- વિશ્ર્વ વન્ય દિવસ નિમિતે યોજાયેલી બેઠકમાં પણ સહભાગી થયા
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાસણમાં લાયન સફારી પાર્કમાં ત્રણ કલાકથી વધુ સમય ગાળ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ માદરે વતન ગુજરાતની મૂલાકાતે છે. આજે સવારે ભારતના સાવજ અર્થાત નરેન્દ્રભાઈએ સાસણગીરમાં સિંહ દર્શન કર્યા હતા સતત ત્રણ કલાક સુધી લાયન સફારી પાર્કમાં સમય ગાળ્યો હતો. પરંપરાગત સફારી પાર્કની કોટીમાં નરેન્દ્રભાઈએ માથા પર હેટ પણ હેરી પીએમને ઠેર ઠેર સાસણગીરમાં વસવાટ કરતા લોકોએ આવકાર્યા હતા. નરેન્દ્રભાઈએ પણ તેઓનું અભિવાદન કર્યું હતુ.
આજે વિશ્ર્વ વન્યજીવ દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ખાતે સાસણગીરની મુલાકાત લીધી હતી.
હાલ ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી છે. ગુજરાતમાં વસતા એશિયાઇ સિંહો તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનવા જઇ રહ્યું છે. વધુમાં, સાસણમાં વન્યજીવન ટ્રેકિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2024માં ગીર ખાતે 237 બીટ ગાર્ડ્સ (162 પુરુષો, 75 મહિલાઓ) ની ભરતી કરવામાં આવી હતી, જેઓ સંરક્ષિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે અને સિંહોના રહેઠાણોનું રક્ષણ કરે છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં, ગીરના સ્થાનિક લોકોના નાના-નાના પ્રશ્નોના નિરાકરણ માટે ‘ગીર સંવાદ સેતુ’ કાર્યક્રમ ચલાવવામાં આવે છે, અને અત્યારસુધીમાં આવા 300 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, શાકાહારી પશુઓના સંવર્ધન માટે 9 બ્રીડીંગ સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બૃહદ્ ગીર વિસ્તારમાં આવેલી રેલ્વે લાઇનો પર સિંહની અવર-જવરના કારણે સંભવિત અકસ્માત નિવારવા માટે રેલ્વે સાથે એસ.ઓ.પી. (જઘઙ)ની રચના કરવામાં આવી છે, જેના લીધે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ 2022માં આયોજિત ‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણીમાં લગભગ 13.53 લાખ લોકોએ ભાગ લીધો હતો અને તેના થકી એક વિશ્વ વિક્રમ બનાવવામાં આવ્યો હતો. માનવ-વન્યજીવન સંઘર્ષના મુદ્દા પર ફોકસ કરવા માટે આ પહેલ ખરેખર ખૂબ મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સાસણગીરમાં વસતા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે પોતે વર્ષ 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી, અને ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, તેમણે ગિર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવસૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગીરના સિંહોના વિસ્તારમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ‘ખૂશ્બૂ ગુજરાત કી’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઇને મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કર્યા. ભારતભરના પ્રવાસીઓની સાથે અન્ય દેશોના પ્રવાસીઓને પણ આમંત્રિત કરીને ગીરના સંરક્ષિત ક્ષેત્રની વિઝિબિલિટીમાં વધારો કરવામાં આવ્યો, જેનાથી ગીર વૈશ્વિક પ્રવાસન નકશા પર આવી ગયું.
ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસે વન્યજીવ સંરક્ષણમાં જ યોગદાન નથી આપ્યું, પરંતુ હજારો સ્થાનિક રહેવાસીઓની આવકમાં પણ હકારાત્મક પરિવર્તન આણ્યું છે, જેનાથી આ વિસ્તારનો ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 33,15,637 પ્રવાસીઓએ ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી છે.
ગીરમાં સંરક્ષણ પ્રયાસો અને પ્રવાસનને સંતુલિત કરવા માટે 2017માં આંબરડી સફારી પાર્કની રચના કરવામાં આવી હતી. ગીર ઓનલાઈન પરમિટ બુકિંગ સિસ્ટમની શરૂઆત થયા બાદ સફારીનો અનુભવ વધુ સુવ્યવસ્થિત બન્યો છે.
ઇકો-ટુરિઝમના કારણે સાસણથી તાલાલા અને જૂનાગઢ સુધીના સ્થાનિક કારીગરો, હસ્તકલા કામદારો અને ખેડૂતોને પણ ફાયદો થયો છે, જેઓ તેમનાં ઉત્પાદનો સીધા મુલાકાતીઓને વેચી શકે છે. ગામના ઘણાં લોકો હવે પોતાની દુકાનોમાં સ્થાનિક માલના વેચાણ અને પરિવહન સેવાઓ દ્વારા કમાણી કરે છે, જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે.
આ વિસ્તારના કુલ 1000 જેટલા પરિવારો ઇકો-ટુરિઝમ સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા સીધી રોજગારી પ્રાપ્ત કરે છે, જ્યારે ગીરની આસપાસના લગભગ 15,400 પરિવારોને રોજગારીની દ્રષ્ટિએ અપ્રત્યક્ષ રીતે ફાયદો થાય છે. સ્થાનિક શેરડીમાંથી બનાવવામાં આવેલો ગોળ, ગીર પ્રદેશની કેસર કેરી, કેરીનો રસ અને તેના અન્ય ઉત્પાદનો, ગીર ગાયનું ઘી, ફળો, કેસુડાના ફૂલો વગેરે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.