- બામણબોર ચેકપોસ્ટ નજીકથી
- 483 પેટીમાંથી 5784 બોટલ દારૂ, કીયા સેલ્ટોસ કાર, બે ટ્રક સહીત રૂ. 65.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરતા પીએસઆઈ બી વી ચુડાસમાની ટીમ
- રાજકોટ શહેર પોલીસની એલસીબી ઝોન-1 ટીમે શરાબનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પાયલોટિંગ સાથે આવી રહેલા દારૂ ભરેલા બે ટ્રકમાંથી પોલીસે 483 પેટીમાંથી 5784 બોટલ દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે શરાબ, પાયલોટિંગ કરતી કીયા સેલ્ટોસ કાર, બે ટ્રક સહીત કુલ રૂ. 65.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દારૂના દરોડા અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં દારૂ-જુગારની બદ્દી ડામવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ ડીસીપી સજ્જનસિંહ પરમારની આગેવાની હેઠળ એલસીબી ઝોન-1 પીએસઆઈ બી વી ચુડાસમાની ટીમ ગઈકાલે પેટ્રોલિંગના હતી. દરમિયાન એલસીબી ઝોન-1ના હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા અને રવિરાજભાઈ પટગીરને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી જીજે-10-ઝેડ-9821 અને જીજે-10-બીવી-5792 એમ બે ટ્રક અંગ્રેજી દારૂનો જથ્થો લઈને રાજકોટ ખાતે આવી રહ્યા છે અને આ ટ્રકની આગળ એક કીયા સેલ્ટોસ કાર જેના નંબર જીજે-25-બીએ-0010 પેટ્રોલિંગ કરી રહી છે. જે બાતમી મળતા પંચોની સાથે એલસીબીએ બામણબોર ચેક પોસ્ટ નજીક ખાનગી રહે વોચ ગોઠવી હતી. દરમિયાન નેશનલ હાઇવે પર બાતમીવાળી કીયા સેલ્ટોસ કાર અને તેની પાછળ બે ટ્રક આવતા જોવા મળ્યા હતા. જે બાદ એલસીબીએ ફિલ્મી ઢબે બુટલેગરોને સહેજ પણ ગંધ આવે નહિ અને નાસી છૂટે નહિ તેવી રીતે હાઇવે પર આગળ વાહનો રોકાવી ટ્રાફિક જામ કરી દેતા કીયા કાર અને બંને ટ્રક ટ્રાફિકને લીધે રોકાઈ ગયાં હતા. બાદમાં ટ્રક નંબર જીજે-10-ઝેડ-9821ના ડ્રાયવર દાસા સુખા કોડિયાતર(ઉ.વ.35 રહે. બાવરવાવ ગામ, પોરબંદર)ને નીચે ઉતારી પાછળ તપાસ કરતા બટેટાની પ્લાસ્ટિક બોરીઓની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં ટ્રક નંબર જીજે -10-બીવી-5792ના ડ્રાયવર ભીખુ રૂપસંગ સોલંકી (ઉ.વ.38 રહે. રાણપર, ભાણવડ, દ્વારકા)ને નીચે ઉતારી ટ્રકમાં જડતી કરતા ચોખાની પ્લાસ્ટિકની બોરીઓની આડમાં છુપાવેલી દારૂની પેટીઓ મળી આવી હતી. ત્યારબાદ કીયા સેલ્ટોસ કાર નંબર જીજે-25-બીએ-0010માં બેસી પાયલોટિંગ કરતા બે શખ્સોં ઘેલુ જગાભાઈ કોડિયાતર(ઉ.વ.24 રહે રાણપર, ભાણવડ, દ્વારકા) અને સુરા ભાયા મોરી(ઉ.વ.32 રહે. ફુલ્લીવાવનેશ નાગકા ગામ, પોરબંદર)ને રાઉન્ડ અપ કરી બંને ટ્રક અને કીયા સેલ્ટોસ કારને એરપોર્ટ પોલીસ મથક ખાતે લાવી દારૂના જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવતા બંને ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની 482 પેટીમાંથી 5784 દારૂની બોટલ જેની કિંમત રૂ. 35,42,496 મળી આવી હતી. એલસીબીએ દારૂ, કીયા સેલ્ટોસ કાર, બે ટ્રક, ચાર મોબાઈલ સહીત રૂ. 65,67,496ના મુદ્દામાલ સાથે ચારેય શખ્સોની ધરપકડ કરી હતી. આ કામગીરી એલસીબી પીએસઆઈ બી વી ચુડાસમા, એએસઆઈ મનરૂપગીરી ગૌસ્વામી, હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ પરમાર, કોન્સ્ટેબલ રવિરાજભાઈ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાએ કરી હતી.
બુટલેગરોને સ્હેજ પણ ગંધ ન આવે તેમ હાઇવે પર ટ્રાફિક જામ સર્જી દારૂનો જથ્થો ફિલ્મી ઢબે પકડી લેવાયો
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ચેક પોસ્ટ નજીક બાતમીવાળી કીયા સેલ્ટોસ કાર અને તેની પાછળ બે ટ્રક આવતા જોવા મળ્યા હતા. જે બાદ એલસીબીએ ફિલ્મી ઢબે બુટલેગરોને સહેજ પણ ગંધ આવે નહિ અને નાસી છૂટે નહિ તેવી રીતે હાઇવે પર આગળ વાહનો રોકાવી ટ્રાફિક જામ કરી દેતા કીયા કાર અને બંને ટ્રક ટ્રાફિકને લીધે રોકાઈ ગયાં હતા. બાદમાં એક ટ્રકમાંથી બટેટાની પ્લાસ્ટિક બોરીની આડમાં તેમજ અન્યમાં ચોખાની પ્લાસ્ટિક બોરીની આડમાં છુપાવેલ દારૂની 483 પેટી પકડી પાડવામાં આવી હતી.
હરીયાણાથી દારૂનો જથ્થો લાવનાર બુટલેગર ટોળકીના ચાર સભ્યો ત્રણ દિવસના રિમાન્ડ પર
એલસીબી ઝોન-1 ટીમે બામણબોર ચેક પોસ્ટ નજીકથી બે ટ્રકમાંથી 5784 બોટલ દારૂનો જથ્થો ઝડપી દાસા સુખા કોડિયાતર(ઉ.વ.35 રહે. બાવરવાવ ગામ, પોરબંદર), ભીખુ રૂપસંગ સોલંકી (ઉ.વ.38 રહે. રાણપર, ભાણવડ, દ્વારકા), ઘેલુ જગાભાઈ કોડિયાતર(ઉ.વ.24 રહે રાણપર, ભાણવડ, દ્વારકા) અને સુરા ભાયા મોરી(ઉ.વ.32 રહે. ફુલ્લીવાવનેશ નાગકા ગામ, પોરબંદર)ને ઝડપી લઇ રિમાન્ડ અર્થે રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો હરિયાણાથી લાવ્યાની કબૂલાત આપી હતી.