Abtak Media Google News

શિયાળાની આગમન સાથે જ રાજકોટ સબ યાર્ડમાં શાકભાજીની મબલખ આવક શરૂ

રાજકોટ સબયાર્ડ ખાતે લગ્નગાળો નજીક આવતા શાકભાજીની આવકમાં પણ ધમધમાટ વધારો જોવા મળી રહ્યો છે. શિયાળો પણ શરૂ થઈ ચુકયો છે. જેના કારણે શાકભાજીની લોકલ આવક શરૂ થઈ ચુકી છે. ટુંક સમયમાં શાકભાજીની દરેક આઈટમસમાં લોકલ આવક શરૂ થઈ જશે. નોંધપાત્ર બાબત એ છે કે જેમ જેમ આવકમાં વધારો થશે તેમ તેમ ભાવમાં પણ ઘટાડો થશે અને શાકભાજીની કિંમતમાં લોકોને રાહત મળશે.

શાકભાજીની આવક વિશે રાજકોટ સબયાર્ડ શાકભાજી વિભાગના ઈન્સ્પેકટર કે.વી.ચાવડાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, શિયાળો શરૂ થઈ ચુકયો છે જેના કારણે નવા નવા શાકભાજીના ઉત્પાદન શરૂ થયા છે. જે લગભગ એક સપ્તાહમાં સંપૂર્ણપણે આવક શરૂ થઈ જશે. લગ્નગાળો નજીક છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ લગ્નગાળામાં નવી શાકભાજીની આવક લોકોને અઢળક પ્રમાણમાં મળી રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજયોમાંથી પણ આવક શરૂ થઈ ગઈ છે. તેમણે આંકડાકિય માહિતી આપતા કહ્યું હતું કે, હાલ બટેટાની આવક ૧૦ હજાર કવિન્ટલે પહોંચી ગઈ છે અને જો ભાવની વાત કરવામાં આવે તો પ્રતિ ૨૦ કિગ્રા. ૭૦ થી ૧૨૦ રૂપિયા ભાવ ચાલી રહ્યો છે.

તેવી જ રીતે સુકી ડુંગળીની આવક આશરે ૩૫૦૦ કિવન્ટલે પહોંચી છે અને કિંમત ૩૦૦-૬૨૦ રૂપિયાની છે. તેવી જ રીતે ટમેટા, કોબીજ, રીંગણા, ભીંડો, ફલાવર તમામની આવકનું પ્રમાણ સારી જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં શાકભાજીની આવક ખુબ જ સારી રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ વટાણાની મધ્યપ્રદેશથી આવક શરૂ થઈ ગઈ છે. ખુબ જ સારી બાબત છે અને ભાવ પણ પ્રમાણમાં સારા જોવા મળી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, હાલ શાકભાજીની આવક માટે પ્રખ્યાત રાજકોટનું જુના માર્કેટીંગ યાર્ડમાં કુલ ૪૩ આઈટમસનું વેચાણ થાય છે. જેમાંથી હાલ ૩૮ આઈટમસની આવક યાર્ડ ખાતે શરૂ થઈ ગઈ છે અને બાકીની કંટોળા, લીલી મગફળી, ગુંદા, કાચી કેરી, સાકર ટેટી અને તરબુચની સીઝન ન હોવાથી આવક થતી નથી જેથી ટુંકમાં કહી શકાય કે રાજકોટ જુના માર્કેટીંગ યાર્ડ ખાતે શાકભાજીને લગતી તમામ વસ્તુઓની આવક શરૂ થઈ ગઈ છે અને પ્રમાણમાં ભાવ પણ સારા છે જે ખેડુત અને ગ્રાહક એમ બંનેને પોષાય તેવા છે.

શાકભાજીની આવકો વિશે રાજકોટ જુના માર્કેટીંગ યાર્ડ કમિશનર એજન્ટ પ્રમુખ લાખાભાઈ ઢોલરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ લોકો પાસે પૈસાની તંગી હોવાથી અત્યાર સુધી શાકભાજીની આવકમાં વતા-ઓછા અંશે મંદી નોંધાઈ હતી પરંતુ હવે લગ્નગાળો નજીક હોવાથી શાકભાજીની આવકમાં તેજી નોંધાઈ રહી છે તે ઉપરાંત શિયાળો પણ આવી પહોંચ્યો છે તેથી હવે શાકભાજીની આવક લોકલ અને બહારના રાજયોમાંથી નોંધાઈ રહી છે. આ સિવાય તેમણે ભાવ વિશે જણાવતા કહ્યું હતું કે, દર વર્ષ કરતા આ વર્ષે મને એવું લાગી રહ્યું છે કે આવક વધશે જેથી આવક વધતા ભાવમાં ઘટાડો જોવા મળશે.

શાકભાજીની આવક વિશે વેપારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે અત્યારથી જ આવક વધતી નોંધાઈ રહી છે અને સ્પષ્ટ વાત છે કે જેમ આવક વધશે તેમ ભાવમાં ઘટાડો જોવા મળશે. હાલ વટાણા, રીંગણા, ટીંડોળા, કોબીજ, ફલાવર જેવા લીલા શાકભાજીઓની આવક વધી રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે અત્યારે ખેડુતોને પાણીની સમસ્યા હોતી નથી જેથી ખેડુતો શાકભાજીનું વાવેતર વધારે લેતા હોય છે અને તે સફળ નિવડતું હોય છે. વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, શાકભાજીનું વાવેતર લેવામાં કાળજી રાખવી પડતી હોય છે અને મુખ્ય પ્રશ્ર્ન પાણીનો હોય છે જે શિયાળામાં રહેતો નથી તેમજ ટુંકાગાળામાં ઉત્પાદન મળવા લાગે છે જેથી દર વર્ષે શિયાળામાં શાકભાજીની આવકમાં જંગી વધારો જોવા મળતો હોય છે. તેમણે ઉમેર્યું હતું કે, વટાણાની આવક પણ મધ્ય પ્રદેશ ખાતેથી શરૂ થઈ ચુકી છે અને તેના ભાવ પણ પ્રમાણમાં સારા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.