કચ્છ: મોંઘવારી વિરોધમાં કોંગ્રેસે રણના પ્રાણીઓને પણ સામેલ કરી લીધા, ઊંટ પર બેસી કર્યુ કઈક આવું…!!

કોરોનાની મહામારીમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોચ્યા છે. સતત વધી રહેલા ઈંધણના ભાવ વધારા સામે આખરે કોંગ્રેસે આળસ ખંખેરીને રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન કરવાનું નક્કી કર્યુ છે. કોંગ્રેસે આજે “અબકી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર”ના સૂત્ર સાથે દેખાવો કર્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક નેતાઓની આગેવાનીમાં વિરોધ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું છે. ત્યારે કચ્છમાં કોંગ્રેસ દ્વારા કઈક અલગ પ્રકારે અનોખો જ વિરોધ કરવામાં આવ્યો છે.

મોંઘવારી સામેના આ વિરોધમાં કોંગ્રેસે રણના પ્રાણીઓને પણ સામેલ કરી લીધા છે.


ઈંધણમાં ભાવ વધારાની આગનો વિરોધ કરવા કચ્છમાં કોંગ્રેસે ઊંટને પણ મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસનાં કાર્યકરોએ ઊંટ સવારી કરી અનોખો વિરોધ દાખવ્યો છે. પેટ્રોલ પંપ સામે મોટી સંખ્યામાં કાર્યકરોએ ઊંટ ઉપર બેસી વિરોધનારા લગાવ્યા હતા. બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા છે.ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચતા ભારે ઘર્ષણ ઊભું થયું હતું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના 40 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

પોલીસ કાર્યકરોની અટકાયત કરતાં માહોલ વધુ ગરમાયો હતો. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડયા હતા. ગુજરાત કોંગ્રેસનું કહેવુ છે કે, કોરોના રોગચાળમાં પ્રજા હેરાન થઈ રહી છે. તેને રાહત આપવાની જગ્યાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં રાહત આપતી નથી. છેલ્લા 3 મહિનામાં કેન્દ્રની મોદી સરકારના સત્તાકાળમાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 25.72 અને ડીઝલના ભાવમાં રૂપિયા 23.93 ધરખમ વધારો કર્યો છે. માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં 43 વખત ભાવ વધારો કરાયો છે.