચાલકોનો સંપર્ક કરાવીને કલેકટર તંત્ર બન્ને પક્ષ વચ્ચે મહત્વની કડી બની બેડ વધારવા પ્રયાસ કરી રહ્યું છે. કલેકટર તંત્ર દ્વારા આ સંદર્ભે હોટેલ સંચાલકો અને તબીબો સાથે બેઠકોનો દૌર પણ ચલાવવામાં આવી રહ્યો છે.

ટેસ્ટ અને વેકસીનેશન વધારવા તેમજ કોન્ટેકટ ટ્રેસીંગ ઉપર વિશેષ ધ્યાન આપવા આદેશ

આરોગ્ય વિભાગ દ્વારા આજે તમામ જિલ્લા કલેકટર સાથે વીડિયો કોંફરન્સ ગોઠવી હતી. આ વીડિયો કોંફરન્સના માધ્યમથી આરોગ્ય વિભાગે રાજકોટ જિલ્લાની સમિક્ષા હાથ ધરી હતી. વધુમાં આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને ટેસ્ટ અને વેકસીનેશન વધારવાનો આદેશ કર્યો હતો. તદઉપરાંત કોન્ટેકટ ટ્રેસિંગ ઉપર પણ વિશેષ ધ્યાન આપવા આદેશ કર્યો હતો.

કોરોનાગ્રસ્ત 7 કેદીઓને રેનબસેરામાં મોકલાશે

રાજકોટમાં છેલ્લા 2થી ત્રણ દિવસમાં જેલવાસ ભોગવી રહેલા 7 દર્દીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. આ કેદીઓ હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. હવે આ કેદીઓને રેનબસેરામાં મોકલવાની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. સાંજ સુધીમાં રેનબસેરામાં યોગ્ય વ્યવસ્થા ગોઠવી આવતીકાલ સુધીમાં તેઓનું રેનબસેરામાં સ્થળાંતર થઈ જાય તેવા સંકેતો મળી રહ્યા છે.

ગોંડલ, જેતપુર, ધોરાજીમાં કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ શરૂ કરાશે : 100 બેડ વધશે

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તંત્ર ઊંધામાથે થયું છે. હાલ બેડ વધારવા માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે ગોંડલ, જેતપુર, ધોરાજીમાં કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાં 100 બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત વીરનગરમાં જે કોવિડ સેન્ટર કાર્યરત છે. ત્યાં 100 બેડની સુવિધા છે. આ તમામ બેડને ઓક્સિજનની સુવિધા પૂરી પાડવા માટે ઓકિસજન પાઈપલાઈનનું કામ પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે.