Abtak Media Google News

સમરસમાં ઓક્સિજનવાળા વધુ 400 બેડ માટે પુરજોશમાં ચાલતું કામ: કેન્સર હોસ્પિટલમાં આઈસીયુંની સુવિધા ધરાવતા 20 બેડ વધારાશે 

વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર દેશ અને રાજ્યને ઊંઘતા ઝડપી લીધા બાદ પોઝિટિવ દર્દીઓનો આકડો શેરબજારના સેન્સેક્સની જેમ સડસડાટ વધી રહ્યો છે. ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ ખૂટી રહ્યા છે અને સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. ત્યારે આરોગ્ય તંત્રએ કોઈ વ્યક્તિ સારવારના અભાવે મોત ન નીપજે તે માટે સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ડોમ ઉભો કરી દર્દીઓને ઓક્સિજન સહીતની સારવાર આપવામાં આવશે આ માટે જિલ્લા કલેક્ટર સહીતના તંત્ર દ્વારા તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે .

સિવિલ હોસ્પિટલમાં દરરોજ દર્દીઓનું મોટું વેઇટિંગ રહે છે. ત્યારે વેઇટિંગમાં દર્દીઓના જીવ ઉપર જોખમ ન રહે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા વેઇટિંગમાં રહેલા દર્દીઓને ઓક્સિજન સહિતની સુવિધાઓ પુરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો અમલ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં રોજ બરોજ ઉછાળો આવી રહ્યો છે. તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અનેક દર્દીઓને ઓક્સીજન સહિતની સુવિધા મળતી પણ નથી. આવી હાલત વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચે છે. મોટાભાગના દર્દીઓને એમ્બ્યુલન્સ પણ મળતી ન હોય તેઓ ખાનગી વાહનોમાં અહીં આવી પહોંચે છે. જેના કારણે તેઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

વેઇટિંગમાં જ દર્દીઓની હાલત ખરાબ થઈ જતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગમાં જે દર્દીઓ છે તેમને વેઇટિંગમાં જ ઓક્સિજન સહિતની જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ અમલવારી થઈ જશે.

વધુમાં જિલ્લા કલેક્ટર દ્વારા જણાવાયું છે કે હાલ સમરસ હોસ્ટેલના ગર્લ્સ વિભાગમાં ચારેય માળ ઉપર બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. દરેક માળમાં ઓક્સિજનની સુવિધાવાળા 100 બેડ મુકવામાં આવશે આમ અહીં ઓક્સિજનની સુવિધાવાળા 400 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. વધુમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે કેન્સર હોસ્પિટલમાં હાલ આઈસીયુંની સુવિધા ધરાવતા 20 બેડ કાર્યરત છે. જેની સંખ્યા 40 કરવા માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.