લે બોલો…. જૂનાગઢમાં લોકોને ખબર પણ નથી ને, જિલ્લા કક્ષાની સૌથી મોટી રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ ગઈ

આયોજકોની દર વખતની જેમ નિમંત્રણ ન આપવાની પ્રણાલીના કારણે પ્રેક્ષકો સ્પર્ધા માણ્યા વગરના રહ્યા

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની કૃતિઓમાં જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્યના 250 થી વધારે ખૈલેયાઓ એ ભાગ લીધો હતો.

જો કે, દર વખતની જેમ આયોજકો દ્વારા આ કાર્યક્રમમાં પણ પત્રકાર, પ્રતિષ્ઠિત લોકો અને જાહેર જનતાને આમંત્રણ આપવામાં કંજૂસાઇ કે આળસના કારણે માટે સ્પર્ધક અને આયોજકોના અંગત કે ફરજિયાત હાજરી વાળા કર્મીઓ, અધિકારીઓ સિવાય પ્રેક્ષકો નહિવત હોવાથી વિજેતાઓને મળતું પ્રોત્સાહન, તાળીઓના ગડગડાટ મળ્યા ન હતા, તો બીજી બાજુ લોકો ગુજરાતની સંસ્કૃતિ, કલા નિહાળી શકે તેવા આશ્રય સાથે યોજાતી આ સ્પર્ધા લોકોને આમંત્રણ ન અપાતા ઉજડ બની ગઈ હતી, અને માત્ર કરવા ખાતર આ સ્પર્ધા યોજાઇ હોય તેવું જણાઈ રહ્યું હતું.

દરમિયાન ક્યા સ્થળે અને ક્યારે યોજાયેલી આ સ્પર્ધાની વિગતોની કમી સાથે પ્રાપ્ત અખબારી યાદી મુજબ, જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા શહેરમાં રાસમાં પ્રથમ ક્રમે બાગાયત મહાવિદ્યાલય, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ, દ્વિતીય ક્રમે મીનરાજ શૈક્ષણિક સંકુલ, ભવનાથ, પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે મીનરાજ શૈક્ષણિક સંકુલ ભવનાથ, જ્યારે દ્વિતીય ક્રમે બાગાયત મહાવિદ્યાલય, કૃષિ યુનિવર્સિટી વિજેતા બની હતી.

જૂનાગઢ ગ્રામ્યમાં પ્રથમ ક્રમે રાજપૂતપરા રાસ મંડળ, બાંટવા, દ્વિતીય ક્રમે શ્રી ચામુંડા આહીર રાસ મંડળ વેળવા, તૃતીય ક્રમે બ્રહ્મપુરી રાસ, માળીયાહાટીના. પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે એન.સી. પરમાર ગર્લ્સ સ્કુલ વિસાવદર, દ્વિતીય ક્રમે રાજપૂતપરા ગરબી મંડળ બાંટવાએ વિજેતા પદ હાસિલ કર્યું હતું.