મોરબીમાં લાયન્સનગર ગંદકીમાં ડુબ, ઠરે ઠેર કચરાના ગંજ ખડકાયા

 

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ લાયન્સનગરમાં ટીપરવાન ન આવતી હોવાથી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા હોવાની રાવ ઉઠી છે. ગંદકીને પગલે વિસ્તારવાસીઓના આરોગ્ય પર ખતરો ઝળુંબતો હોવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ ગાઢ નિંદ્રામા પોઢી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.આ અંગે મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી જણાવ્યું કે વોર્ડ નં.11 ના છેવાડાના વિસ્તાર લાયન્સનગરમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકીની સમસ્યા માથું ઊંચકી રહી છે. તંત્રની કચરો એકઠો કરતી ટીપર વાન આ વિસ્તારમાં ન આવતી હોવાથી લોકોએ ના છૂટકે જાહેરમાં કચરો ફેંકવો પડે છે આથી ઠેરઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. લાયન્સનગરમાં પ્રાથમિક શાળા પાછળ આવેલ દેવીપૂજકવાસ સહિત તમામ સોસાયટીમાં કચરો લેવા માટે ટ્રેકટર આવે છે તો ફક્ત લાયન્સ નગરની જ પાંચ સોસાયટીઓમાં કેમ નહિ? તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. ગંદકીને પગલે વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાતું હોવાથી રોગચાળો વકરવાની પણ ભીતિ સેવાય રહી છે આથી કચરાના કાયમી નિકાલ માટેની વ્યવસ્થા કરવા રજૂઆતના અંતમાં જણાવાયું છે.