Abtak Media Google News

પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહીત કરવા માટે કોર્પોરેશન દ્રારા દર વર્ષે એડવાન્સ ટેક્સ ભરતાં કારદાતાને મિલ્કત વેરામાં 10% વળતર આપવામાં આવે છે.આ યોજનાને હવે છેલ્લું અઠવાડિયું બાકી રહ્યું છે.ત્યારે મિલ્કતધારકોને વળતર યોજનાનો લાભ લેવા પદાધિકારીઓ દ્રારા અપીલ કરવામાં આવી છે.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, અને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, સને 2021-22ના વર્ષમાં 30મી જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 10 ટકા વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના 5 ટકા વળતર એટલે કે 15 ટકા અને 31 જુલાઈ સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 5 ટકા અને મહિલા મિલ્કત ધારકને 10 ટકા વળતર આપવાનું મંજુર કરાયુ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ 1 ટકો વળતર આપવામાં આવશે.

ચાલુ વર્ષમાં આજ સુધીમાં આવક રૂપિયા 83.32 કરોડ થયેલ છે. 1.66 લાખ લોકોએ વળતર યોજનામાં લાભ લીધેલ છે. જેમાં રૂ.22.14 કરોડ રોકડ, રૂ.17.69 કરોડ ચેક દ્વારા અને રૂ.43.48 કરોડ ઓનલાઈન દ્વારા ભરવામાં આવી છે.મિલ્કત વેરાની 10 ટકા વળતર યોજનાને છેલ્લું અઠવાડિયું એટલે કે, 30 જુન સુધી જ હોય, વધુ ને વધુ લોકોએ આ વળતર યોજનાનો લાભ લેવા પદાધિકારીઓએ અપીલ કરી છે. કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ 18 વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.