- અલગ-અલગ ત્રણ સ્થળેથી વિવિધ પ્રકારની ચીકીના નમૂના લેવાયા: રૈયા ચોકડી પાસે ઓયે અન્ના રેસ્ટોરન્ટમાં 6 કિલો વાસી ખોરાકનો નાશ
ઉત્તરાયણ તહેવારમાં લાખો કિલો ચીકીનું વેંચાણ થઇ ગયા બાદ કોર્પોરેશનની આરોગ્ય શાખાને ચીકીના નમૂના લેવાનું જ્ઞાન લાધ્યું છે. અલગ-અલગ ત્રણ સ્થળેથી પાંચ પ્રકારની ચીકીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે રૈયા ચોકડી પાસે ઓયે અન્ના રેસ્ટોરન્ટમાં ચેકીંગ દરમિયાન મળી આવેલો 6 કિલો વાસી ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
આ અંગે કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ તાજેતરમાં આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકીંગ દરમિયાન ચીકીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ભગવતીપરા શેરી નં.17/21ના કોર્નર પર મધુરમ વેરાયટી સ્ટોર્સમાંથી તલની ચીકી અને શીંગની ચીકી, ચુનારાવાડ ચોકમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ભાવના ફૂડ્સમાંથી મનમોજી ચીકી અને દાળીયાની ચીકી જ્યારે ભગવતી સોસાયટી શેરી નં.3માં મધર ટેરેસાવાળી શેરીમાં એ-વન ચીકીમાંથી શીંગની ચીકીના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી પાસે આવેલા વેસ્ટ ગેઇટ બિલ્ડીંગમાં ઓયે અન્ના રેસ્ટોરન્ટમાં ચેકીંગ દરમિયાન વાસી પ્રિપેડ ફૂડ, ચટણી, બાફેલા બટેટા-સડેલા બટેકા, એક્સપાયરી ડેઇટ વિતી ગયેલી બ્રેડનો જથ્થા સહિત 6 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે રેલનગર વિસ્તારમાં ખાણીપીણીની 22 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શ્યામ ખમણ, કાજલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, જય સોમનાથ ખમણ, મોમાઇ કોલ્ડ્રિંક્સ અને જય ખોડિયર કોલ્ડ્રિંક્સને નોટિસ આપવામાં આવી હતી.