Abtak Media Google News

રાશનકાર્ડને લગતી કોઈપણ પ્રકારની અરજી કરતા પૂર્વે કુટુંબનાં તમામ સભ્યોનાં ચૂંટણીકાર્ડ મામલતદાર કચેરીમાં વેરીફાઈ કરાવવા જિલ્લા કલેકટરનો આદેશ

મતદારયાદીને અદ્યતન બનાવવા જિલ્લા કલેકટર દ્વારા રાશનકાર્ડ સાથે ચુંટણીકાર્ડનું લીંકઅપ કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી કલેકટરનાં આદેશ પ્રમાણે હવે રાશનકાર્ડને લગતી કોઈપણ પ્રકારની અરજી કર્તા પૂર્વે કુટુંબનાં તમામ સભ્યોનું ચુંટણીકાર્ડ મામલતદાર કચેરીમાં વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ થયા બાદ જ આગળની રાશનકાર્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

હાલ મતદારયાદી કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લાનાં ૪.૫૦ લાખ રાશનકાર્ડધારકોની મતદારયાદી અદ્યતન બને તે માટે જિલ્લા કલેકટર દ્વારા રાશનકાર્ડ સાથે ચુંટણીકાર્ડનું લીંકઅપ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશનાં આધારે રાશનકાર્ડમાં સુધારા-વધારા તેમજ નામ કમી કરવા માટે આવતા અરજદારો પાસેથી ઘરનાં તમામ સભ્યોનાં ચુંટણીકાર્ડ લેવામાં આવશે. બાદમાં તેનું મતદારયાદી સાથે વેરીફીકેશન કરવામાં આવશે. આ દરમિયાન ઘરનાં કોઈ વ્યકિત જો હયાત ન હોય તો તેનું ચુંટણીકાર્ડ રદ કરી રાશનકાર્ડમાંથી પણ નામ રદ કરી દેવામાં આવશે.

જિલ્લા કલેકટર રૈમ્યા મોહનનાં આદેશ પ્રમાણે તમામ અરજદારે રેશનકાર્ડને લગતી કોઈપણ પ્રકારની અરજી રજુ કરતા પહેલા તેમનું તથા કુટુંબનાં સભ્યોનાં ચુંટણીકાર્ડ મામલતદારની કચેરીમાં વેરીફાઈ કરાવવાનાં રહેશે. બાદમાં વેરીફીકેશન અંગેની ઓપરેટરની સહીવાળી પહોંચ સાથે જ રાશનકાર્ડની કામગીરી માટેની અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જિલ્લામાં રાશનકાર્ડને ચુંટણીકાર્ડ સાથે લીંકઅપ કરવામાં આવ્યું હતું બાદમાં આધારકાર્ડ સાથે લીંકઅપ કરાયું હતું ત્યારબાદ હવે ફરી વધુ એક વખત ચુંટણીકાર્ડ સાથે લીંકઅપ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.