કુમ કુમના પગલા પડયા… કાલથી નવરાત્રી મહોત્સવનો મંગલમય પ્રારંભ

આ વર્ષે સરકારની ગાઇડ લાઇન પ્રમાણે શેરી ગરબાને મંજુરી મળતા ચોકે ચોકમાં ગરબાની  ધુમ મચાવતા લોકો આતુર

ગરબા, કોડિયા, દિવા, પુજન, અર્ચનની સામગ્રી ખરીદવા બજારોમાં ભીડ

જગત જનની, જોગમાયા, રાજ રાજેશ્ર્વરી, મહામાયા, જગદંબા, નવદુર્ગાની ભકિતમાં લીન થઇ માના આશિર્વાદ લઇ ધન્ય થવા આવતીકાલથી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો આસો સુદ એકમ તા. 7-10-21 ને ગુરુવારથી શરુ થનાર માના નવલા નોરતાનો પ્રારંભે ઘટ્ટ સ્થાપન, ગરબા સ્થાપનનું પુજન, માઇ ભકતો દ્વારા કરવામાં આવશે.

જો કે, કોરોના મહામારીના કારણે છેલ્લા 18 માસથી નવરાત્રી સહિતના વિવિધ ધાર્મિક તહેવારો, ઉત્સવો વગેરેની ઉજવણી થઇ શકી નહીં. પરંતુ આ વર્ષે સરકારની ગાઇડ લાઇન પ્રમાણે શેરી ગરબાને મંજુરી મળતા કાલથી રાજયની મોટાભાગની શેરી ગલીમાં ગરબાની ધૂમ મચાવવા લોકો આતુર બન્યા છે.

વિશ્ર્વનો લાંબામાં લાંબો લોકનૃત્યોત્સવ એટલે નવરાત્રી અને ગરબા આવતીકાલથી શરુ થનાર નવરાત્રી મહોત્સવની ઉજવણી અંગે ઠેર ઠેર કરવામાં આવેલ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે તેમાં પણ આસો અને ચૈત્રની નવરાત્રીનું ખાસ મહત્વ છે. આવતીકાલથી માય ભકતો માની આરાધનામાં લીન થઇ ધન્ય થવા પુજન, અર્ચનની તૈયારીઓ કરી રહ્યા છે. જયારે નૃત્ય અને ગાન સાથે માની ભકિત કરતા ગરબાના ખેલૈયાઓમાં પણ હરખનો પાર નથી.

જો કે, સરકારની ગાઇડ લાઇન પ્રમાણે ગરબા  રમવા અંગે સમયની મર્યાદા નકિક કરવામાં આવી છે. પરંંતુ જે સમય મળ્યો છે તેમાં માના ગુણગાન સાથે રમયાના મુડમાં અત્યારથી જ ખેલૈયાઓ વસ્ત્રો પરિધાન અંગેની તૈયારીઓ કરવામાં લાગ્યા છે. જયારે ગરબા, કોડીયા, દિવા, તેમજ પુજન અર્ચનની સામગ્રી માટે છેલ્લા થોડા દિવસથી ભીડ જોવા મળે છે. તે સ્વાભાવિક છે.

જો કે એક વાત તો ચોકકસ છે કે નવરાત્રી દરમિયાન  9 દિવસ સુધી માના ગરબાનું ગાન કરવું અને તેમાં પણ સંગીતનો સથવારો મળે અને સૌ સાથે મળી ગરબા રમવા અને સાંભળવામાં માની ભકિતનો અનેરો આનંદ મળે અને કંઇક અનોખી અનુભુતિ થાય છે.

ખેર….. ગત વર્ષે તો કોરોનાની મહામારીના કારણે ઘરમાં રહીને જ નવરાત્રી ઉત્સવ મનાવવો પડયો હતો પરંતુ આ વર્ષે ગરબા ગાવાની રમવાની અને તેની સાથે વાદ્ય વગાડવાની જે તક મળી છે. તે તકને ઝડપી લઇ ઓછા સમયમાં વધુ આનંદ મેળવવાનો લ્હાવો અને તેની દરેક ક્ષણ શકિતની ભકિતમાં જાય તેવું આ વર્ષે સૌ લોકો ઇચ્છે તે સ્વાભાવિક છે.