જેતલસર પંથકમાં સિંહોના ધામા: ૧૦ ગાયોનું મારણ કર્યું

આરબ ટીંબડી ગામે ગૌશાળામાં ઘુસી ૧૦ સિંહોએ મિજબાની માણી,આરએફઓની ટીમે સિંહોને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસો કર્યા

ગ્રામજનોએ ગાયોની ભીના હૈયે અંતિમવિધિ કરી

છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લાના છેવાડાના ગામડાઓમાં પડાવ નાખીને ભ્રમણ કરતા સિંહો ગત રોજ મોડી રાત્રે જેતલસર પંથકમાં પહોંચ્યા હતા. ત્યાં આરબટીંબડી ગામે એક ગૌ શાળામાં ઘુસીને ૧૦ સિંહોએ મિજબાની માણી હતી. આ વાતની જાણ થતા આરએફઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સિંહોને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા.

જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે ગત રાતે દોઢ વાગ્યાના અરસામાં ૧૦ સિંહોએ પડાવ નાખ્યો હતો. ત્યાંની ગૌશાળામાં ઘુસી સિંહોએ ૧૦ ગાયોને ફાડી ખાધી હતી. ગૌશાળામાં અંદાજે ૫૦ જેટલી ગાયો હતી. સિંહો આવતા ગાયોમાં નાસભાગ મચી હતી. મોડી રાત્રીએ સિંહ પરિવારે ગાયોનું મારણ કરી મિજબાની માણી હતી.જો કે આ ઘટના અંગે જાણ થતા ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિબેન જોશી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં તેઓએ પોતાના જાનના જોખમે સિંહોને ભગાડવાના પ્રયાસો કર્યા હતા અને તે પ્રયાસો સફળ નિવડયા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર નજીક વીસ કિ.મી.ના વિસ્તારમાં જ સિંહોનો પડાવ રહેતા છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારમાં કુતુહલ સાથે ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. રાજકોટની સરહદના મહેમાન બનેલા સાવજોની ડણક અનેક ગામોમાં સંભળાતી થઈ છે.