Abtak Media Google News

અબતક, જામનગર: મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ જામનગરની ઓળખસમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા છે. ચોમાસાના પહેલાં જ વરસાદમાં લાખોટા તળાવમાં નવા પાણી આવતા શહેરીજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ ગઇકાલે અનેક પંથકોમાં ઝરમરથી લઇને ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઇકાલે જામનગર જિલ્લામાં મેઘ મહેર થઇ હતી અને મેઘો મન મુકીની વરસી રહ્યો હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

કાલાવડમાં સાડા ત્રણ ઈંચ, કલ્યાણપુરમાં સવા ત્રણ ઈંચ, લાલપુરમાં પોણો ઈંચ, જામજોધપુરમાં અડધા ઈંચ સહિત જિલ્લાના અન્ય સ્થળોએ છૂટો છવાયો વરસાદ

બે દિવસથી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા રહીશોમાં ખુશી જોવા મળી હતી. સવારથી ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. વાતાવરણમાં પલ્ટો આવતા ઠંડીનો અહેસાસ થયો હતો. ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના રોડ પર પાણી ફરી વળ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય બફારો પણ દૂર થયો હોવાની લાગણી શહેરીજનો અનુભવી રહ્યાં છે.

અમુક વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીના વરસાદના અહેવાલ મળી રહ્યાં છે. જિલ્લામાં મેધરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. છેલ્લા એકાદ સપ્તાહથી સમયાંતરે વાતાવરણમાં પલટા વચ્ચે આકાશમાં ઘટાટોપ વાદળોનો જમાવડો રહ્યો હતો. ગઈકાલ સવારથી ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. લગભગ પોણા બે કલાક સુધી યથાવત રહેલા વરસાદના જિલ્લાના અનેક વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

વસઈમાં ધોધમાર પાંચ ઈંચ, પડાણામાં સાડા ત્રણ ઈંચ

જામનગર જિલ્લામાં મેઘ મહેર વચ્ચે ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેમાં વસઈમાં પાંચ ઈંચ, મોટી બાણુગારમાં બે ઈંચ, પડાણામાં સાડા ત્રણ ઈંચ, ભણગોળમાં દોઢ ઈંચ સહિત જુદા જુદા ગામોમાં અડધાથી સવા ઈંચ વરસાદ નોંધાયો હતો.

કાલાવડમાં મુશળધાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર

04 2

ગઈકાલે કાલાવડમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. ધોધમાર વરસાદ વરસી જતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.