Abtak Media Google News

CM,PRO,ગોપાલ/અરૂણ: કોરોનાના પ્રવર્તમાન એપીડેમીકમાં રાજ્યભરમાં મ્યુકરમાયકોસીસના કેસો સામે આવી રહ્યા છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ 1897 અન્યવયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. મ્યુકરમાયકોસીસ રોગચાળા સામે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મ્યુકરમાયકોસીસના દર્દીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય, ઝડપી સારવાર મળે તેવા હેતુથી 11 તજજ્ઞ-તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કર્યા છે. આ રોગની અસર જેમને થઈ છે, તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ આ રોગનો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્યતંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી છે.

આ સાથે રોગની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરી છે. જેના કારણે રાજ્યમાં મ્યુકોમાયરોસીસ રોગને વધુ ફેલાતો અટકાવી શકાયો છે. આ મ્યુકરમાયકોસીસના રોગચાળા સંદર્ભમાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાં રોગગ્રસ્તોની સારવાર, વય અને જાતિજૂથ તેમજ અન્ય બાબતો અંગે જે તારણો-નિષ્કર્ષ કાઢ્યો છે તેની વિગતો આ મુજબ છે.

Vijay Rupani1
રાજ્યભરમાં મ્યુકરમાયકોસીસના અત્યારસુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી 81.6% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જયારે 14.3% દર્દીઓ સાજા થયા છે. વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો, આ રોગના દર્દીઓ પૈકી માત્ર 0.5% દર્દીઓ 18 વર્ષથી ઓછી વયના, 28.4% દર્દીઓ 18 થી 45 વર્ષની ઉંમરના, 46.3% દર્દીઓ 45 થી 60 વર્ષની ઉંમરના છે. જયારે 24.9% દર્દીઓ 60થી વધારે વયના છે.

આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 67.1% પુરુષો જયારે 32.9% સ્ત્રી દર્દીઓ છે. આ રોગમાંના માત્ર 33.5% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની જરૂર પડી હતી. જયારે 66.5% દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ નહોતી. એટલું જ નહીં, નોંધાયેલ કુલ દર્દીઓમાંથી 59% દર્દીઓને ડાયાબીટીસ, 22.1% દર્દીઓને ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝડ જયારે 15.2% દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે. 49.5% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી. જયારે 50.5% દર્દીઓમાં સ્ટીરોઇડ થેરાપીની જરૂર પડી નહોતી.

રાજ્ય સરકાર દ્વારા મ્યુકરમાયકોસીસના રોગના નિયંત્રણ માટેની રચવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ડેન્ટલ, ઇ.એન.ટી., ઓપ્થેલ્મોલોજી, મેડીસીન વિભાગના રાજ્યની વિવિધ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોના 11 તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટાસ્ક ફોર્સમાં અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજના અધિક નિયામક અને ડીન ડો.ગીરીશ પરમાર, બી. જે. મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના ડો. કમલેશ ઉપાધ્યાય, બી.જે. મેડીકલ કોલેજના ઈ. એન.ટી, ડો. બેલા પ્રજાપતિ, અમદાવાદની એમ. એન્ડ જે. ઇન્સ્ટિટયુટ ઓફ ઓપ્થેલ્મોલોજીના ઓપ્થેલ્મોલોજી ડો. હંસા ઠક્કર, સુરતની સરકારી મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો. અશ્વિન વસાવા, સુરતની સરકારી મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો. આનંદ ચોધરી, જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો. બી. આઈ. ગોસ્વામી, રાજકોટની પી. ડી. યુ. મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો. સેજલ મિસ્ત્રી, રાજકોટની પી.ડી. યુ. મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો. નીતિ શેઠ, ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો. સુશીલ ઝા તેમજ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો. નીલેશ વી. પારેખનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.