Abtak Media Google News
  • ધરોહર લોકમેળો સુરક્ષિત અને સગવડભર્યો બનાવવા વહીવટીતંત્રની  ઝીણવટભરી તડામાર તૈયારી’
  • આ વર્ષના લોકમેળાનો
  • વીમો દસ કરોડનો: એમ્બ્યુલન્સ-ફાયર ફાઇટર-સિકયોરિટી સ્ટાફમાં ગત વર્ષની સરખામણીએ બમણો વધારો
  • રાત્રે 11.30 વાગ્યે એન્ટ્રી બંધ થશે: સ્ટોલની સંખ્યામાં 30%નો ઘટાડો: સફાઇ  કર્મચારીઓનું
  • સન્માન થશે: અવાજની માત્રા પર દેખરેખ રખાશે: વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરાશે

રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ  રેષકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જોતા હોય છે. ઉંચા ઉંચા ફજર, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ. એક અંદાજ મુજબ દર વર્ષે બાર લાખ લોકો આ મેળામાં મહાલે છે. નાના બાળકોથી માડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસી માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે જેમ શિયાળો એ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે, એમ પ્રત્યેક રાજકોટવાસી માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર છે. આ મેળો શનિવારે સાંજથી ખુલ્લો મુકાશે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ આ મેળાનું ઉદ્ઘાટન કરવાના છે.

1953 સુધી શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા લોકમેળાનું શાસ્ત્રી મેદાનમાં ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવતું હતું. ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે 1984માં રાજ્ય સરકારના યુવક સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે જ લોકમેળો યોજવામાં આવ્યો. આ આયોજનનું 1985માં પણ પુનરાવર્તન કરાયું ત્યાર બાદ, 1986થી સરકારી અધિકારીશ્રીઓની વિવિધ સમિતિ દ્વારા આયોજનબધ્ધ રીતે લોકમેળો યોજાવાની શરૂઆત થઇ.

આ લોકમેળો રાજકોટની ભાતીગળ ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતો આ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2003થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે. મેળાના સમયગાળો ત્રણ દિવસથી વધારીને પાચ દિવસનો કરવામાં આવ્યો. લોકમેળાના આયોજનના આ વિકેન્દ્રીકરણની લીધે રાજકોટનો મેળો વહીવટી રીતે નમૂનેદાર બન્યો છે. કોરોનાની મહામારી દરમ્યાન જાહેર જનતાના હિતાર્થે 02 વર્ષ મેળો બંધ હતો. અતિ લોકપ્રિય આ લોકમેળામાં સ્થાનિકથી લઇ અન્ય રાજયોના અનેક જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે છે.

સાંસ્કૃતિક ધરોહર લોકમેળામાં પ્લોટ-સ્ટોલની ડ્રો અને હરરાજી જેવી સિસ્ટમથી પારદર્શક રીતે થાય છે. આ વર્ષના મેળામાં સ્ટોલના ભાવમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. ચાલુ વર્ષે તા. 24 થી 28 ઓગસ્ટ, 2024 એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 235 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે. લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. જે પૈકી રમકડાના 140  સ્ટોલ, ખાણીપીણીના 32 સ્ટોલ, મેન્યુઅલ રાઇડ 15, મોટી રાઇડસ (મીકેનીકલ) 31, પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવી રહયા છે. આઈસ્ક્રીમના 16 પ્લોટ,  એક ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવ્યા છે.

ધરોહર લોકમેળાની નામકરણની પ્રણાલિ

દર વર્ષે થતી લોકમેળાની નામકરણ પ્રણાલિ મુજબ આ લોકમેળાને અગાઉ જમાવટ, ગોરસ, અમૃત, રસરંગ સહીતના લોકરૂચિના નામો અપાયા હતા. તાજેતરમાં ચાલુ વર્ષના લોકમેળા માટે લોકોએ લોકમેળા માટેના નામો સૂચવ્યા હતા, જેમાં રાજકોટના પિયુષ વસોયા નામના વ્યક્તિ દ્વારા સૂચવેલ ધરોહર લોકમેળો નામની પસંદગી થઈ હતી.

સમાજ ઉપયોગી પ્રવૃત્તિ માટે પણ સ્ટોલ હશે

લોકમેળા સમિતિ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરીને પ્રદર્શન સ્ટોલ ફાળવાશે, જેમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. કેટલીક સંસ્થાઓને સમાજ ઉપયોગી માર્ગદર્શન માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવે છે. મહિલાઓ તથા નાના કારીગરોને રોજગારી તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા આર્થીક વિકાસ નિગમ અને ઇન્ડેક્સ્ટ-સી ને સ્ટોલ ફાળવાયા છે.

  • 3 ડીસીપી, 10 એસીપી, 28 પીઆઈ સહીત  1266 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત
  • દરરોજ 125 સિકયોરિટી સ્ટાફ પણ ફરજ ઉપર રહેશે 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરાશે

આ વર્ષનો ધરોહર મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહયું છે. લોકમેળામાં વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને દસ કરોડની કરાઇ છે. કુદરતી આફતોમાં પણ વિમા કવચ મળશે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 3 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે.

આ ઉપરાંત ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે 14 વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે લોકમેળાનો રૂ. 10 કરોડનો વીમો પણ લેવામાં આવેલ છે. સાંઢિયો પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કીંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની

વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ ર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજુરી અપાશે. લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના સુચારૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે.

ગત વર્ષની 3 એમ્બ્યુલન્સ સામે આ વર્ષે પાંચ એમ્બ્યુલન્સ અને ગત વર્ષના 3 ફાયર ફાઇટરને બદલે આ વર્ષે પાંચ ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે. ગત વર્ષના રોજના 100 પ્રાઇવેટ સિકયોરિટી સ્ટાફને બદલે આ મેળામાં રોજના 125 સિકયોરિટી સ્ટાફ તૈનાત રહેશે. 11.30 વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસીબલની માત્રા પર ચાંપતી દેખરેખ રાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.

અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો બનશે આકર્ષણનું કેન્દ્ર

ધરોહર લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ધરોહર લોકમેળાના ઉદ્ઘાટન સમારંભમાં રાજકોટના શ્રી વૃંદ દ્વારા અર્વાચીન ગરબો, રાજકોટના મેગીસ ક્રિએશન, ભાવનગરના બજરંગ કલા ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડના હોલી-હુડો ગ્રુપ દ્વારા હુડો રાસ, પોરબંદર જિલ્લાના બોખીરા ગામના શ્રી ચામુંડા મહેર રાસ મંડળ દ્વારા ઢોલ-તલવાર રાસ, ગીરસોમનાથના ગેબી સરકાર ગ્રુપ દ્વારા આદિવાસી ધમાલ નૃત્ય, રાજકોટના લોકગાયક દિવ્યેશભાઈ જેઠવા દ્વારા ડાયરાની પ્રસ્તુતિ કરાશે.

ધરોહર લોકમેળાની આવકનો વિકાસ કામોમાં ઉપયોગ

જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળાની આવક રાજકોટ જિલ્લાના વિકાસકામો માટે ખર્ચવામાં આવે છે. અત્યાર સુધીમાં ઈશ્વરીયા પાર્ક, ઈવનિંગ પોસ્ટ, ઘેલા સોમનાથ, કબા ગાંધીનો ડેલો, વીરપુર મીનળવાવ વગેરે જેવા સ્થળોના વિકાસકામોમાં લોકમેળા સમિતિ દ્વારા કરાયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.