પૃથ્વીની જેમ અંતરિક્ષમાં પણ વાવાઝોડું આવે છે, જ્યાં પાણી નહીં ઈલેક્ટ્રોનનો થાય છે વરસાદ

સામાન્ય હરિકેન સેટેલાઇટ દ્વારા સહેલાઈથી નિહાળી શકાય છે, તે વાતાવરણના સૌથી નીચલા સ્તરે સર્જાય છે, આ સામાન્ય હરિકેન ખૂબ ઝડપી પવન અને જળવર્ષામાં પરિણામે છે, પરંતુ 20 ઓગસ્ટ, 2014ના દિવસના સ્પેસ હરિકેન એ જાળવર્ષા નહીં પરંતુ ઇલેક્ટ્રોનની વર્ષા સર્જી હતી!

વૈજ્ઞાનિકોના અભ્યાસ બાદ એ જાણવા મળ્યું કે સૂર્યની ઉપરી વાતાવરણ (કોરોના) દ્વારા ઉત્સર્જિત થયેલ ચાર્જડ પાર્ટીક્લ્સ આ વાવાઝોડા પાછળ જવાબદાર હતા

આપણાં માથી લગભગ બધા જ સાંજ પડ્યે સમાચારપત્રક કે કોઈ ન્યુઝ ચેનલ પર હવામાન ના સમાચાર વાંચતાં કે જોતાં જ હોઈએ છીએ. જ્યારે રિપોર્ટર પોતાની પાછળ ના મોટા સ્ક્રીન પર પૃથ્વી ના સેટેલાઇટ ચિત્રો બતાવે ત્યારે પૃથ્વી ની બહાર થી વરસાદ ના વાદળો કેવા દેખાઈ એનો અંદાજ આવે છે. ભારત ના અલગ અલગ ભાગ માં ક્યારે વર્ષા થશે કે ક્યારે વાતાવરણ ગરમી ભર્યું હશે તે નાનકડા વાદળ કે સૂર્ય ના ચિત્ર દ્વારા બતાવવા માં આવ્યા હોય છે. જો ઇન્ટરનેટ પર સર્ચ કરીએ તો હવામાન સંદર્ભ ની સેટેલાઇટ ઇમેજ પણ મેળવી શકાય. જો વાવાઝોડા ના અણસાર હોય તો ત્યાં વાદળો ના ગતિમાન વમળો જોવા મળે છે. આ ચિત્રો માથી જો સર્પાકાર વાદળ જોવા મળે તો આ ગતિમાન વાદળ હરિકેન (વાવાઝોડા નો એક પ્રકાર) સૂચવે છે.

વાવાઝોડા ના આગમન થી જ ખૂબ જોર થી વાતા પવન ના કારણે અસરગ્રસ્ત ક્ષેત્ર માં બાકી ની વસ્તુઓ સાથે ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન ઉપકરણો પર પણ અસર થાય છે. પરંતુ શું તમે એવા વાવાઝોડા ની કલ્પના કરી શકો જે સેટેલાઇટ ઉપકરણો ને અસર કરે? એક એવું વાવાઝોડું જે આપણાં દરેક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ને નકામા કરી દેવાની ક્ષમતા ધરાવે? શું કોઈ એવી ઘટના ની કલ્પના કરી શકાય કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ના અત્યાધુનિક ઉપકરણો ને પણ જોખમ માં મૂકી શકે?

આ બાબત પર એમ દલીલો થઈ શકે કે વાવાઝોડું તો આપણી પૃથ્વી પર આવી શકે. તેનાથી હજારો કિલોમીટર દૂર રહેલા સ્પેસ સ્ટેશન ને શું નિસબત? તો અહી એ નોંધવું જરૂરી છે કે સેટેલાઇટ ના મોંઘાદાટ ઉપકરણો ને ક્ષણભર માં જ ચાઉં કરી શકવા ની તાકાત ધરાવતું વાવાઝોડું પૃથ્વીની સપાટી પર નહીં પરંતુ વાતાવરણ ના સ્તર ની બહાર સર્જાઈ શકે છે.

