Abtak Media Google News

૧૦ થી વધુ સર્વે નંબરોની જમીનમાં પાણી પ્રદુષિત થયાની સંઘની કલેકટરને રાવ

કુચીયાદળમાં આવેલી કેમીકલ ફેકટરી દ્વારા દવાનું પાણી જમીનમાં ઉતારી પ્રદુષણ ફેલાવાતું હોવાની કિશાન સંઘે જિલ્લા કલેકટરને રાવ કરી આ બાબતે તાત્કાલીક યોગ્ય કરી ખેડુતોને ન્યાય આપવા માંગ કરી છે.

કુચીયાદળ અને સાતડા ગામના સીમાડા ઉપર આવેલ ઇન્ડોકેમ એગ્રી સાયન્સ પ્રા.લી. એચ.કે. ઇન્ડસ્ટ્રીઝ ઝોનમા આવેલ દવાની કં૫ની જે પણ દવા બનાવતા દવાવાળુ ખરાબ પાણી અન્ય જગ્યાએ નિકાલ ન કરતા તેનાજ કારખાનામાં જમીનમાં ઉતરતા હોવાથી આજુબાજુના બધા સર્વે નંબરના જમીનના તળના પાણી ખરાબ થયા છે. ખેડુતે વાવેલ પોતાના પાકને રીંગ બોર અથવા કુવાના પાણીથી પિયત કરવાથી ઉભો પાક બળી જાય છે. તેની આજુબાજુના ર૦ થી વધારે ખેડુતોને પોતાના બધા પાકને નુકશાન થાય છે.

ખેડુતો દ્વારા આજુબાજુના ૧૦ થી વધારે સર્વે નંબરના પાણીના નમુના લઇને લેબોરેટરી કરાવતા તેના રિપોર્ટમાં પાણીની અંદર ખરાબી છે. તેવું સાબિત થયું છે. આ વાત ખેડુતો દ્વારા વારંવાર કંપનીને નિવેદન કરવા છતાં આજસુધી દવાનું વેસ્ટેજ પાણી જે જમીનમાં ઉતારે છે અને અમારો ઉભો મોલ પિયત કરવાથી સુકાઇ જાય છે એવી વાત કરેલી છતાં પણ કંપની તરફથી કોઇપણ પ્રકારના પ્રયત્ન કરવામાં આવ્યા નથી.

ખેડુતોની એક માત્ર રોજી રોટી પોતાનો પાક હોય છે અને તે કેમીકલ યુકત પાણીના હિસાબે પાકનું ઉત્પાદન થતું નથી અને જે પણ ખેડુતને અનાજ થાય છે તે પકાવેલ ધાનથી મનુષ્યના આરોગ્યને ઘણું નુકશાન થાય છે.સરકારી અધિકારીઓ દ્વારા ખેડુતોના નુકશાનનો સર્વે તાત્કાલીક ધોરણે કરવામાં આવે અને તેનું વળતર યોગ્ય રીતે ખેડુતને ઝડપથી મળે અને કાયમી માટે આ ખેડુતોને બચાવવા માટે તાત્કાલીકના ધોરણે આ ફેકટરી બંધ કરવામાં આવે તેવી ભારતીય કિશાન સંઘની માંગણી છે. જો ટુંક સમયમાં યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો મજબુરણ અમારે આંદોલનનો માર્ગ પકડવો પડશે તેમ કિસાનો સંઘે જણાવાયું છે. ભારતીય કિશાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, લલીતભાઇ ગોંડલીયા, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, મનોજભાઇ ડોબરીયા તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડુતો-પશુપાલકોએ આ રજુઆત કરી છે.

ભારતીય કિસાન સંઘના આક્ષેપો પાયા વિહોણા : રજની દેત્રોજા

મામલામાં ઈન્ડોકેમ એગ્રી સાયન્સ પ્રા. લી.ના સીઈઓ રજની દેત્રોજાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફેકટરીમાંથી કોઈ પણ જાતનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું જ નથી. ફક્ત એક બોરવેલનું પાણી બહાર મુકવામાં આવે છે જે પાણીનો ઉપયોગ અમે અને અમારો તમામ કર્મચારીવર્ગ પીવાના પાણી તરીકે કરીએ છીએ જેથી સ્પષ્ટ છે કે આ પાણીમાં કોઈ જ જાતનું કેમિકલ રહેલું નથી. તેમણે બહારની બાજુએ ખાડા વિશે જણાવતાં કહ્યું હતું કે કોઈ જાતનો ખાડો ફેક્ટરીની આસપાસ કરવામાં આવ્યો નથી તેમજ અમારા ધ્યાને પણ કોઈ ખાડો આવ્યો નથી એટલે આ બાબત બિલકુલ પાયા વિહોણી છે. તેમણે વધુમાં લેબ રિપોર્ટ અંગે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ અમારી ફેકટરી ખાતે આવીને બોરનું પાણી ભરીને લેબ રિપોર્ટ કરાવવા ઇચ્છતો હોય તો તે કરાવી શકે છે અને તેમાં કોઈ જ જાતનું કેમિકલ નહીં જ નીકળે એ મારો ખુલ્લો દાવો છે. તેમણે અંતે સમગ્ર બાબતને રદિયો આપતા કહ્યું હતું કે કોઈ જ કારણ વિના ફક્ત ફેક્ટરીને અને તેની પ્રોડક્ટ્સને બદનામ કરવા કાવતરરૂપે પાયાવિહોણા આક્ષેપો કરાઈ રહ્યા છે અને અધૂરામાં પુરી એ વાત છે કે અમે જે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરીએ છીએ તે ખેડૂત અને કૃષિલક્ષી છે, દવાઓ છે જે ખેતી માટે જરૂરી છે તો આ દવાઓથી પાક બળી જ કેમ શકે એ એક મોટો પ્રશ્ન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.