- હવે રેપો રેટ ઘટીને 6.50 ટકાથી 6.25 ટકા થઇ જશે: અગાઉ ફેબ્રુઆરી-2023થી રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો હતો
ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલીસી કમિટીએ રેપો રેટ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરબીઆઇ ગર્વનર સંજય મલ્હોત્રાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરબીઆઇ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવશે એટલે કે હવે રેપો રેટ ઘટીને 6.50 ટકાથી 6.25 ટકા થઇ જશે. આ પહેલા ફેબ્રુઆરી-2023થી રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. જેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. છેલ્લે 2020માં કોરોના મહામારી વખતે રેપો રેટમાં ઘટાડો કરાયો હતો પણ તેના પછી ધીમેધીમે તેને વધારીને 6.50 ટકા કરી દેવામાં આવ્યો હતો.
જો કોઇએ 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને લોન પર વ્યાજ 8.5 ટકા હોય અને મુદ્ત 20 વર્ષ માટે હોય તો ઇએમઆઇ 17,356 રૂપિયા હશે પરંતુ આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં 25 બેઝીસ પોઇન્ટ અથવા 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી લોનનો વ્યાજદર 8.25 ટકા થઇ જશે. તેના આધારે 20 લાખ રૂપિયાની લોન પર માસિક ઇએમઆઇ તરીકે માત્ર 17041 રૂપિયા ચુકવવા પડશે એટલે કે દર મહિને 315 રૂપિયા બચત થશે.
કોઇપણ કેન્દ્રીય બેંક પાસે પોલીસી રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી સાધન હોય છે. જ્યારે ફૂગાવો ખૂબ ઉંચો હોય છે ત્યારે કેન્દ્રીય બેંક પોલીસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો પોલીસી રેટ ઉંચો હશે તો બેંકોને સેન્ટ્રલ બેંકો પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી બનાવે છે તેનાથી અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ ઓછો થાય છે. જ્યારે નાણાનો પ્રવાહ ઘટે ત્યારે માંગ પણ ઘટે છે અને ફૂગાવો પણ ઘટે છે. એવી જ રીતે જ્યારે અર્થતંત્ર ખરાબ તબક્કામાંથી પસાર થાય છે ત્યારે પુન:પ્રાપ્તી માટે નાણાનો પ્રવાહ વધારવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય બેંક પોલીસી રેટ ઘટાડે છે. આને કારણે બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.