- પાઇપ અને લાકડી વડે હુમલો કરતા રાજેશ ચૌહાણ એ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો
- ફરીયાદ પક્ષ પોતાનો કેસ બિયોન્ડ રિઝનેબલ ડાઉટ પ્રુવ કરી શકેલ છે
- શહેરમાં બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર રાજેશ બચુભાઈ ચૌહાણ (ઉ.વ. 50)ની હત્યા કરવાના ચાર વર્ષ પહેલાના કેસમાં એડિશનલ સેશન્સ જજ એસવી શર્માએ બે સગા ભાઇઓને આજીવન કેદની સજા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં શિવનગર સોસાયટીમાં રહેતો રાજેશ બચુભાઈ ચૌહાણ બહેન સુધા જગદીશભાઈ પરમાર સાથે સંબંધ રાખતો હોવા બાબતે બંને ભાઈઓ રજનીશ અને રાહુલે તેને અગાઉ ટોક્યો હતો. દરમિયાન ગઈ તારીખ 22/ 7/ 2020ના રોજ રાજેશ ચૌહાણ સુધા બહેન પાસે જતો હતો ત્યારે આવાસ યોજના પાસે રજનીશ અને રાહુલ તેને જોઈ જતા બોલાચાલી ગાળાગાળી થતા બંને ભાઈઓએ લોખંડનો પાઇપ અને લાકડી વડે રાજેશ ઉપર હુમલો કરતા રાજેશ ચૌહાણને ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો, સારવાર દરમિયાન રાજેશ ચૌહાણ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ચાલુ સારવારે રાજેશનું મૃત્યુ થતાં હુમલાનો બનાવ હત્યામાં પરિણમી હતો.જે અંગે માલવિયા નગર પોલીસ દ્વારા બંને આરોપી ભાઇઓ રજનીશ અને રાહુલની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ ચાર્જશીટ મૂકવામાં આવ્યું હતું.
જે કેસમાં ફરીયાદપક્ષે પોતાનો કેસ સાબિત કરવા 25થી વધુ દસ્તાવેજી પુરાવાઓ તેમજ 19 સાહેદોની જુબાની લીધેલ છે. મરણજનારનુ મૃત્યુ સાપરાધ મનુષ્ય વધ છે કે કેમ તે બાબતે પ્રોસીકયુશને સાહેદ નં.4 આંક-25 થી ડો. હેમલતાબેન તલવેલકરને તપાસેલા છે. તેમને આપવામાં આવેલી સારવારના તમામ પેપર્સ આંક-26 થી રજુ કરેલ હતા. આ સ્વતંત્ર સાહેદ રૂબરૂ દર્દીએ જાતે પોતાની હીસ્ટ્રીમાં “પાઈપ અને ધોકાથી માયાણીનગરમાં રજનીશ, લાલા, દીપ્તી અને નયનાએ રાત્રીના 12/30 કલાકે માર મારેલ હતો” જણાવેલ હતું. તેને મૌખીક ડાઇંગ ડેકલેરેશન માનવુ઼ં જોઈએ તેવી ફરિયાદ પક્ષ દ્વારા રજૂઆતો અને દલીલો કરવામાં આવી હતી.આ ઉપરાંત આરોપીના બેન સુધાબેને બનાવ બાદ તુરંત સાહેદના ઘરે જઈ એવું કહેલ કે મારા બે ભાઈઓ રજનીશ અને રાહુલે તમારા પિતાને માયાણીનગર પાસે માર મારેલ છે તેવી પોતાની સોગંદ પરની જુબાનીમાં તેના ભાઈઓ થતા હોવાનું કબુલ રાખેલ છે, તે સિવાય કોઈ હકીકત આરોપીઓને બચાવવા તેઓ જણાવતા નથી. ઉપરોકત તમામ હકિકતો અને મૌખિક રજુઆત સમયે રજુ થનાર ઓથોરીટીને લક્ષમાં લઈ ફરીયાદ પક્ષ પોતાનો કેસ બિયોન્ડ રિઝનેબલ ડાઉટ પ્રુવ કરી શકેલ છે તેવું માની એડિશનલ સેશન્સ જજ એસ.વી.શર્માએ બંને આરોપીઓ રજનીશ અને રાહુલને તકસીરવાર ઠરાવી આજીવન સખત કેદની સજા ફરમાવેલ છે. આ કામમાં સરકાર તરફે એ.પી.પી. સ્મિતાબેન એન. અત્રિ રોકાયા હતા.