Abtak Media Google News

રાજકારણમાં સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત નથી રહેતા… તેની સાથે સાથે રાજકારણમાં કોઈ કોઈનો શત્રુ કે મિત્ર નથી હોતા, સૌના હિત જ હોય છે. ઉત્તરપ્રદેશનું રાજકારણ રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રબિંદુ સમાન ગણાય છે. લોકતાંત્રીક વ્યવસ્થામાં ઉત્તરપ્રદેશનું પ્રભુત્વ હંમેશા રહ્યું છે. એવું ક્હેવાય છે કે, જેની પાસે ઉત્તરપ્રદેશ હોય તેને દિલ્હીની ગાદી સર કરવામાં આસાની રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો દિલ્હીની ગાદીએ બેસવું હોય તો ઉત્તરપ્રદેશ જીત્વુ અનિવાર્ય બની જાય છે.

લોકસભાની આગામી ચૂંટણી વાયા ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના રોડમેપની તૈયારી ?

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રાજકીય કારકિર્દી પાયાથી લઈને ટોચ ઉપર પહોંચેલા નેતા જેવી સંઘર્ષશીલ અને પરિણામદાયી રહેવા પામી છે. છેલ્લા કેટલાંક સમયથી યોગી આદિત્યનાથના પરિપેક્ષ્યમાં રાજકારણ અને ખાસ કરીને કેન્દ્રમાં જે હલચલ મચી છે તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહ અને જેપી નડ્ડા સાથે બેઠક યોજીને કેબીનેટના વિસ્તરણની જે ક્વાયત હાથ ધરી છે તેના કેન્દ્રમાં ઉત્તરપ્રદેશ મુખ્ય કેન્દ્રબિંદુ બની શકે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા રાજધાનીમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે યોજેલી બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરીને કેબિનેટના વિસ્તરણની રણનીતિ હાથ ધરી છે. મોદીનો ગંજીપો ઉત્તરપ્રદેશના રાજકારણમાં કેવા પરિવર્તન લાવશે તેના પર મીટ મંડાયેલી છે.

ભાજપના ટોચના સાથે વડાપ્રધાન, અમિત શાહ, જેપી નડ્ડાની મસલત ઉત્તરપ્રદેશમાં કોની કેવું વજન આપવું તેની રણનીતિ તૈયાર કરનારૂ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં અપના દલના અનુપ્રિયા પટેલ જેવા ગઠબંધનના પ્રતિનિધિઓ અને આગામી ચૂંટણીને ધ્યાને લઈને ઉત્તરપ્રદેશને કેન્દ્રીય મંત્રી મંડળમાં કેવું અને કેટલું પ્રભુત્વ આપવું તેની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આગામી 5 વિધાનસભાનીઓની ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશ કેન્દ્રની ભાજપ સરકાર માટે સૌથી મહત્વનું બની રહેશે. વળી યોગી આદિત્યનાથની રાજકીય મહત્વકાંક્ષા અને વધી રહેલા વજનનો પક્ષને કેવો અને કેટલો વધુને વધુ લાભ મળી રહે તેના ઉપર ભાજપની થીંક ટેન્કે કામ શરૂ કર્યું છે.

કેન્દ્રીય મંત્રી મંડળમાં ઉત્તરપ્રદેશનું વધનારૂ વજન યોગી આદિત્યનાથના પોલીટીકલ કેરીયર માટે એક સિમાચિન્હ બની રહેશે. ઉત્તરપ્રદેશની સાથે સાથે યોગી આદિત્યનાથની રાજકીય રેખા કઈ તરફ આગળ વધશે તેનું ભવિષ્ય નક્કી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.