Abtak Media Google News

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૪ લાખથી વધુ મતદાર ગાઈડ પુસ્તક છપાવાયા ‘તા: વિતરણમાં ડાંડાઈ કરનાર બીએલઓ સામે પગલા લેવાશે

જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાન સ્લીપ સાથે પરીવાર દીઠ એક મતદાર ગાઈડ પુસ્તક વિતરણ કરવાની સુચના આપવામાં આવી હતી. આ માટે જિલ્લા ચુંટણી તંત્રએ ૪ લાખથી વધુ મતદાર ગાઈડ પુસ્તક છપાવ્યા પણ હતા પરંતુ મતદાન સ્લીપ અને તેની સાથેનાં માર્ગદર્શક સાહિત્યનાં વિતરણમાં લોલમલોલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેથી વિતરણમાં ડાંડાઈ કરનાર બીએલઓ સામે પગલા લેવા માટે તંત્રએ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ સહિત રાજયભરમાં ૨૩મીએ લોકસભાની ચુંટણીનું મતદાન યોજાવાનું હતું તે પૂર્વે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તમામ બીએલઓને મતદાન સ્લીપનું વિતરણ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ચુંટણી તંત્રએ વિશેષ ભાર આપીને આદેશ આપ્યો હતો કે મતદાનનાં બે દિવસ પૂર્વે તમામ મતદારોને સ્લીપ મળી જાય તે રીતે વિતરણ કરવાનું રહેશે તેમ છતાં અનેક મતદારોને મતદાન સ્લીપ મળી ન હતી.

જેના પગલે ચુંટણીપંચની હેલ્પલાઈન ૧૯૫૦ ઉપર મતદાન સ્લીપ મળી ન હોવાની ફરિયાદોનો ધોધ પણ વહ્યો હતો.  વધુમાં િજલ્લા ચુંટણી તંત્રએ મતદારોને માર્ગદર્શન આપતું મતદાર ગાઈડ પુસ્તકની ૪ લાખથી વધુ કોપી છપાવી હતી. આ મતદાર ગાઈડ પુસ્તકને મતદાન સ્લીપની સાથે પરિવાર દીઠ એક-એક વિતરણ કરવાનું સુચન પણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં જેમ મતદાન સ્લીપનાં વિતરણમાં લોલમલોલ થયું હતું તેવું જ મતદાર ગાઈડ પુસ્તકનાં વિતરણમાં થયું હોવાનું સામે આવ્યું છે. જેની નોંધ લઈને જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર બીએલઓ સામે પગલા લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.