ઓગસ્ટ, 2014 પૃથ્વી ના ઉત્તરીય ધ્રુવ ની ઉપર આવું જ એક વાવાઝોડું સર્જાયું હતું. તે સમયે લેવાયેલ ડેટા ને વર્ષો ની મહેનત બાદ હવે સમજી શકાયા છે. 20 ઓગસ્ટ, 2014 ના રોજ લગભગ 8 કલાક કરતાં પણ વધારે સમય સુધી એક સ્પેસ હરિકેન ની ઘટના થઈ હતી. તે સમયે સ્પેસ હરિકેન ના અસ્તિત્વ વિશે આપણે જાણતા નહોતા. આપણે તો ફક્ત કોસ્મિક કિરણો ને પૃથ્વી સુધી પહોંચતા જાણ્યા છે. પરંતુ પૃથ્વી ના વાતાવરણ ની બહાર આઇનોસ્ફેર અને મેગ્નેટોસ્ફેર માં આવતા આ સ્પેસ હરિકેન તથા ઇલેક્ટ્રોન ના વરસાદ વિશે તો આપણને જ્ઞાત જ નહોતું. સદનસીબે આ વાવાઝોડા થી આપણી સેટેલાઇટ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ને કોઈ ધરખમ અસર થઈ નહોતી.

પૃથ્વી ની ઉપર…. ઇલેક્ટ્રોન ની વર્ષા???

ચીન ની શેંડોંગ યુનિવર્સિટી તથા બીજી ટુકડી દ્વારા આ સ્પેસ હરિકેન ના અસ્તિત્વ ની પુષ્ટિ કરવા માં આવી હતી. નેચર જર્નલ માં પ્રકાશિત અહેવાલ મુજબ પૃથ્વી ના ઉત્તરીય ધૂર્વ પર 20 ઓગસ્ટ, 2014 ના રોજ પૃથ્વી ના ચુંબકીય ઉત્તર ધ્રુવ થી લગભગ 200 કિમી કરતાં વધુ ઊંચાઈએ એક વમળઆકાર નું દ્રવ્ય જણાયું. સામાન્ય હરિકેન હવા ના વમળો થી બનેલું હોય છે. પરંતુ આ હરિકેન એ પ્લાઝમા(બહુતાપમાનિય ચાર્જડ ગેસ) ના વમળો થી બનેલ હતું. આ અવલોકન બાદ વૈજ્ઞાનિકો એ તેના પર સંશોધન આદર્યું. ચીન, યુએસએ, નોર્વે તથા યુકે ના વૈજ્ઞાનિકો એ મળી ને આ અજુગતા પ્લાઝમા ના વમળ ને ઓળખવા પ્રયત્નો કર્યા. વર્ષો બાદ તાજેતર માં એક નવી શોધખોળ તથા એક નવી અવકાશીય આફત ની પુષ્ટિ થઈ.

સ્પેસ હરિકેન લગભગ 997 કિમી પહોળું તથા પૃથ્વી ની ખૂબ ઊંચાઈએ સર્જાયું હતું. તેનું પ્રસરણ આઇનોસ્ફેર માં લગભગ 80 થી 965 કિમી ઊંચાઈએ હોવાનું અનુમાન છે. ઘડિયાળ ની વિરુદ્ધ દિશા માં સર્પાકાર ભ્રમણ કરતાં આ સ્પેસ હરિકેન નું સેટેલાઇટ દ્વારા મળેલ ડેટા પર થી થ્રીડી મોડેલ સર્જવા માં આવ્યું. કમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા આ ઘટના ની પ્રતિકૃતિ સર્જી ને તેના પ્રસરણ અને કારણ સમજવા નો પ્રયત્ન થયો. વૈજ્ઞાનિકો ના અભ્યાસ બાદ એ જાણવા મળ્યું કે સૂર્ય ની ઉપરી વાતાવરણ(કોરોના) દ્વારા ઉત્સર્જિત થયેલ ચાર્જડ પાર્ટીક્લ્સ આ વાવાઝોડા પાછળ જવાબદાર હતા. સૂર્ય માથી આવા ચાર્જડ પાર્ટીક્લ્સ નું ઉત્સર્જન સૌરપવન તરીકે ઓળખાય છે. અહી એ નોંધવું રસપ્રદ છે કે આ સૌરપવન લગભગ 10 લાખ માઇલ્સ પ્રતિ કલાક ની ઝડપે ગતિમાન હોય છે!

