Abtak Media Google News

અસહ્ય ગરમીમાં પાણીની ઉણપ દૂર કરવા, કાકડી, તરબુચ, સંતરા
અને નાળીયેર પાણી અત્યંત અકસીર

ગરમીનો પારો સતત વધતો જાય છે ઉનાળો ચરમસીમાએ પહોચ્યો છે. વૈશાખની બપોરને ગણતરીના દિવસ જ બાકી રહી ગયો છે, ત્યારે આ દિવસોમાં શરીરમાં પાણીની ઉણપથી થતી શારિરીક સમસ્યાઓ નિવારવા આ ચાર વસ્તુઓનું સેવન પાણીની ખપત પૂરી કરે છ અને ઉર્જાનો સંચાર કરે છે.

દરરોજ ત્રણથી ચાર લીટર પાણી પીવુ અનિવાર્ય છે પણ કેટલાંક લોકોને પાણી પીવાની આદત ઓછી હોય છે. આવા લોકોએ તો આ ચાર વસ્તુઓનું અચુક સેવન કરવું જોઇએ. લૂ લાગવાથી તાવ, શ્ર્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી, ચકકર આવી જવા, ડાયરીયા, માથાનો દુ:ખાવો, કળતર થવી. મોઢુ સુકાવું, નબળાઇ વગેરે સમસ્યા થાય છે. તેથી લૂ અને ગરમીથી બચવા ડાયટમાં કેટલાક હેલ્ધી ફુડસ સામેલ કરવા જોઇએ જેનાથી તાજગી મળે અને શરીરને હાઇડ્રેટ રહેવામાં મદદ મળે છે.

કાકડી:- ગરમીના દિવસોમાં કાકડીનું સેવન ઉત્તમ છે. કાકડીમાં લગભગ 95 ટકા પાણીનો ભાગ છે એ સિવાય તેમાં વિટામીન, પોટેશિયમ અને મેગ્નેશિયમની ભરપુર માત્રા છે. કાકડીમાં કેલરીની માત્ર ખુબ જ ઓછી હોય છે. કાકડી બોડી માટે બહેતર ડિટોકિસફાયર છે.

સંતરા:- સંતરુ ઠંડી તાસિક ધરાવતું ફળ છે. જેમાં 88 ટકા પાણી, વિટામીન સી, એ કેલ્શીયમ અને ફાઇબર રહેલું છે. એ સિવાય સંતરામાંથી પોટેશિયમ પણ મળી આવે છે. જે શરીરની માંસપેશીઓના દર્દને દુર કરવામાં મદદરુપ થાય છે.

તરબુચ:- ટેસ્ટી તરબુચ ગરમીમાં આરોગવાનો આનંદ જ ઓર છે તરબુચ શરીરમાં પાણીની ઉણપ નથી થવા દેતું કારણ કે તેમાં આશરે 92 ટકા પાણીની માત્રા રહેલી છે. એ સિવાય તરબુચમાંથી ફાઇબર, વિટામીન સી,એ પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે જે શરીરને હાઇડ્રેટ રાખવામાં  મદદરુપ થાય છે.

નાળીયેર પાણી:- ઉનાળામાં  શરીર માટે અમૃત સમાન નાળીયેર પાણી શકિત વર્ધક કુદરતી પીણુ છે. તાવના દર્દીઓ માટે નાળીયેર પાણી ખુબ જ અકસીર છે. કહેવાય છે નાળીયેરનો એક ત્રોફો એક શકિતની બોટલ ચડાવ્યા બરાબર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.