કોઠારિયા રોડની બુધવારી બજારના ધંધાર્થીઓના કોર્પોરેશનમાં ધામા: ઉગ્ર સૂત્રોચાર

આઠ માસથી બંધ સાપ્તાહિક બજાર શરૂ કરવાની મંજૂરી આપવાની માગણી સાથે રામધૂન બોલાવી:મ્યુનિ.કમિશનરને આવેદન અપાયું

કોરોનાના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાતી સાપ્તાહિક બજારો છેલ્લા આઠ માસથી બંધ છે.મોટાભાગના ધંધા ઉદ્યોગો નિયમાનુસાર ખોલવા મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ સાપ્તાહિક બજારોમાં કોરોના ગાઈડલાઈનની જાળવણી થતી ન હોવાના કારણે તેને શરૂ કરવાની મંજૂરી મહાપાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી નથી. દરમિયાન આજે શહેરના વોર્ડ નંબર ૧૬ માં કોઠારિયા રોડ પર ભરાતી બુધવારી બજારના ૨૫૦ જેટલા ધંધાર્થીઓનું ટોળું કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું. ધંધો શરૂ કરવાની ઉગ્ર માગણી સાથે રામધૂન બોલાવી સુત્રોચ્ચાર પોકાર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું


કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવાની આગેવાનીમાં આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે શહેરના વોર્ડ નંબર ૧૬માં કોઠારિયા રોડ પર હુડકો પાસે ભરાતી બુધવારી બજારના ૨૫૦ જેટલા ધંધાર્થી ધસી આવ્યા હતા. કોરોનાના કારણે છેલ્લા આઠ માસથી બુધવારી બજાર બંધ હોવાના કારણે આ ગરીબ ધંધાર્થીઓને હવે ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ તમામ ધંધા-રોજગાર શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ કોર્પોરેશન દ્વારા સાપ્તાહિક બજારો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી.આ બજારોના ધંધાર્થીઓ નિયમ મુજબ વહીવટી ચાર્જ પણ ભરપાય કરે છે. પરંતુ તેઓને હજી સાપ્તાહિક બજારો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવતી ન હોવાનું કારણે તેઓની હાલત દિન પ્રતિદિન કથળી રહી છે.જે વિસ્તારમાં આ બજાર ભરાય છે ત્યાંના લતાવાસીઓ ને પણ કોઈ વાંધો ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.

આઠ માસથી બંધ બુધવારી બજાર ચાલુ માગણી સાથે ટોળાએ કોર્પોરેશન કચેરીમાં ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા અને રામધુન પણ બોલાવી હતી મ્યુનિસિપલ કમિશનર સુધી અગ્રવાલને સાપ્તાહિક બજાર શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માગણી સાથેનું આવેદનપત્ર પણ આપ્યું હતું.દરમિયાન કમિશ્નરે જણાવ્યું હતું કે બજારોમાં મોટી મોટા સમૂહોમાં માનવ પડતા હોવાના કારણે અહીં સોશિયલ ડિસ્ટનસિંગ જળવાતું નથી જેના કારણે કોરોના સંક્રમણ વધવાનો ભય રહે છે જેના કારણે આ બજારો શરૂ કરવાની મંજૂરી આપવામાં નથી..