નેચર જર્નલ માં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ 20 ઓગસ્ટ, 2014 ના રોજ સામાન્ય પરિસ્થિતી જણાતી હતી. સૌરવાયુ ની ગતિ પણ 340 કિલોમીટર પ્રતિ સેકંડ જેટલી સામાન્ય અવસ્થા માં જણાતી હતી. બીજા જટિલ પરિમાણો પર લગભગ સામાન્ય હતા. પરંતુ ત્યાર બાદ લગભગ 8 કલાક સુધી ચાલતી આ ઘટના માં પૃથ્વી ના ચુંબકીય ઉત્તર ધૂર્વ થી ઊંચાઈએ જે પ્લાઝમા વમળ જણાયા હતા તે સ્પેસ હરિકેન હતા. સામાન્ય હરિકેન સેટેલાઇટ દ્વારા સહેલાઈ થી નિહાળી શકાય છે. તે વાતાવરણ ના સૌથી નીચલા સ્તરે સર્જાય છે. આ સામાન્ય હરિકેન ખૂબ ઝડપી પવન અને જળવર્ષા માં પરિણામે છે. પરંતુ સ્પેસ હરિકેન એ જાળવર્ષા નહીં પરંતુ ઇલેક્ટ્રોન ની વર્ષા સર્જે છે.

અતિ ઊંચા તાપમાને રહેલ પદાર્થ ની પ્લાઝમા અવસ્થા ના વાદળ થી બનેલ આ વાવાઝોડું કોઈ સામાન્ય વાયરા તરીકે ન લઈ શકાય. તે સમગ્ર પૃથ્વી ને દિશા દેનાર જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ ને પણ અસર કરી શકે છે. પૃથ્વી ની આજુબાજુ ફરતા રહેતા કૃત્રિમ ઉપગ્રહો પણ આ ઇલેક્ટ્રોન વર્ષા થી અસરગ્રસ્ત થઈ ને નિષ્ક્રિય થઈ શકે છે. કોઈ પણ સ્વચલિત ઉપકરણો વીજળી થી ચાલતા હોય છે. આ સ્પેસ હરિકેન એ વીજળી ના જ વાહક એવા ઇલેક્ટ્રોન કણો ની વર્ષા ઉપજાવે છે. જેની અસર દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર થઈ શકે. એ સમય તથા અવકાશ ની ઉમદા ઈચ્છા કે આ સ્પેસ હરિકેન કોઈ મોટી અવકાશીય પ્રણાલી ને નુકશાનકારક ન નિવડ્યું.

વાઇરલ કરી દો હવે

શું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માં રહેતા એસ્ટ્રોનોટ ઇલેક્ટ્રોનિક વાવાઝોડા માં સ્પેસ સૂટ ને રેનકોટ તરીકે વાપરી શકે?

ઇલેક્ટ્રોનિકવાવાઝોડું

તથ્ય કોર્નર

પ્લાઝમા અવસ્થા માં પદાર્થનું તાપમાન 6000 – 10000 કેલ્વિન જેટલું હોય છે!

ટ્વિટ અ. બીટ.

એક એવું વાવાઝોડું જે સ્પેસ માં ફૂંકાય છે. પવન અને પાણી ની જગ્યાએ ત્યાં ચાર્જડ પાર્ટીક્લ ની વર્ષા થાય છે.