- જીવન જીવવાની આચાર સંહિતા-શિક્ષાપત્રી
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર બ્રહ્માજીના માનસમાંથી માતા સરસ્વતી પ્રગટ થયાં હતાં,એ દિવસ એટલે વસંત પંચમીનો દિવસ.આ દિવસે સરસ્વતી પૂજનનો મહિમા અધિક છે. માતા સરસ્વતીને જ્ઞાન,સંગીત અને કલાની દેવી પણ કહેવામાં આવે છે,એટલા માટે ભક્તો સાચા હૃદયથી માતા સરસ્વતીની પૂજા અને પ્રાર્થના કરે છે.
વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી જયંતી પણ આવે છે.સર્વે જીવના કલ્યાણ અર્થે ભગવાન શ્રી સ્વામિનારાયણે આજના દિવસે મનુષ્ય જીવનની આચારસંહિતા સમાન 346 જેટલાં શાસ્ત્રોના નિચોડ રૂપ 212 શ્લોકની શિક્ષાપત્રીની વડતાલ ધામે રચના કરી હતી.જે માણસ શિક્ષાપત્રી મુજબ જીવન જીવે તેનાથી ઈન્ડિયન પીનલ કોડની કોઈ કલમનો ભંગ થતો નથી. આ શિક્ષાપત્રી બંધારણ સાથે પણ સામ્યતા ધરાવે છે.કારણ કે કાયદાની કલમો પૈકી કલમ 107થી ગુનાની કલમો શરૂ થાય છે. શિક્ષાપત્રીમાં માનવીએ કઈ રીતે જીવન જીવવું જોઈએ, કેવા દુર્ગુણોથી બચવું જોઈએ, શું કાર્ય કરવું, શું ન કરવું – તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
આવો,આપણે શિક્ષાપત્રીના અમુક શ્લોકનું આચમન કરીએ અને જીવન ધન્ય બનાવીએ :
શિક્ષાપત્રી શ્લોક અઢારમાં કહ્યું, ’અને અમારા આશ્રિત જે પુરુષ અને સ્ત્રીઓ તેણે વ્યભિચાર ન કરવો,જૂગટું (જુગાર)આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ગાંજો, ભાંગ, તમાકુ આદિ કેફ કરનાર વસ્તુ તે ખાવાં નહીં ને પીવાં પણ નહીં.’ આ એક સામાન્ય નિયમ પણ માનવના જીવનમાં કેટલું સંરક્ષણ આપે છે !
આર્થિક પ્રશ્નને હલ કરવા શિક્ષાપત્રીમાં કહેવામાં આવ્યું છે કે, ’જેટલી પછેડી હોય તેનાથી વધુ લાંબા પગ ન કરવા જોઈએ. પોતાની આવક અનુસાર જ નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને ઉપજ કરતાં જે વધારે ખર્ચ કરે છે તેને મોટું દુ:ખ થાય છે.’ વળી આજ્ઞા આપી કે, ’હંમેશા સારા અક્ષરે પોતાનું નામું લખવું.આવક અને જાવકનો ચોખ્ખો હિસાબ નજર સમક્ષ રહે તો માણસના જીવનમાં કોઈ પ્રશ્ન ઊભા ન થાય.’
આરોગ્ય અંગે મહારાજે જણાવ્યું છે કે, ’જાહેર સ્થાનો,બાગ, મંદિર,નદીકાંઠા વગેરેમાં જ્યાં ત્યાં મળમૂત્ર ન કરવાં,થૂંકવું પણ નહીં.જળ,દૂધ વગેરે પ્રવાહી ગાળીને ઉપયોગમાં લેવાં.વહેલાં ઊઠવું, એક જ સ્થળે દાતણ કરવું. નિત્ય સ્નાન કરીને ધોયેલાં પવિત્ર વસ્ત્રો પહેરવાં ને ભગવાનની પૂજા અર્ચના કરીને જ બીજા વ્યવહારિક કાર્ય કરવાં.’
જગતમાં જ્યાં જુઓ ત્યાં પૈસા,જમીન અને સ્ત્રી – આ ત્રણ બાબતો માટે જ હંમેશાં ઝઘડા થતા હોય છે.શ્રીજી મહારાજે આ ત્રણેય બાબતોનો સ્પષ્ટ પણે નિર્વિઘ્ન વ્યવહાર બતાવ્યો છે કે, ’પોતાનો ભાઈ હોય,મિત્ર હોય કે પિતા હોય તેની સાથે પણ જમીન કે કોઈપણ ધનની લેવડ દેવનો વ્યવહાર કરવો હોય તો સાક્ષીએ સહિત લખત કર્યા વગર એ કાર્ય કરવું નહીં.’ વસ્ત્ર પરિધાન જેવી સાવ નાની જણાતી બાબતમાં પણ શ્રીજી મહારાજે ખાસ સૂચના આપી કે, ’જે વસ્ત્ર પહેર્યે થકે પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી સ્ત્રીઓએ ન પહેરવું.’ આજકાલ જાતજાતની ફેશન નીકળે છે.જોનારને વિકાર જન્મે એવી ફેશનથી દૂર રહેવાનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે.
અંગ્રેજ શાસન વખતે મુંબઈના ગવર્નર જ્હોન માલ્કમને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની (1830 – રાજકોટમાં)ભેટ આપેલી.જે આજે પણ ઓક્સફર્ડની લાઈબ્રેરીમાં આદરપૂર્વક સચવાયેલી છે.શિક્ષાપત્રીનો વિશ્વની 38થી વધુ ભાષામાં અનુવાદ થયો છે.
વસંત ઋતુમાં લખાયેલી શિક્ષાપત્રીનાં આવાં પગથિયાં ચડવાથી – તે પ્રમાણે વર્તવાથી જીવનમાં હંમેશાં વસંત જ રહે છે.જીવન પાંગરેલું અને મહેકતું રહે છે. જેની સૌરભ વ્યક્તિગત રીતે સમાજમાં પ્રસરે છે. આવો,આપણે પણ આપણાં જીવનમાં તેની સૌરભ પ્રસરાવીએ.