- ઈજાગ્રસ્ત બહેનના સિટી સ્કેન માટે પાંચ કલાક સુધી તબીબી કર્મચારીઓએ રઝળાવ્યા : લોક સાહિત્યકાર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોય, દર્દીઓ સાથે ગેરવર્તણુક કરવામાં આવતી હોય તેવા આક્ષેપ લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ કર્યા છે. બહેનને અકસ્માત નડતા માથામાં હેમરેજ જેવી ઇજા થઇ હતી. જે બાદ તેમના બહેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીનું સીટી સ્કેન કરવામાં પાંચ કલાકનો સમય લાગ્યો હતો. તબીબી કર્મચારીઓની આ બેદરકારીથી દર્દીનું મોત થઇ શકે તેવી દહેશત વ્યક્ત કરતા હકાભાં ગઢવીએ ગંભીર આક્ષેપ કરતા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સંપડાઈ છે.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમની બહેનનો અકસ્માત થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવવા આવ્યા હતા. જ્યા તેમને હોસ્પિટલમાં થયેલા કડવા અનુભવો જણાવ્યા હતા. જે અંગેનો વીડિયો પણ તેમણે શેર કર્યો હતો, જેમા તેમણે જણાવ્યું કે, ’મારા બહેન ગરીબ માણસ છે, આખો પરિવાર ગૌશાળામાં નોકરી કરે છે. તે લોકો ચાલતા ચાલતા રાજકોટથી હળવદ માતાજીના દર્શન કરવા જતા હતા, ત્યારે રસ્તામાં મારી બહેનને એક ગાડીવાળાએ ઉડાવી દીધા, ગાડીવાળો ત્યાંથી ફરાર થઈ ગયો, મારી બહેનને હેમરેજ થયું અને તે બેભાન થઈ ગયા. તેમને સારવાર માટે રાજકોટ સિવિલમાં લાવ્યા હતા, હું પણ ત્યાં પહોંચ્યા પછી મને હોસ્પિટલમાં ખૂબ ખરાબ અનુભવ થયો હતો.
તેમણે કહ્યું કે, ’સરકાર પૂરૂ ધ્યાન આપે છે, હોસ્પિટલના ડોક્ટરો નથી આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. જેટલી પ્રાઈવેટ હોસ્પિટલમાં સુવિધા ન હોય તેટલી સિવિલ હોસ્પિટલમાં છે પણ કોઈ ધ્યાન આપતું નથી. મારી બહેનનું 5 કલાકે સિટી સ્કેન થયું છે, સાહેબ 5 કલાકમાં માણસ મરી જાય. લાંબી લાઈન લાગેલી હતી, સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો, મેં કહ્યું કે ફટાફટ આમને લઈ લો સિરિયસ છે, મને ડોક્ટરે જવાબ આપ્યો, વારો આવે તેમ આવે શાંતિથી બેસી જાવ. મેં કહ્યું હું હકાભા છું, સાહેબ મારી સાથે તમે આમ વર્તન કરો છો તો નાના માણસનું શું? લુખ્ખાગીરી કરતાં હોય તેવું વર્તન દર્દીઓ સાથે કરે છે. ગુજરાત સરકારની છબિ ખરડાય તેવી કામગીરી સિવિલ હોસ્પિટલ કરી રહી છે. તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી.
તદ્દન ગંભીર બહેનનો વારો લેવા કહ્યું તો તબીબે શાંતિથી બેસો, વારો આવે ત્યારે આવજો કહ્યું : હકાભા
હકાભા ગઢવી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મેં ડોક્ટર સાથે વાત કરી કે મારી બહેન ઘણી સિરિયસ છે. તમે પહેલા એમને લઈ લો ને. ટૂંકમાં કહું છું ડોક્ટરે મને કહ્યું કે, ‘વારો આવે ત્યારે આવો તમે બેસી જાવ શાંતિથી.’ જે બાદ મેં ડોક્ટરને કહ્યું કે, ‘હું કલાકાર છું તેમની સાથે આવું વર્તન કરો છો તો તમે નાના માણસને તો શું કરતા હશો?’ હું એમ નથી કહેતો કે તમે અમને પહેલા લઈ લો પણ આ માંથી જે સિરિયસ છે તેમને પહેલા લો. મગજનો ડોક્ટર હોય છે તે ત્રણ કલાક પછી આવે છે. સરકાર, આરોગ્ય મંત્રીને હું કહું છું કે રાજકોટની સિવિલ હોસ્પિટલ પર તમે ચોક્કસ ધ્યાન આપજો. જેને માથે ગરીબ માણસો નભે છે.
અન્ય દર્દીનું સિટી સ્કેન ચાલુ હોવાથી ફક્ત 20-25 મિનિટ જ રાહ જોવી પડી’તી : સરકારી હોસ્પિટલનો ખુલાસો
મામલામાં સરકારી હોસ્પિટલના તબીબ હિરલ હાપાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, દર્દી 25 ફેબ્રુઆરીએ બપોરે 11:20 વાગ્યે આવ્યા હતા. દર્દી આવ્યા ત્યારે અન્ય દર્દીનું સીટી સ્કેન ચાલી રહ્યું હતું. 11:50 વાગ્યે દર્દીનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. સીટી સ્કેન દરમિયાન દર્દી હિલચાલ કરતી હોવાથી એનેસથેસિયા આપવાની ફરજ પડી હતી. બપોરે 12:15 વાગ્યે ફરીથી દર્દીનું સીટી સ્કેન શરૂ કરવામાં આવ્યું હતું. દર્દીને સીટી સ્કેન માટે લઈને આવવમાં આવ્યા ત્યારે ફક્ત 20 થી 25 મિનિટ જ રાહ જોવી પડી હતી. સામાન્ય રીતે સીટી સ્કેનમાં 10 મિનિટનો સમય લાગતો હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ તમામ ઘટનાક્રમ સીસીટીવીમાં પણ કેદ થઇ છે જેથી સમય સાથે સચોટ જાણી શકાય છે.