જિ.પંચા.ની નવ શાખાઓના વિકાસ માટે ફાળવેલી ગ્રાંટ વાપરવામાં આળસુ

પંચાયત, આયુર્વેદ, આઈસીડીએસ, ખેતીવાડી, પશુપાલન, સમાજ કલ્યાણ, આંકડાશાખા,

સહકાર અને ડિઝાસ્ટર વિભાગે છેલ્લા ત્રણ માસમાં એક ફદીયુય વાપર્યું નહી

રાજકોટ જિલ્લા પંચાયતની નવ જેટલી શાખાઓ પોતાને  ફાળવેલી  વિકાસ ગ્રાંટ વાપરવામાં આળશું  હોય તેમ સાબિત થઈ છે. આ નવ શાખાઓને બજેટમાં   વિકાસ માટે  વાપરવા માયે રૂ.2150 લાખની ફાળવણી કરવામાં આવી  હોવા છતાં છેલ્લા ત્રણ માસમાં વિકાસ માટે રૂપીયોય વાપર્યો નહી.

સરકારી તંત્રમાં વિકાસની વાતો માત્ર સમારોહમાં જ થતી હોય છે પરંતુ વાસ્તવમાં કામો માટે લાખોની ગ્રાન્ટ વાપરવામાં અધિકારીઓ લાપરવાહ રહેતા હોય છે આવો કિસ્સો જિલ્લા પંચાયતનાં વહીવટમાં પણ સામે આવ્યો છે. કુલ 14 શાખાઓમાંથી આંગણવાડી સહિતનાં મહત્વનાં 9 વિભાગોએ છેલ્લા ત્રણ મહિનામાં વિકાસ કામો માટે એક રુપિયો પણ વાપર્યો ન હોવાનું સામે આવ્યુ છે.

આંગણવાડી વિભાગને રૂ.217 લાખ ફાળવ્યા છતાં એક ફદિયુ’ય ખર્ચ ન કર્યો, લાખોની ગ્રાન્ટ હોવા છતાં વિકાસમાં ખર્ચ માટે અધિકારીઓની લાપરવાહી સામે આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયત વિભાગની  મળેલી સામાન્ય સભામાં શાખાઓનાં પ્રગતિ અહેવાલો રજુ કરવામાં આવ્યા  હતા. તેમાં આ લાપરવાહી સામે આવી છે. બજેટમાં સ્વભંડોળમાં વર્ષ 2022 – 23 માટે કુલ રુ. 2150 લાખની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ એપ્રિલથી જૂન અંતિત સુધીમાં માત્ર 133 લાખ એટલે માત્ર 6.21 ટકા જ રકમનો  ખર્ચ કરવામાં આવ્યો હતો. શિક્ષણ શાખા જેવી મહત્વની શાખાને 99 લાખ ફાળવવામાં આવ્યા હતા છતાં માત્ર0.20 લાખ જ રકમનો ખર્ચ કર્યો હતો. કુલ 14 શાખાઓમાંથી જે નવ શાખાઓએ આ ત્રણ મહિનાનાં સમયગાળામાં એક રુપિયો પણ વાપર્યો નથી તે શાખાઓમાં પંચાયત, આયુર્વેદ, આઈસીડીએસ, ખેતીવાડી, પશુપાલન, સમાજકલ્યાણ, આંકડા શાખા, સહકાર અને ડિઝાસ્ટર વિભાગનો સમાવેશ થાય છે. બજેટમાં સૌથી વધુ ફાળવણી સિંચાઈ વિભાગ માટે રુ. 286 લાખની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ તેમાંથી માત્ર 16.89 લાખ જ વાપર્યા હતા (5.90 ટકા). આંગણવાડી વિભાગ સારુ કામ કરે તે માટે 217 લાખ ફાળવવામાં આવ્યાહતા તેમાં ત્રણ મહિનામાં એક રુપિયો પણ વાપરવામાં આવ્યો ન હતો.

આમ વિકાસ માટે ફાળવવામાં આવેલ ગ્રાંટ વાપરવામાં શાખાઓ આળશું હોય એમ સાબિત થયુ છે.