ગોંડલમાં મોડી રાત્રે પ્રાણવાયુ પૂરૂ થવા આવતા દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા,ઓક્સિજન આપો નહીં તો લાશોના ઢગલા થઈ જશે…

0
43

ગોંડલમાં મોડી રાત્રે પ્રાણવાયુ પૂરૂ થવા આવતા દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા 

ખાનગી હોસ્પિટલોના તબીબો અને મેડિકલ સ્ટાફ કહેવા લાગ્યો કે ઓક્સિજન આપો નહીં તો લાશોના ઢગલા થઈ જશે: રાજકીય અગ્રણીઓએ દોડધામ કરીને ઓકિસજનનો મેળ કર્યો

ગોંડલ શહેરની સિવિલ હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ તેમજ અમૃત કોવિડ હોસ્પિટલ માં બુધવારના ઓક્સિજન ની ઘટ વર્તાઈ રહી હતી અનેકો રજૂઆત કરવા છતાં પણ સરકારી બાબુઓના પેટનું પાણી હલતું ન હોય મોડી રાત્રે ગંભીર પરિસ્થિતિ સર્જાતાં આશરે અઢીસો દર્દીઓ ઉપર મોતના વાદળો મંડાવા લાગતા ખાનગી હોસ્પિટલોના તબીબો અને મેડિકલ સ્ટાફ ભાવુક બની ગયો હતો ઘટનાને પગલે રાજકીય આગેવાનો એ રાત્રિના ઘોડા દોડાવી ઓક્સિજન ની વ્યવસ્થા કરી આપતા લોકોના જીવમાં જીવ આવ્યો હતો.

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં 54 બેડ ઉપર કોરોના ની સારવાર ચાલી રહી છે, આ ઉપરાંત શ્રીજી, ક્રિષ્ના, રામ અને અમૃત કોવિડ હોસ્પિટલ માં 200થી વધારે દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે બુધવારના સવારથી જ ઓક્સિજન ઘટી રહ્યો હોય ડોક્ટર પિયુષ સુખવાલા, ડોક્ટર ભરત શિંગાળા સહિતના તબીબો દ્વારા રાજકોટ કંટ્રોલ રૂમ ખાતે અનેકવાર રજૂઆત કરાઇ હતી પરંતુ પરચુરણ ઓક્સિજનના બાટલા થી પૂરું પડે તેમ ના હોય રાતે વિકટ પરિસ્થિતિ સર્જાઈ જતા ડોક્ટરો ગળગળા બની ગયા હતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ને જાણ કરાતા તાકીદની મિટિંગ બોલાવાઈ હતી અને સાંસદ પુત્ર ડોક્ટર નૈમિષભાઈ ધડુક, ગણેશસિંહ જાડેજા તેમજ અલ્પેશભાઈ ઢોલરીયા સહિતના આગેવાનોએ ઘોડા દોડાવી કોલીથડ, શાપર, રાજકોટ ઘમરોળી ઓક્સિજન ની વ્યવસ્થા કરી હોસ્પિટલમાં તાબડતોબ ઓક્સિજનના બાટલા પહોંચતા કર્યા હતા જેના પરિણામે અઢીસો થી પણ વધારે દર્દીઓના જીવ બચી જવા પામ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આભ ફાટ્યું હોય ત્યારે થિંગડુ કેમ મારી શકાય આગેવાનોની દોડધામથી આગામી 24 કલાક માટે પ્રશ્નનો નિરાકરણ થયો છે પરંતુ 24 કલાક બાદ ફરી વિકટ સમસ્યા ઉભી ન થાય તે સરકારને જોવાનું રહ્યું છે.

એક તબક્કે ખાનગી હોસ્પિટલોના તબીબો સારવાર લઈ રહેલા દર્દીઓના સગા વ્હાલાઓને બોલાવે ઓક્સિજનની પરિસ્થિતિથી વાકેફ પણ કરી આપ્યા હતા અને જણાવી દીધું હતું કે સવાર સુધી નો જ ઓક્સિજનનો જથ્થો છે સવાર બાદ શું પરિસ્થિતિનું નિર્માણ થાય તે અમારા હાથમાં નથી તેવું જણાવી ડોક્ટરોની આંખોમાંથી અશ્રુની ધારા ઓ વહેવા લાગી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here