Abtak Media Google News

એન કેન પ્રકારે કહેવાતું હોય છે કે ઘણાં લોકો તો લગ્ન કે અન્ય કોઈ પ્રસંગમાં માત્ર જમવા જ એકઠા થતા હોય છે. કોઈક જમવા માટે જીવે છે… તો કોઈક જીવવા માટે જમે છે. પણ બિહારના ગોપાલગંજમાં એક એવો આશ્ચર્ય પમાડતો અને હાસ્યસ્પદ બનાવ સામે આવ્યો છે કે જેમાં લોકો જમવા માટે થઈને એક બીજાનો જીવ લેવા તૈયાર થઈ ગયા. જો કે બિહારના આ વિસ્તારમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.

ઘટનાની વિગત જાણીએ તો બિહારના ગોપાલગંજમાં લગ્ન સમારોહ દરમિયાન માછલીનું શાક ખાવા અને પીરસવા માટે થઈને વિવાદ થયો હતો. જૂથ અથડામણમાં 11 જેટલા લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માછલીના માથાના ભાગને ખાવા માટે બંને પક્ષો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ. આ ઘટના ભોર પોલીસ સ્ટેશન વિસ્તારના સીસાઇ ટોલા સ્થિત ભટવાલિયા ગામની છે. તમામ ઇજાગ્રસ્તોને ગોપાલગંજ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કેવી રીતે વધ્યો વિવાદ ??

મળતી માહિતી મુજબ શુક્રવારે રાત્રે ગામમાં છથુ ગોંડના નામના વ્યક્તિને ત્યાં જાન પહોંચી હતી. લગ્ન સમારોહમાં માછલી અને ચોખાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે દરમિયાન, ત્યાં હિંસક લડત થઈ. આ લડત દરમિયાન ઇજાગ્રસ્ત થયેલ અને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ સુદામા ગોંડએ જણાવ્યું કે તેમના પુત્રો રાજુ ગોંડ અને મુન્ના ગોંડ માછલી પીરસતા હતા. તે દરમિયાન પડોશીઓ અજય ગોંડ અને અભય ગોંડ મહેમાનોને લાવ્યા અને તેમને જમવા બેસાડ્યા. અગાઉથી માછલીના બે બે કટકા પીરસવામાં આવ્યા હતા. પરંતુ પડોશીએ વધુમાં માછલીનું માથું આપવાનું કહેતા આનાકાની થઈ હતી.

ત્યારબાદ રાજુ ગોંડ અને મુન્ના ગોંડને જોરદાર માર માર્યો હતો. તે દરમિયાન છથુ ગોંડ સહિતના અન્ય લોકો પહોંચ્યા, ત્યાં સુધીમાં ધમાલ થઇ ઉઠી હતી અને બંને પક્ષોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી. લગ્નમાં ખાવાની બાબતે થયેલી આ અથડામણમાં બંને તરફથી 11 લોકો ઘાયલ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.